મહાશિવરાત્રી 2018 : રાતના ચારે પહોર આ વખતે કરી શકાશે ભગવાન શિવની પૂજા
આ વર્ષે 13 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરી એમ બે દિવસ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવાશે. મહાશિવરાત્રી હિંદુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે.
હિંદુ કેલેન્ડર અનુસાર તે દર વર્ષે ફાલ્ગુન માસમાં 13મી રાત કે 14ના દિવસે ઉજવાય છે. આ તહેવારમાં શ્રધ્ધાળુ આખી રાત જાગી ભગવાન શિવની આરાધનામાં ભજન ગાય છે.
વ્રત અને ઉપવાસ કરે છે. શિવલિંગને પાણી અને બિલિપત્ર ચઢાવ્યા બાદ ઉપવાસ તોડે છે. શિવરાત્રી મનાવવા પાછળ બે મુખ્ય માન્યતાઓ છે. એક સૃષ્ટિનો પ્રારંભ આ દિવસથી જ થયો છે અને બીજુ કે કેટલાક લોકોનું માનવું છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા. આ વર્ષે શિવરાત્રીમાં ખાસ વાત એ છે કે, ભક્તજનો રાતના ચારે પહોર ભગવાન શિવની આરાધના કરી શકશે. આવો જાણીએ શિવરાત્રીના શુભ મુહૂર્તો વિશે...

મહાશિવરાત્રી નિશિતા કાળ મુહૂર્ત
મહાશિવરાત્રીનો પર્વ 13 ફેબ્રુઆરી 2018ના દિવસે મંગળવારે ઉજવાશે. મહાશિવરાત્રીનું શુભ મુહૂર્ત 13 ફેબ્રુઆરીની અડધી રાતથી શરૂ કરી 14 ફેબ્રુઆરી સુધી રહેશે.
શિવરાત્રી નિશિતા કાળ પૂજાનો સમય રાત્રે 12:09 વગ્યાથી 13ઃ01 સુધી રહેશે. મુહૂર્તની અવધિ કુલ 51 મિનિટની છે.

પારણાનો સમય
14 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના પારણા થશે. પારણા કે વિશ્રામનો સમય સવારે 07:04 થી બપોર 15:20 સુધી રહેશે.

ચારે પહોરનું મુહૂર્ત
રાત્રીના સમયે ભગવાન શિવની પૂજા ચાર વખત કરી શકાશે. તે ભક્તો પર નિર્ભર છે કે તેઓ મહાદેવની પૂજા ક્યારે કરવા ઈચ્છે છે.
પહેલા પહોરનો પૂજા સમય : સાંજે 18:05 થી 21:20 સુધી
બીજા પહોરનો પૂજા સમય : રાત્રે 21:20 થી 00:35 સુધી
ત્રીજા પહોરનો પૂજા સમય = 00:35 થી 03:49 સુધી
ચોથા પહોરનો પૂજા સમય = 03:49 થી 07:04 સુધી

ઇચ્છિત વરની પ્રાપ્તિ
આમ તો વર્ષમાં 12 શિવરાત્રીઓ આવે છે પણ આ તમામમાં ફાલ્ગુન માસમાં શિવરાત્રીને સૌથી પ્રમુખ અને મહત્વની ગણવામાં આવે છે. આમ તો આ વ્રતને કોઈ પણ રાખી શકે છે.
પણ સ્ત્રીઓ અને છોકરીઓ આ વ્રતને શોખથી રાખે છે. એવું મનાય છે કે આ વ્રતના પ્રભાવથી કુંવારી છોકરીઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે અને જે સ્ત્રીઓનો વિવાહ થઈ ગયા છે તેમના પતિનું જીવન અને આરોગ્ય હંમેશા સારુ રહે છે.

પૂજા વિધિ
મહાશિવરાત્રીના દિવસે ભક્તો સવારે જલ્દી ઉઠી સ્નાન પતાવી તેમના પ્રિય દેવના દર્શન કરવા મંદિર જાય છે. શિવભક્તો આ દિવસે શિવનો અભિષેક કરે છે, મહાશિવરાત્રીના દિવસે અભિષેકને અત્યંત મહત્વનું મનાય છે. આ દિવસે શિવભક્તો ઓમ નમઃશિવાય મંત્રનું ઉચ્ચારણ સાથે શિવલિંગ પર દૂધ, મધ, દહીં અને ચંદનથી અભિષેક કરે છે. આ ઉપરાંત બોર, બિલિપત્ર અને ફૂલ વગેરે ભગવાનને અર્પિત કરે છે.

મોક્ષ રાત્રિ
પુરાણોમાં જણાવાયું છે કે ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી વર્ષની બધી રાતોમાં ખાસ છે. આ રાત કાલરાત્રી અને સિદ્ધિની રાત પણ કહેવાય છે કારણ કે, સૃષ્ટિમાં આ દિવસે એક મોટી ઘટના થઈ હતી. જેની રાહ તમામ દેવી-દેવો અને ઋષી મુનીઓ જોઈ રહ્યા હતા. મહાશિવરાત્રીની રાતે ભગવાન શિવ અને દેવી પાર્વતીના વિવાહ થયા હતા. જેથી આ રાતનુ સૃષ્ટિમાં અનેકગણું મહત્વ છે. ભગવાન શિવ અને દેવી પાર્વતી સૃષ્ટિમાં ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા ગણાય છે. જેથી મહાશિવરાત્રીએ મોક્ષની રાત્રી અને મુક્તિની રાત્રી કહેવાય છે.