
હિંમતગરના કોટન માર્કેટમાં આજથી તમાકુની ખરીદી શરૂ
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. હિંમતનગરના કોટન માર્કેટમાં આજથી તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં પાણીની અછતને કારણે ખેડૂતો પરેશાન થતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનું સરકારે સમાધાન કરી દીધું છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાંક વર્ષોથી નર્મદા કેનાલ સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત થઈ જતાં ખેડૂતો ખુશહાલ થયા છે, હવે ખેડૂતો ત્રણેય સિઝનની વાવણી કરી શકે છે અને તેના થકી સારીએવી કમાણી કરી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં અન્ય પાકોની સાથે ખેડૂતો તમાકુનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું.
દર વખતેની સરખામણીએ આ વખતે સાબરકાંઠા જિલ્લામાં તમાકુના વાવેતરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારોમાં સૌથી વધુ તમાકુનું વાવેતર થાય છે. તમાકુના પાકને પાણીની ઓછી જરૂરિયાતના કારણે સરહદી વિસ્તારોમાં તમાકુના પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે.
ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કોટન માર્કેટમાં આજથી તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી તમાકુની ખેતી કરતા ખેડૂતોને તમાકુના વેચાણ માટે વીજાપુર જવું પડતું હતું. જો કે હિંમતનગર માર્કેટ યાર્ડ સમિતિએ તમાકુનું વેચાણ અને ખરીદી શરૂ કરતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પહેલા જ દિવસે મોટાભાગના ખેડૂતો તમાકુના વેચાણ માટે કોટન માર્કેટ પહોંચ્યા હતા જેમને તમાકુના 1395થી 1700ના ભાવ મળ્યા હતા.