મગફળી વેચવા માર્કેટયાર્ડમાં ખેડૂતો ઉમટ્યા, 2 કિમી લાંબી વાહનોની લાઈન
રાજકોટઃ સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં થયેલા વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં મગફળીનો પાક થયો છે. અલગ અલગ માર્કેટયાડમાં મગફળીનુ વેચાણ ચાલુ થઈ ગયુ છે. તેમાં પણ જે માર્કેટયાર્ડમાં મગફળીના વધુ ભાવ મળતા હોય ત્યાં ખેડૂતો મગફળી વેચી રહ્યા છે. ગોંડલના એપીએમસી માર્કેટમાં મગફળીનુ વેચાણ કરવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે. મગફળી ભરેલા વાહનોની 2 કિલોમીટરથી પણ વધુ લાંબી લાઈન લાગેલી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ટેકાના ભાવે મગફળી વેચવા માંગતા ખેડૂતોએ નોંધણી કરાવવા માટે પારાવાર મુશ્કેલી સહન કરવી પડી હતી. નોંધણી કરાવવા માટે કેન્દ્રોમાં ઈન્ટરનેટની સુવિધા ખોરવાતા સમગ્ર પ્રક્રિયા ખોરવાઈ હતી. ભૂલોવાળા આધારકાર્ડના કારણે નોંધણી ફોર્મ ન ભરાતા ખેડૂતો અને કર્મચારીઓ વચ્ચે પણ બોલાચાલીના બનાવ બન્યા હતા.
આ ઉપરાંત જસદણ માર્કેટ યાર્ડમાં થોડા દિવસો અગાઉ વરસાદના કારણે મગફળી પાણીમાં તણાઈ ગઈ હતી જેના કારણે ખેડૂતોને નુકશાન થયુ હતુ. તમને જણાવી દઈએ કે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન થાય તેના 20 દિવસ પહેલાથી જ ખેડૂતો જુદા જુદા માર્કેટયાર્ડમાં પોતાની મગફળી વેચી રહ્યા છે.
મા લક્ષ્મીની કૃપા મેળવવા તમારી રાશિ અનુસાર કરો આ લક્ષ્મી મંત્રનો જાપ