મા અંબાનુ આઠમુ રૂપ મહાગૌરી, દૂર કરશે તમામ મુશ્કેલી
21 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. જેમાં નવરાત્રીના નવે દિવસ માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. અંબા માતાનું પહેલુ રૂપ એટલે શૈલપુત્રી, બીજુ રૂપ એટલે ચંદ્ર ઘંટા, ચોથુ રૂપ એટલે કૂષ્માન્ડા, પાંચમું રૂપ એટલે સ્કંદમાતા, છઠ્ઠુ રૂપ એટલે કાત્યાયની, સાતમુ રૂપ એટલે કાલરાત્રી, આઠમું રૂપ એટલે મહાગૌરી, નવમું રૂપ એટલે સિદ્ધિદાત્રી. આજે આપણે વાત કરીશું માતાના આઠમા રૂપ મહાગૌરી વિશે.

નવરાત્રીનો 8મો દિવસ
નવરાત્રીનો આઠમો દિવસ માતા મહાગૌરીનો દિવસ ગણાય છે. સરળ સ્વભાવના માતા મહાગૌરીનું રૂપ મોહક છે. તેમનું શસ્ત્ર ત્રિશુળ છે અને વાહન વૃષભ છે. તેમના સર્વ વસ્ત્રો અને આભૂષણો સફેદ હોવાથી તેમને શ્વેતામ્બરધરા પણ કહે છે. શ્રદ્ધાળુઓ પોતાની મુશ્કેલીના નિવારણ માટે માતા મહાગૌરીનું ધ્યાન ધરે છે, તેમની પૂજા કરે છે.

મહાગૌરીનું સ્વરૂપ
માતા દુર્ગાની શક્તિનું નામ છે મહાગૌરી. માતા ગૌરીનું આ રૂપ અત્યંત સરસ, સુલભ અને મોહક છે. મહાગૌરીની ચાર ભુજાઓ છે. તેમની ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા અને નીચે વાળા જમણા હાથમાં ત્રિશુળ છે. ઉપરના ડાબા હાથમાં ડમરૂ અને નીચેના ડાબા હાથમાં વર-મુદ્રા છે. તેમની મુદ્રા અત્યંત શાંત છે. તેમની ઉપાસનાથી ભક્તોની મુશ્કેલીઓ દૂર થાય છે.

શ્લોક અને પૂજાવિધિ
માતા ગૌરીની ઉપાસના નીચેના શ્લોક પ્રમાણે કરવી જોઈએ. આ શ્લોકથી માતા મહાગૌરીની ઉપાસના કરવામાં આવે તો તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.
या देवी सर्वभूतेषु माँ गौरी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
પૂજા વિધિ : આઠમના દિવસે સ્ત્રીઓ પોતાના સૌભાગ્ય માટે માતાને ચુંદડી ચડાવે છે અને કુંવારી કન્યાઓને ભોજન કરાવે છે.

માતા મહાગૌરીની કથા
પૌરાણિક કથા પ્રમાણે માતાએ પાર્વતીના સ્વરૂપે ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ કઠોર તપસ્યાને કારણે તેમનું શરીર અત્યંત કાળુ પડી ગયુ હતુ. તેમની તપસ્યાથી ખુશ થઈ જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાના જળથી ધોયુ, ત્યારે તે અત્યંત ગૌર-કાંતિમય બની ગયુ હતુ. ત્યારથી જ તેમનું નામ મહાગૌરી પડ્યું.