આજથી મગફળી શિવાયના પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો ભાવ
હાલ ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા હાલ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 1.05 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ખરીદવામાં આવી છે, જેની કુલ કિંમત ₹769 કરોડ જેટલી થાય છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર આજથી ખરીફ પાક 2025-2026 હેઠળ ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે. આ માટે ખેડૂતો માટે અગાઉથી જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

સરકાર ડાંગરના ખેડૂતો પાસેથી પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ ડાંગરની ખરીદી કરશે. આ ખરીદી 24 નવેમ્બરથી શરૂ થઈને 31 જાન્યુઆરી સુધી ચાલશે. ડાંગરની ખરીદી માટે રાજ્યભરમાં 113 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારે વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે. બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 ખરીદ કેન્દ્રો કાર્યરત કરાયા છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, બાજરી હેક્ટર દીઠ 1848 કિલોગ્રામ, જુવાર પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ, મકાઈ પ્રતિ હેક્ટર 1864 કિલોગ્રામ અને રાગી હેક્ટર દીઠ 903 કિલોગ્રામની ખરીદી કરવામાં આવશે.
સરકારે ટેકાના ભાવે થનારી ખરીદી માટે પાકના ભાવ પણ જાહેર કર્યા છે. ડાંગર માટે પ્રતિ ક્વિન્ટલ 2369 અને 2389, બાજરી માટે પ્રતિ ક્વિન્ટલ 3075, જુવાર (હાઈબ્રિડ) માટે પ્રતિ ક્વિન્ટલ 3999, જુવાર (માલદંડી) માટે પ્રતિ ક્વિન્ટલ 4049 નો ભાવ નિર્ધારિત કરાયો છે.
તેમજ મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ 2400 અને રાગી માટે પ્રતિ ક્વિન્ટલ 5186 નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. આ ભાવથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય વળતર મળી રહેશે.












Click it and Unblock the Notifications
