મગફળીના પાકમાં સફેદ ઘૈણનો ઉપદ્રવ આવે તો શું કરવું?
Agriculture news: રાજ્યના ખેડૂતોને પાકમાં થતા રોગ પ્રત્યે જાગૃત કરવા ઉપરાંત તેના વ્યવસ્થાપન માટે સમયાંતરે રાજ્ય સરકાર હેઠળની ખેતી નિયામકની કચેરી દ્વારા મહત્વપૂર્ણ પગલાઓ દર્શાવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે. જેથી ખેડૂતો તેમના પાકનું રક્ષણ કરીને બજારમાં સારા ભાવ મેળવી શકે.
સમગ્ર રાજ્યમાં ખેડૂતોએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. ચોમાસા દરમિયાન મગફળીમાં સફેદ ઘૈણ (મુંડા) કીટકનો ઉપદ્રવ જોવા મળતો હોય છે.
આ કીટકના અસરકારક નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે તાજેતરમાં જ ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, મગફળીમાં ઘૈણના ઢાલિયા પ્રકારના કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમિયાન પ્રકાશ પિંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા કીટકોને ભેગા કરીને તેનો નાશ કરવો જોઈએ.

જ્યારે, મગફળીના ઊભા પાકમાં મુંડાના અસરકારક નિયંત્રણ માટે છોડ ઉગવાના 30 દિવસ બાદ બ્યુવેરીયા બાસીયાના અથવા 5 કિલોગ્રામ મેટારીઝીયમ એનીસોપ્લી ડ્રેન્ચિંગ દવા પ્રતિ હેકટર પ્રમાણે જમીનમાં આપવાથી ઉપદ્રવ ઘટે છે.
મુંડાનો ઉપદ્રવ ઓછો હોય ત્યારે, કલોરપાયરીફોસ 20 ઈ.સી. 40 થી 50 મી.લી. દવા 10 લી. પાણીમાં મિશ્ર કરી પંપની નોઝલ કાઢી મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી તેનું અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકાય છે.
ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો, કલોરપાયરીફોસ 20 ઈ.સી. અથવા કવીનાલફોસ 25 ઈ.સી. પ્રતિ હેકટર 4 લી. પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી યોગ્ય નિયંત્રણ મેળવી શકાય છે.
ચોમાસામાં મગફળીમાં પિયત ન આપવાનુ હોય ત્યારે, આ જીવાતોના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ 4 લી. દવાને 5 લી. પાણીમાં ઓગાળી આ મિશ્રણને 100 કિ.લો જીણી રેતીમાં ભેળવી દો.
જે બાદ રેતી સૂકવી, આ રેતી એક હેકટર વિસ્તારમાં છોડના થડ પાસે પુંખવી જોઈએ. જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવુ જોઈએ.
વધુમાં, દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ કે જીવાત માટેની દવા છે, તે ભલામણને આધારે જ દવાઓનો વપરાશ કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
