Chaitra Navratri 2022: એંન્દ્ર યોગ અને રેવતી નક્ષત્રમાં સિદ્ધિદાયક હશે મા શક્તિનુ આગમન
નવી દિલ્લીઃ મા જગદંબાની ઉપાસનાના પર્વ ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 2 એપ્રિલ 2022ના રોજ શનિવારે એંન્દ્ર યોગ અને રેવતી નક્ષત્રમાં થશે. આને વાસંતિક નવરાત્રિ પણ કહેવામાં આવે છે. આ દિવસથી હિંદુ નવવર્ષ વિક્રમ સંવત 2079ના પણ શ્રીગણેશ થશે. આ વખતે નવરાત્રિ પૂરા નવ દિવસ રહેશે અને રોજ માતાના અલગ-અલગ સ્વરુપોની આરાધના કરવામાં આવશે. આ વખતે નવરાત્રિમાં અનેક મંગળકારી સંયોગ પણ બની રહ્યા છે જેમાં અનેક વ્રત-તહેવાર, પર્વ મનાવવામાં આવશે.
બે વર્ષ પછી કોરોના સંક્રમણથી રાહત મળવાના કારણે આ વખતે મંદિરોમાં પણ ઘટ સ્થાપના સાથે યજ્ઞ-હવન વગેરે અનુષ્ઠાન બૃહદ સ્તરે થશે. ભક્તો પણ માતાના આશીર્વાદ મેળવવા મંદિરોમાં જશે. ઘરોમાં પણ ઘટ સ્થાપના સાથે દેવીના અનેક અનુષ્ઠાન થશે.
નવ દિવસમાં આવશે જ્યોતિષ દિવસ, રામ નવમી, મત્સ્ય જયંતિ
ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘણા વિશેષ અવસર આવશે. નવરાત્રિના પહેલા દિવસે 2 એપ્રિલના દિવસે ગુડી પડવો અને જ્યોતિષ દિવસ ઉપરાંત ગૌતમ ઋષિની જયંતિ હશે. 4 એપ્રિલે તૃતીયા મત્સ્ય જયંતિ મનાવાશે અને ગણગૌર પૂજન કરવામાં આવશે. આ દિવસે અરુંધતિ વ્રત પણ કરવામાં આવશે. 5 એપ્રિલે વિનાયક ચતુર્થી હશે. 6 એપ્રિલે પંચમી પર રામ રાજ્યારોહણ દિવસ હશે. 7 એપ્રિલે સ્કંદ ષષ્ઠી અને મંગળનો કુંભ રાશિમાં પ્રવેશ હશે. 8 એપ્રિલે કમલા સપ્તમી, ભાસ્કર સપ્તમી અને મેષમાં બુધનો પ્રવેશ થશે. 9 એપ્રિલે દુર્ગાષ્ટમી, મહાઅષ્ટમી હશે અને 10 એપ્રિલે રામનવમી, દેવી નવમી સાથે નવરાત્રિની પૂર્ણાહુતિ હશે.