રાંધણ છઠ અને શીતળા સાતમના તહેવારનુ ધાર્મિક મહત્વ અને પૂજાવિધિ
અમદાવાદઃ શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે રાંધણ છઠ આજે શનિવારે (28 ઓગસ્ટ) મનાવવામાં આવી રહ્યો છે. રાંધણ છઠને હલષષ્ઠી, હળછઠ, હરછઠ વ્રત, ચંદન છઠ, તિનછઠી, તિન્નિ છઠ, લલહી છઠ, કમર છઠ કે ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે. રાંધણ છઠના દિવસે ઘરે-ઘરે પકવાનો બનાવવામાં આવે છે. આ વાનગીઓ શીતળા સાતમના દિવસે શીતળામાતાની પૂજા કર્યા પછી ઠંડા ખાવામાં આવે છે.
રાંધણ છઠ-શીતળા સાતમનુ મહત્વ
રાંધણ છઠના દિવસે શીતળા માતાજી ઘરે-ઘરે ફરીને ચૂલામાં આળોટે છે જેથી રાંધણ છઠની રાતે ઘરના ચૂલાની સાફ-સફાઈ કરીને પૂજા કરીને ચૂલો ઠારી દેવામાં આવે છે. રાંધણ છઠના દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવા વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન ખાવાના મહિમા છે. માન્યતા છે કે શીતળા માતાની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે અને સંતાન હોય અને રોગગ્રસ્ત રહેતુ હોય તો તે રોગમુક્ત થાય છે. દરેક સૌભાગ્યવથી સ્ત્રીએ આ વ્રત કરવુ જોઈએ. માન્યતા છે કે જો શીતળા માતાને તમારા ઘરના ચૂલામાંથી ઠંડક મળે તો શીતળા માતા સુખી થવાના આશીર્વાદ આપીને જાય છે માટે રાંધણ છઠના દિવસે ચૂલો ઠારવાની પરંપરા છે. વળી, એક દિવસ ઠંડુ ભોજન ખાવાથી શરીરના અન્ય વિકારો પણ શાંત થાય છે અને શરીર નીરોગી રહે છે.
કેવી રીતે કરશો પૂજા
સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્રો ધારણ કરવા જોઈએ। ત્યારબાદ વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો. ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો. બલરામજીનુ મુખ્ય શસ્ત્ર હળ છે માટે તેને હલાધર પણ કહેવામાં આવે છે. કંકુ, ચોખા, ચંદન, ફૂલ, ધરો વગેરે દ્વારા ચૂલાનુ પૂજન કરવામાં આવે છે. શીતળા સાતમની સવારે રાંધણ છઠના દિવસે બનાવેલ વાનગીઓને એક થાળીમાં લઈને ઠંડા દૂધ, જળ, ચંદન, કંકુ, ચોખા વગેરે દ્વારા શીતળા માતાની પૂજા કરવામાં આવે છે.
આ વાતનુ રાખો ધ્યાન
આ વ્રતમાં અમુક નિયમોનુ પાલન કરવુ જરૂરી છે. હળછઠ વ્રતમાં ગાયના દૂધ કે દહીંને ઉપયોગ કરી શકાતો નથી. ગાયના દૂધ કે દહીંનુ સેવન કરવુ પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દિવસે માત્ર ભેંસનુ દૂધ કે દહીંનુ સેવન કરવામાં આવે છે. વળી, હળથી ખેડવામાં આવેલુ કોઈ પણ અનાજ કે ફળ ખાઈ શકાય નહિ.