કૂવાનુ ખોદકામ કરતા ચમક્યુ નસીબ, મળ્યો દુનિયાનો સૌથી મોટો નીલમ, 7 અબજથી વધુ છે કિંમત
કોલંબોઃ ભારતનો પડોશી દેશ શ્રીલંકા પણ ઝડપથી વિકાસ કરી રહ્યો છે પરંતુ તેના ઘણા વિસ્તારો એવા છે જ્યાં હજુ પણ પાણી માટે કૂવાનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં જ ત્યાં એક વેપારીએ ઘરના આંગણામાં કૂવો ખોદવાનુ વિચાર્યુ અને તેનુ નસીબ ચમક્યુ. ખોદકામ દરમિયાન એક એવો અમૂલ્ય પત્થર મળ્યો જેની કિંમત અબજોમાં છે.

બનાવટ જોઈને થઈ શંકા
મીડિયા રિપોર્ટ મુજબ આ ચોંકાવનારી ઘટના શ્રીલંકાના રત્નપુરા વિસ્તારમાં સામે આવી છે. પોતાના નામને અનુરૂપ અહીં મોટી માત્રામાં રત્ન મળી આવે છે. હાલમાં જ ત્યાં એક વેપારી કૂવો ખોદાવી રહ્યો હતો જેમાં ભૂલથી એક મોટો પત્થર મળી આવ્યો. શરૂઆતમાં તેને સામાન્ય પત્થર સમજીને મજૂરો તેને ફેંકી દેવાનુ વિચારી રહ્યા હતા પરંતુ તેની બનાવટ જોઈને શંકા થઈ બાદમાં જ્યારે તેની તપાસ થઈ ત્યારે સૌ ચોંકી ગયા.

510 કિલોગ્રામ છે વજન
શ્રીલંકાઈ અધિકારીઓના જણાવ્યા મુજબ એ પત્થર અનમોલ નીલમ હતો જેનુ વજન 510 કિલોગ્રામ છે. તેને સેરેંડિપિટી સફાયર નામ આપવામાં આવ્યુ છે જેનો અર્થ થાય છે નસીબથી મળેલો નીલમ. જો વર્તમાન સમયની વાત કરીએ તો બજારના હિસાબે આની કિંમત લગભગ 100 મિલિયન ડૉલર એટલે કે સાડા સાત અબજ રૂપિયાની આસપાસ હશે. વળી, અત્યારે તેને દુનિયાનો સૌથી મોટો નીલમ માનવામાં આવી રહ્યો છે.

25 લાખ કેરેટનો નીલમ
વળી જે વ્યક્તિને આ નીલમનો પત્થર મળ્યો છે તેણે સુરક્ષા કારણોસર પોતાની ઓળખ ગુપ્ત રાખી છે. બીબીસી સાથે વાત કરતા વ્યક્તિએ જણાવ્યુ કે તે વ્યવસાયે હીરા વેપારી છે. જ્યારે તેના ઘરના આંગણામાં પત્થર મળ્યો તો તણે આની માહિતી પ્રશાસનિક અધિકારીઓને આપી. પ્રારંભિક તપાસમાં આ નીલમ 25 લાખ કેરેટનો બતાવાઈ રહ્યો છે પરંતુ હજુ તેના ઉપરની માટી અને ગંદકી હટાવવામાં એક વર્ષનો સમય લાગી જશે. ત્યારબાદ જ તેની સાચી કિંમત જાણી શકાશે.

પહેલા ક્યારેય નથી જોયો આવો નીલમ
વળી, આ મામલે શ્રીલંકાના જાણીતા રત્ન વિશેષજ્ઞ ડૉક્ટર જૈમિની જોપ્યસા પણ આ નીલમના પત્થરને જોઈને ચોંકી ગયા છે. તેમણે કહ્યુ કે તે ઘણા વર્ષોથી આ ફીલ્ડમાં છે પરંતુ તેમણે આવો નીલમ પહેલા ક્યારેય નથી જોયો. અનુમાન મુજબ તે લગભગ 40 કરોડ વર્ષ પહેલા બન્યો હશે જેના કારણે તે અમૂલ્ય છે. તેમના જણાવ્યા મુજબ હજુ આંતરિક રત્નો વિશે કંઈ કહી શકાય નહિ. બની શકે કે અંદરના રત્નોની વેલ્યુ ઓછી હોય. એવામાં સાચી કિંમતનો અંદાજો સફાઈ બાદ જ લાગી શકશે.

શ્રીલંકા માટે છે બહુ ખાસ
વાસ્તવમાં કોરોના મહામારીના કારણે શ્રીલંકાનો રત્ન ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે. એવામાં આ નીલમ મળ્યા બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હવે દુનિયાભરના લોકોનુ ધ્યાન શ્રીલંકાઈ બજાર તરફ આકર્ષિત થશે. આ અત્યાર સુધી દુનિયામાં મળલો સૌથી મોટો નીલમ ગણાવાઈ રહ્યો છે. બની શકે છે કે તેને કોઈ મ્યૂઝિયમ પોતાને ત્યાં મૂકવામાં રસ બતાવે.