નવરાત્રીના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની પૂજા
21 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. જેમાં નવરાત્રીના નવે દિવસ માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. જેમાં માતાનું પહેલુ રૂપ એટલે શૈલપુત્રી,બીજુ રૂપ એટલે બ્રહ્મચારિણી, ત્રીજુ રૂપ એટલે ચંદ્ર ઘંટા, ચોથુ રૂપ એટલે કૂષ્માન્ડા, પાંચમું રૂપ એટલે સ્કંદમાતા, છઠ્ઠુ રૂપ એટલે કાત્યાયની, સાતમુ રૂપ એટલે કાલરાત્રી, આઠમું રૂપ એટલે મહાગૌરી, નવમું રૂપ એટલે સિધ્ધિ દાત્રી. આજે આપણે વાત કરીશુ માતાના ત્રીજા રૂપ "ચંદ્રઘંટા" વિશે.
નવરાત્રીનો ત્રીજો દિવસ- માતા ચંદ્રઘંટાનો
રૂપ-સુંદર, મોહક અને અલૌકિક
ભુજા-દસ
વાહન-સિંહ
પૂજા-સમસ્યાનો અંત થાય છે.

ચંદ્રઘંટાનું સ્વરૂપ
નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. માતાનું આ સ્વરૂપ અત્યંત સુંદર, મોહક અને અલૌકિક છે. ચંદ્રની સમાન સુંદર માતાનું આ રૂપ દિવ્ય સુગંધિઓ અને દિવ્ય ધ્વનિઓનો આભાસ કરાવે છે. માતાનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના મસ્તકમાં ઘંટના આકારનો અર્ધચંદ્ર છે, પરિણામે તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે.

શરીરનો રંગ સોના જેવો
તેમના શરીરનો રંગ સોના જેવો ચળકદાર છે. તેમના દસ હાથ છે. તેમના દશે હાથોમાં શસ્ત્રો, બાણ, અસ્ત્રો વગેરે છે. તેમનું વાહન સિંહ છે. તેમની પૂજા નિમ્નલિખિત મંત્રથી શરૂ કરવી જોઈએ.

આ શ્લોકથી કરો માતાની પૂજા
સમસ્યાઓના સમાધાન અને ઉકેલ માટે માતા ચંદ્રઘંટાની આ શ્લોક દ્વારા પૂજા કરવી જોઈએ.
या देवी सर्वभूतेषु माँ चंद्रघंटा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

વીરતા અને નિર્ભયતા
આ દેવીની ઉપાસના કરવાથી સાધકમાં વીરતા અને નિર્ભયતાની સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થાય છે. પરિણામે આપણે મન, વચન અને કર્મ સાથે શરીરને માતાના ચંદ્રઘંટાના ચરણોમાં સમર્પિત કરી તેમની ઉપાસના કરવી જોઈએ. તેનાથી તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે અને પરમ સુખની પ્રાપ્તિ થાય છે.