For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના સરદારને સલામઃ આજે લોહપુરુષની 139મી જન્મજયંતી

By Super
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 31 ઓક્ટોબરઃ 31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર પટેલની જન્મતિથિએ સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ભારતના લોકોમાં એકતાની ભાવના બળવત્તર બને તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સહિત દેશભરમાં ‘રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 31 ઓક્ટોબરથી ગુજરાતના કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના નિર્માણનું કાર્ય શરૂ થઇ રહ્યું છે. આ અવસરે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે યુવાવર્ગને ધ્યાનમાં રાખીને પોતાના વિચાર બ્લોગ સ્વરૂપે વ્યક્ત કર્યા છે.

our-salute-to-the-iron-man-of-india
મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો બ્લોગ અક્ષરશઃ નીચે મુજબ છે.

ભારતના સરદારને સલામ
પ્રિય મિત્રો,

31 ઓક્ટોબર એટલે અખંડ ભારતના શિલ્પી તરીકે જેમને ઓળખવામાં આવે છે તે ગુજરાતના મહાન સપૂત સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ. કમનસીબે સરદાર પટેલે ભારતની એકતા, અખંડિતતા, સુરક્ષા અને સુશાસન માટે આપેલા યોગદાનની જે કદર દેશમાં થવી જોઈએ તે અત્યાર સુધી થઈ નથી. એટલે આજની પેઢીને કદાચ સરદાર પટેલના ગુણવૈભવથી સમૃધ્ધ વ્યક્તિત્વનો પૂરો અંદાજ ન હોય. આથી, ખાસ કરીને યુવાવર્ગને ધ્યાનમાં રાખીને આ શબ્દો લખી રહી છું.

આઝાદી બાદ એવા 565 રજવાડાઓ હતા જેના મહારાજા અને નવાબ પોતપોતાના પ્રદેશોના સ્વતંત્ર શાસક બનીને રહેવા માંગતા હતા. દેશ આખો ખંડિત બનીને રહી જાય તેવી સ્થિતિ હતી. આ સમયે સરદારસાહેબે પોતાની અદ્વિતીય કુનેહ અને મુત્સદીગીરીથી આ રજવાડા દેશમાં ભેળવીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. આ કોઈ નાની સિધ્ધિ નથી. ઘરના એક માણસને પણ તેની ઈચ્છાથી વિરુધ્ધ કામ કરાવવામાં કેવી તકલીફ પડે તે આપણે બધા જાણીએ છીએ. જ્યારે આ તો ૫૬૫ રાજાઓને તેમનું શાસન છોડાવી એક વિશાળ હિત ખાતર ભારતમાં ભેળવવાની વાત હતી. પણ સરદારે મહદઅંશે દરેક રાજામાં એકતાનો ભાવ જગાવીને, અને જરૂર પડી ત્યાં કડકાઈ દાખવીને આ અત્યંત કપરું કામ થોડાક જ સમયમાં સિધ્ધ કરી બતાવ્યું.

ભારતની એકતા, અખંડિતતાના અને સુરક્ષા માટે સરદાર પટેલના સંદેશ અને તેમની જીવનગાથાને બિરદાવીને સરદારની ખુમારીનો ભાવ જન-જનમાં જાગૃત કરવાની એક તાતી જરૂર હતી. સદીઓથી ગુલામીની બેડીઓમાં રહેલી ભારત મા અને સુષુપ્તિમાં રહેલી આપણી આર્યપ્રજાના સ્વાભિમાનને જાગૃત કરીને તેમાં એકતાની ભાવનાનો સંચાર કરવો અત્યંત જરૂરી હતો. આવા જ ઉદ્દેશ્યથી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને તેના માધ્યમ દ્વારા ભારતના ગૌરવને પુન:જાગૃત કરવાનું સ્વપ્ન સેવ્યું.

કેન્દ્રમાં હવે જ્યારે નરેન્દ્રભાઈની સરકાર છે ત્યારે આ વખતની 31 ઓક્ટોબર ઘણી અલગ રહેશે. સરદાર પટેલના અમૂલ્ય યોગદાનથી દેશની ભાવિ પેઢીને માહિતગાર કરવા તેમની જન્મતિથિને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા સામે રહેલા પડકારોનો સામનો કરવાની આપણી ક્ષમતાને બળ આપવાનો અને એક પ્રજા તરીકેની આપણી અસ્મિતાને આંદોલિત કરવાનો અવસર આપશે. આ દિવસે ગુજરાત સહિત સમગ્ર દેશમાં જુદી-જુદી જગ્યાઓએ ‘રન ફોર યુનિટી' એટલે કે ‘એકતા દોડ'નું પણ આયોજન કરવામાં આવ્યું છે. રન ફોર યુનિટી એ કોઈ રાજકીય પક્ષનો કે સરકારનો કાર્યક્રમ બની રહેવાના બદલે ભારતવાસીઓની એકતાને બુલંદ કરવાનો અવસર બની રહેશે.

આ 31 ઓક્ટોબરે આપણે ગુજરાતના કેવડિયા ખાતે સરદાર પટેલ સાહેબની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના નિર્માણનો પ્રારંભ કરી રહ્યા છીએ. 182 મીટર ઊંચી આ પ્રતિમા અમેરિકાના જગપ્રસિધ્ધ ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી' કરતા બે ગણી ઊંચી હશે અને અત્યાર સુધીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે.

દુનિયામાં ક્યાંય જોવા ન મળે તેવું એક અનન્ય પાસું એ છે કે ભારતના તમામ પાંચ લાખ ગામડાઓમાંથી ખેડૂતો પાસે તેમના લોખંડના જૂના ખેતઓજારો ઊઘરાવીને તેમાંથી જનભાગીદારી દ્વારા આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે. સપૂત ગુજરાતનો અને સ્થળ પણ ગુજરાતનું, છતાંય દેશ આખાના ખેડૂતો પોતપોતાની રીતે નાનકડું યોગદાન આ માટે આપશે. દરેક ધરતીપુત્ર આ પ્રતિમામાં પોતાના પરિશ્રમ અને પ્રસ્વેદનું પ્રતિબિંબ જોઈ શકશે, જેનાથી એકતાની ભાવના દ્રઢીભૂત થશે.

આ સ્થળે સરદારના જીવનનું દર્શન કરાવતો લેઝર લાઈટ શૉ, ગુડ ગવર્નેન્સ અને કૃષિ સહિતના સરદારના દિલની નજીક રહેલા વિષયો ઉપર રીસર્ચ સેન્ટર હશે. 450 ફુટની ઊંચાઈએ નર્મદા ડેમનો અદભુત વિહંગમ નજારો કેવો તો અદભુત દેખાશે તેની તો કલ્પના કરો! 75 હજાર ઘનમીટર કોંક્રીટ, 5700 મેટ્રીક ટન સ્ટ્રકચરલ સ્ટીલ, 18,500 મેટ્રીક ટન સળિયા, 8 મિ.મી જાડાઇનું 1900 મેટ્રીક ટન કાંસુ, 22,500 મેટ્રીક ટન સિમેન્ટ અને દેશભરના ધરતીપુત્રોના ખેતરના લોખંડથી ચાર વર્ષના અંતે જ્યારે આ આખું સ્ટ્રક્ચર બનશે ત્યારે ભારતના ગૌરવસમી આ પ્રતિમાને જોવા દુનિયાભરમાંથી પ્રતિવર્ષ ૨૫ લાખ લોકો આવશે.

રીસર્ચ સેન્ટરને કારણે આ સમગ્ર વિસ્તારમાં કૃષિ અને જળ વ્યવસ્થાપનને આધુનિકતાનો સ્પર્શ અને વેગ મળશે. વળી, નર્મદા જિલ્લાના આ આદિજાતિ વિસ્તારમાં પ્રવાસનના કારણે સ્થાનિક લોકોને રોજગારીની પુષ્કળ તકો મળશે તે અલગ!

મિત્રો, 1947માં જ્યારે ભારતને બ્રિટીશરાજમાંથી આઝાદી મળી ત્યારે આખા દેશમાં ઉજવણીનો માહોલ હતો. પરંતુ સ્વાતંત્ર્ય સંગ્રામના ધુરંધર નેતા સરદાર પટેલ સાહેબના ચહેરા પર હજી કાંઈ મેળવવાનું બાકી રહ્યું હોય તેવો ભાવ વર્તાતો હતો. તે સમયે તેમણે કહેલાં શબ્દો દરેક ભારતવાસીએ યાદ રાખવા જેવા છે.

"આપણને હજી માત્ર વિદેશી હકૂમતમાંથી મુક્તિ મળી છે. આ સ્વરાજ નથી. લોકોએ હજી આંતરિક સ્વરાજ જીતવાનું બાકી છે, નાત-જાતના ભેદભાવ અને અસ્પૃશ્યતામાંથી મુક્તિ મેળવવાની હજી બાકી છે, લાખો ભૂખ્યા ગરીબ લોકોની સ્થિતિ સુધારવાની બાકી છે, એક સંયુક્ત પરિવારની જેમ જીવતા શીખવાનું હજી બાકી છે. લોકોના દિલ અને અભિગમમાં બદલાવ લાવીને ભારતમાં એક નવી જીવનશૈલીનું નિર્માણ કરવાનું હજુ બાકી છે."

સરદાર જડ રૂઢિઓ, કુરિવાજો, અંધશ્રધ્ધા, વ્યસનો, ગંદકી જેવી બદીઓના સખ્ત વિરોધી હતા. એક પ્રસંગે તો તેમણે કહેલું, "જ્યારે અમે સત્તા પર આવીશું ત્યારે એવો કાયદો કરીશું કે 12-13 વર્ષની દીકરીને પરણાવનાર વ્યક્તિને ફાંસીએ ચઢાવવામાં આવે કે ગોળીએ દેવામાં આવે. છોકરીઓ ચૌદ પંદર વર્ષે તો માતા બની જાય છે અને પછી નાની ઉંમરે વિધવા બને છે. આવું ક્યાં સુધી ચાલશે? તમને દેખાતું નથી કે તમે તમારી દીકરીઓને મારી રહ્યા છો?"

ગાંધીજીની જેમ સરદાર પણ સ્વચ્છતાના ઘણા આગ્રહી હતા. ૧૯૧૭માં તેઓ અમદાવાદના સેનીટેશન કમિશ્નર હતા ત્યારે શહેરના આયોજનબધ્ધ વિકાસ અને સ્વચ્છતા માટે તેમણે નક્કર પ્રયાસ કર્યા હતા. 1920ના દાયકામાં તેઓ અમદાવાદ નગરપરિષદના પ્રમુખ હતા ત્યારે શહેરમાં વીજસેવાનો વ્યાપ વધારવા અને શૈક્ષણિક સુધારાઓમાં તેમણે નિર્ણાયક ભુમિકા ભજવી.

૧૯૨૬માં ગુજરાતમાં બારડોલીના ખેડૂતો પૂર અને ભૂખમરાથી પીડિત હતા ત્યારે અંગ્રેજોએ અહીં જમીન મહેસુલમાં 30% નો અન્યાયી વધારો ઝીંકી દીધો. વલ્લભભાઈએ ખેડૂતોને એક કરીને તેમનું નેતૃત્વ લીધું અને એક આનાનો કર પણ ન ભરવા જણાવ્યું. સત્યાગ્રહના માર્ગે સતત લડત આપવામાં સરદાર ડગ્યા નહિ અને આખરે બ્રિટીશ સરકારને ઝુકવું પડ્યું. બારડોલી ચળવળની સફળતાથી સમગ્ર દેશની સ્વતંત્રતાની લડતને નવો વેગ મળ્યો, અને પોતાને એક સામાન્ય કિસાનપુત્ર ગણાવતા વલ્લભભાઈ પટેલને ‘સરદાર'નું બિરુદ મળ્યું.

સખત મહેનત, શિસ્તબધ્ધતા અને નિયમપાલનના આગ્રહી એવા સરદાર સાહેબની રમૂજવૃત્તિ પણ ગજબ હતી. અનેક ગંભીર બાબતોની વચ્ચે પણ જીવનને તેઓ હળવાશથી લેતા. તેમણે કહ્યું હતું "કામ ખરેખર પૂજા સમાન છે, પણ હાસ્ય તો જીવન છે. જે કોઈ જીવનને વધુ પડતી ગંભીરતાથી લે છે તેઓ ચોક્કસપણે એક દુ:ખી જીવનની તૈયારી કરી રહ્યા છે. જે માણસ સુખ અને દુ:ખને સમાન રીતે લે છે તે જ જીવનને શ્રેષ્ઠ રીતે જીવી શકે છે."

મિત્રો, રાષ્ટ્રીય એકતા દિવસ ભારતવાસીઓની એકતાને બુલંદ કરવાનો અવસર છે. સરદારસાહેબના નિર્ભયતા, ધીરજ, સાહસ, શિસ્તબધ્ધતા, કર્મશીલતા જેવા સદગુણોનું સ્મરણ કરીને તેને આત્મસાત કરવાનો દિવસ છે. આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની શરૂઆત ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની પરિકલ્પનાને સિધ્ધ કરવાની દિશામાં એક સીમાચિન્હરૂપ પગલું છે. 125 કરોડ દેશવાસીઓની એકતાના સામર્થ્યથી જ ભારત વિશ્વમાં પોતાનું અગ્રીમ સ્થાન સુનિશ્ચિત કરશે.

આજે જ્યારે ગુજરાત ઉદ્યોગ, કૃષિ અને સેવા ક્ષેત્રના વિકાસની સાથે-સાથે ઘર-ઘર શૌચાલય, કુપોષણ નાબુદી અને સ્વચ્છતા અભિયાન દ્વારા માનવ વિકાસ સૂચકાંકને પણ નવી ઉંચાઈએ લઈ જવા ગતિશીલ બન્યું છે ત્યારે સરદારસાહેબનો જીવનસંદેશ આપણા માટે વિશેષપણે પ્રસ્તુત બન્યો છે.

1942ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મોટાભાગના નેતાઓ જેલની કોટડીમાં હતા ત્યારે સરદારે ગુજરાતની પ્રજાને સંદેશો પાઠવ્યો હતો, "જીવીશું તો મળીશું, નહિ તો રામ રામ, પરંતુ સ્વરાજના આ સંગ્રામમાં ગુજરાતનો રંગ જાય ના". સરદારના આ સંદેશાએ ગુજરાતમાં ક્રાંતિ સર્જી દીધી હતી. ગુજરાતના લોકો એકજૂથ થઈને આઝાદીની લડતમાં લાગી ગયા હતા.

આજે, ગુજરાતના નાગરિકોને હું નાત-જાત-ધર્મના ભેદભાવ ભૂલીને રાજ્યને સ્વચ્છ, સ્વસ્થ, સુંદર, સમૃધ્ધ અને સંવેદનાસભર તથા કુરિવાજો અને કોમવાદથી મુક્ત બનાવવાના સહિયારા પ્રયાસોમાં લાગી જવા આહવાન કરું છું. આવો, ગુજરાતની એકતામાં આપણે નવચેતન ભરી દઈએ. ગુજરાતની એકતાનો રંગ આપણે વિશ્વને બતાવીએ. જો જો હોં, ગુજરાતનો રંગ જાય ના!

English summary
chief minister of gujarat, anandiben patel's blog on sardar patel, Our salute to the Iron Man of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X