NCAPએ નિસાનને કહ્યું,‘ભારતમાં ડટ્સન ગોનું વેચાણ રોકો’
ગ્લોબલ ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ(એનસીએપી) દ્વારા જાણીતી કાર નિર્માતા કંપની નિસાનને તેની સબ બ્રાન્ડ કાર ડટ્સન ગોને ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાંથી પાછી ખેંચી લેવા જણાવ્યું છે. એનસીએપીના ચેરમેન મેક્સ મોસ્લેએ બેઝિક સેફ્ટી ટેસ્ટમાં કાર નિષ્ફળ જતા નિસાનના સીઇઓ કાર્લોસ ઘોસ્નને અંગત પત્ર લખીને માગણી કરી છેકે, ભારતમાં ત્વરિત ધોરણે ડટ્સન ગોનું વેચાણ રોકવામાં આવે.
મેક્સે જણાવ્યું કે, આવી નબળું નિર્માણ હોવા છતાં નિસાન દ્વારા તેનું લોન્ચિંગ કરવાની પરવાનગી આપવામાં આવી તે નિરાશાનજક છે. આવી સ્થિતિમાં નિસાન સાથે ચર્ચા કરવામાં આવી રહી છેકે તેના દ્વારા ભારતમાં ડટ્સન ગોનું સેલિંગ બંધ કરવામાં આવે અને તેમજ ત્વરીત ધોરણે કારના બોડી શેલને રીડિઝાઇન કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે, નિસાનના સીઇઓ અને યુરોપિયન કાર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ હોવાના નાતે કાર્લોસ ઘોસ્નની એ જવાબદારી છે, યુએન દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડ અનુસાર ઓટોમોબાઇલ સેફ્ટીમાં સુધારો લાવવામાં આવે.
એનસીએપીએ જણાવ્યું છેકે જ્યારે આ પ્રકારના સેફ્ટી ટેસ્ટમાં તેમની કાર ફેઇલ જાય છે, ત્યારે મોટાભાગની કાર નિર્માતા કંપનીઓ દ્વારા એવું કહીંને બચાવ કરવામાં આવી રહ્યો છેકે, તેમની કાર સ્થાનિક જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવી છે. મેક્સ એ વાતને લઇને પણ નિરાશ છેકે લખવામાં આવેલા પત્રોના પણ નિસાનના સીઇઓ દ્વારા જવાબ આપવામાં આવી રહ્યાં નથી.
નોંધનીય છેકે, માત્ર નિસાન ડટ્સન ગો જ એવું ખરાબ મોડલ નથી કે જે ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું હોય, પરંતુ ડટ્સન ગોની જેમ મારુતિ સુઝુકી સ્વિફ્ટ, અલ્ટો 800, હુન્ડાઇ આઇ10, ફોર્ડ ફિગો, વોક્સવેગન પોલો અને ટાટા નેનો પણ એનસીએપી દ્વારા લેવામાં આવેલા સેફ્ટી અને ક્રેશ ટેસ્ટમાં ફેઇલ રહી છે.