Earthquake detector : દુનિયાના આ દેશો ભુકંપ પહેલા જ લગાવી લે છે તેની જાણકારી, જાણો કેવી રીતે?
Earthquake detector : હાલમાં જ દુનિયામાં ઘટેલી ભૂકંપની ઘટનાઓએ લોકોને દહેશતમાં મૂક્યા છે. નેપાળમાં બે દિવસ પહેલાં બનેલ ભૂકંપના આંચકાઓ એ દર્શાવે છે કે ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ કેટલાં ઘાતક બની શકે છે.
5.2 અને 5.5ની તીવ્રતાવાળા આ ભૂકંપના આંચકા જાજરકોટ વિસ્તારમાં અનુભવાયા હતા અને તેની અસર ઉત્તર ભારત સુધી ફેલાઈ હતી. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

આ આંચકાઓ માત્ર ભારત અને નેપાળ પૂરતા સીમિત નહોતા. થોડા દિવસો પહેલા મ્યાનમાર અને થાઈલેન્ડમાં પણ તીવ્ર ભૂકંપ આવ્યો હતો. અહીં રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ કુદરતી આપત્તિઓ સામે આગળ વધીને કેટલાક દેશોએ ટેકનોલોજીનો સહારો લઈને એક એવી સિસ્ટમ વિકસાવી છે, જેના કારણે ધરતીકંપના આંચકા આવે તે પહેલાં જ લોકો ચેતવી શકાય છે. આ દેશોમાં જાપાન અને અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય સામેલ છે.
જાપાન અને કેલિફોર્નિયા બંને સક્રિય ભૂકંપ ઝોનમાં આવેલાં છે. અહીં અવારનવાર ધરતીકંપના જોરદાર આંચકા અનુભવાય છે. તેનાં પરિણામે અહીંની સરકારોએ અને સંશોધકોના સહયોગથી એક અદ્યતન સિસ્ટમ તૈયાર કરી છે.
આ સિસ્ટમ P-વેવ્સને ઓળખીને તરત એલાર્મ ચાલુ કરી દે છે, જે S-વેવ્સની તુલનાએ પહેલા આવે છે અને ઓછું નુકસાન કરે છે.
P-વેવ્સને ઓળખ્યા પછી સિસ્ટમ તરત જ અંદાજ આપે છે કે કેટલો મોટો ધરતીકંપ આવી શકે છે અને તેનો પ્રભાવ કેટલો વિસ્તૃત હોઈ શકે છે. આ એલાર્મ લોકોને લગભગ 60 સેકન્ડ પહેલા ચેતવી દે છે.
જો કે આ સમય થોડો લાગે પરંતુ હકીકતમાં ટ્રેન રોકવા, ઓફિસોના લિફ્ટ બંધ કરવાની, સ્કૂલોના બાળકોને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની અને મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવવા માટે તે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
જાપાનમાં સરકાર અને સ્થાનિક સંસ્થાઓ દર વર્ષે ધરતીકંપથી બચવા ડ્રિલ યોજે છે. વિદ્યાર્થીઓ, નાગરિકો, વ્યવસાયિકો અને પબ્લિક સર્વિસને ટ્રેઇન કરવામાં આવે છે કે કઈ રીતે આવી પરિસ્થિતિમાં વ્યવહાર કરવો.
આ એલાર્મ સિસ્ટમ માત્ર ટેકનોલોજી પર આધારિત નથી, પરંતુ લોકજાગૃતિ, તૈયારી અને એક સશક્ત ઈમરજન્સી મેકેનિઝમ પણ તેમાં ભાગ ભજવે છે.
કેલિફોર્નિયામાં પણ ShakeAlert નામની સિસ્ટમ કાર્યરત છે, જે ભૂકંપ પહેલાં એલર્ટ મોકલે છે. આ સિસ્ટમ મોબાઈલ ફોન, ટીવી અને જાહેર ઘોષણાઓ દ્વારા લોકો સુધી ચેતવણી પહોંચાડે છે.
ભારત પણ ભૂકંપના જોખમવાળા દેશોમાં આવે છે. ખાસ કરીને હિમાલયની પહાડીમાં આવેલા વિસ્તારો ઉત્તરાખંડ, હિમાચલ, સિક્કિમ અને નોર્થ-ઈસ્ટ સ્ટેટ્સમાં ઘણા ભૂકંપ આવે છે. ભારતમાં પણ ભૂકંપ પૂર્વ ચેતવણી માટેના પ્રયાસો ચાલુ છે. પણ હજુ આ ક્ષેત્રમાં પ્રગતિ થવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
