
જગન્નાથ યાત્રા 2022: વાંચો તિથિ, મહત્વ, અનુષ્ઠાન અને રોચક તથ્યો
પુરીઃ ભગવાન જગન્નાથની યાદમાં કાઢવામાં આવતી 'જગન્નાથ યાત્રા'ની લોકો હંમેશા આતુરતાથી રાહ જોતા હોય છે. તમને જણાવી દઈએ કે જગન્નાથ મંદિર હિંદુઓના ચાર ધામોમાંનુ એક છે. તે વૈષ્ણવ સંપ્રદાયનુ મંદિર છે જે ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે. તે ભારતના ઓરિસ્સા રાજ્યના તટવર્તી શહેર પુરીમાં સ્થિત છે. જગન્નાથ શબ્દનો અર્થ 'જગતના સ્વામી' થાય છે. એટલા માટે પુરી નગરીને 'જગન્નાથપુરી' કહેવામાં આવે છે.

રથયાત્રાના ઉત્સવની શરુઆત 1 જુલાઈથી
આ મંદિરનો વાર્ષિક રથયાત્રા ઉત્સવ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. દર વર્ષે રથયાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે શરૂ થાય છે અને શુક્લ પક્ષની 11મી તારીખે સમાપ્ત થાય છે. આ વર્ષે રથયાત્રાનો તહેવાર 01 જુલાઈ 2022, શુક્રવારના દિવસથી શરૂ થઈ રહ્યો છે. ભક્તો આ રથને ઢોલ-નગારા, તુરહી અને શંખનાદ વચ્ચે ખેંચે છે.

રથયાત્રામાં સૌથી આગળ બલરામજીનો રથ
નોંધનીય છે કે રથયાત્રામાં બલરામજીનો રથ આગળ હોય છે. ત્યારબાદ મધ્યમાં દેવી સુભદ્રાનો રથ અને પાછળ ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણનો રથ હોય છે. ત્રણેયના રથને ખેંચીને માસીના ઘરે એટલે કે જગન્નાથ મંદિરથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગુંડીચા મંદિરમાં લાવવામાં આવે છે.

ભગવાન જગન્નાથના રથને 'નંદીઘોષ' કહેવાય છે
બલરામના રથને 'તાલધ્વજ' કહેવામાં આવે છે. જેનો રંગ લાલ અને લીલો હોય છે. દેવી સુભદ્રાના રથને 'દર્પદલન' અથવા 'પદ્મ રથ' કહેવામાં આવે છે. જે કાળો અથવા વાદળી ks લાલ રંગનો હોય છે. જ્યારે ભગવાન જગન્નાથના રથને 'નંદીઘોષ' અથવા 'ગરુડધ્વજ' કહેવામાં આવે છે. તેનો રંગ લાલ અને પીળો હોય છે.

રથ ખેંચવાથી માનવીના તમામ પાપો ખતમ થઈ જાય છે
એવી માન્યતા છે કે રથયાત્રાનો રથ ખેંચવાથી વ્યક્તિના તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને તેને 100 જન્મોનુ પુણ્ય અને મોક્ષ મળે છે. નોંધનીય છે કે આ વર્ષે અષાઢ શુક્લ દ્વિતિયા તિથિ 30 જૂનના રોજ સવારે 10:49 કલાકથી શરૂ થશે અને 1લી જુલાઈએ બપોરે 01:09 કલાકે સમાપ્ત થશે. તો શુક્રવાર 1લી જુલાઇથી જગન્નાથ યાત્રા શરૂ થશે.