બનાસકાંઠા જિલ્લામાં તરબુચ અને શક્કર ટેટીનું અધધ વાવેતર
બનાસકાંઠા જિલ્લાની આબોહવા સુષ્ક અને અર્ધસુષ્ક પ્રકારની છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 7.41 લાખ હેક્ટર વિસ્તાર વાવેતર લાયક છે. બનાસકાંઠાની જમીન મુખ્યત્વે રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી પ્રકારની છે. જિલ્લામાં મગફળી, બાજરી, એરડિંયા, જુવાર, વરીયાળી, કઠોળ, તલ, રાઇડો, ઘઉં, ઇસબગુલ, બટેકા તેમજ શાકભાજીનું વાવેતર વ્યાપક પ્રમાણમાં થાય છે.
ઉલ્લેખનીય છે, રાજ્ય સરકારની ખેડૂત લક્ષી નીતિઓ અને કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન થકી જિલ્લામાં બાગાયતી પાકનું વાવેતર ઝડપથી વધી રહ્યું છે. આ બાગાયતી પાકોમાં દાડમ, પપૈયા, ખારેક, બટેકા, જીરૂ, વરીયાળી, તરબુચ ઉપરાંત શક્કર ટેટીના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે 2600 હેક્ટર વિસ્તારમાં તરબુચ તેમજ 3700 હેક્ટર વિસ્તારમાં શક્કર ટેટીનું વાવેતર થયું છે.
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં આશરે 6 હજાર હેક્ટરમાં તરબુચ અને શક્કર ટેટીનું વાવેતર થયુ છે. જેમાં ડીસા અને દાંતીવાડા તાલુકા તરબુચ અને શક્કર ટેટીના વાવેતરમાં મોખરે છે. ડીસા તાલુકાના પમરૂ ગામના ખેડૂત સહદેવ ચૌધરી દ્વારા ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને 4.5 વીઘા જમીનમાં તરબુચ અને શક્કર ટેટીનું વાવેતર કરવામાં આવ્યું છે.
સહદેવભાઇએ જણાવ્યું હતું કે, તેમની પાસે કુલ 15 વીઘા જમીન છે, એમાં અમે વર્ષોથી પરંપરાગત રીતે એરંડા, રાયડો, બાજરી તેમજ તમાકુના પાકની ખેતી કરતા હતા, પરંતુ હવે સમય બદલાઇ રહ્યો છે. પાણીના તળ પણ સતત ઉંડા ઉતરી રહ્યા છે, જેની સામે ઓછા સમયમાં ઓછા ખર્ચમાં વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે હવે ખેડૂતો વિચારી રહ્યા છે. પાણીનો બગાડ થતો અટકે અને ઓછા પાણીનો ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મેળવી શકાય છે. જે કારણે ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છીએ.
બનાસકાંઠા જિલ્લના ખેડૂતે જણાવ્યું હતું કે, એક ભણેલાગણેલા વ્યક્તિ સમગ્ર કુંટુંબને તારે છે. એવી જ રીતે અમારા ગામના ખેડૂત પુત્ર તેમજ ખેતીવાડી ખાતામાં અધિકારી બનેલા મહાદેવ ચૌધરીએ ગ્રામલોકોને સરકારની બાગાયત ખાતાની યોજનાઓ અને તરબુચ-ટેટીની ખેતી અંગે માર્ગદર્શન આપતા આ વર્ષે 4.5 વીઘામાં પ્લાસ્ટીક મલ્ચિંગ અને ટપક પદ્ધતિથી તરબુચ અને શક્કર ટેટીનું વાવેતર કર્યુ છે.
આ સક્કર ટેટી અને તરબુચમાં આંતરપાક તરીકે મરચાનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. તરબુચ અને શક્કર ટેટીના વાવેતર માટે રૂપિયા 1.00 લાખથી વધુનો ખર્ચ થયો છે. તેના વેલાઓ પર પાક સારો બેસતા ચાલુ વર્ષે રૂપિયા 3 થી 4 લાખની આવક થાય તેવી ધારણા છે.