જાણો શું છે RBI નાણાકીય નીતિની 5 ખાસ બાબતો?
નવી દિલ્હી, 2 ડિસેમ્બર : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે તેની નાણાકીય નીતિ અંગેની બેઠક બાદ રેપોરેટ યથાવત રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ફુગાવામાં ભારે ઘટાડો નોંધાયો હોવા છતાં રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. આમ તો આરબીઆઇની પોલિસીમાં ખાસ સરપ્રાઇઝ નથી. પણ આજની પોલિસીની જાણવા જેવી 5 મહત્વની બાબતો અહીં રજૂ કરીએ છીએ...

વ્યાજ દરમાં ઘટાડો સ્થગિત
માર્કેટમાં ઘણા લોકોનું માનવું હતું કે આ વખતે રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરશે. જો કે રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. રેપો રેટ એ દર છે જે દરે આરબીઆઇ બેંકોને પૈસા ધિરે છે. તેમાં ઘટાડો થતા બેંકોનો ખર્ચ ઘટે છે જેના કારણે તે લોન પરના વ્યાજ ઘટાડે છે. જો કે તેના કારણે બેંક ડિપોઝિટના દર પણ ઘટે છે.

ફુગાવાનો ડર
રિઝર્વ બેંકે ફુગાવા બાબતે ચિંતા વ્યક્ત કરી છે. મુખ્ય ચિંતા કાબુમાં આવેલા ફુગાવાની સ્થિતિ જાળવી રાખવા અંગે છે. જો કે આના આધાર નોર્થ ઇસ્ટના ચોમાસા પર રહેલો છે. ચોમાસુ સારુ રહેશે તો કઠોળ, તેલીબિયાં, અનાજ વગેરેના ભાવ નિયંત્રણમાં આવશે. જો ચોમાસુ સારું ના રહ્યું તો ખરીફ પાક પર નકારાત્મક અસર થવાની શક્યતા છે. છેલ્લા 12 મહિનામાં ફુગાવો સ્થિર થયો છે અને 6 ટકાના દરની આસપાસ છે.

બેંકિંગ સિસ્ટમ માટે પ્રવાહિતાનો પ્રશ્ન
આરબીઆઇને બજારમાં નાણાની પ્રવાહિતા યોગ્ય લાગી છે. આ કારણે જ તેણે સીઆરઆરમાં કોઇ કાપ મુક્યો નથી.વર્ષ 2014-15ના ક્વાર્ટર 3માં પ્રવાહિતાની સ્થિતિ સુધરી છે.

આવતા વર્ષે વ્યાજ દર ઘટશે
નાણાકીય નીતિમાં આ વખતે વ્યાજ દરોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે અવા સંકેતો ચોક્કસ આપવામાં આવ્યા છે કે આવતા વર્ષે વ્યાજના દરો ઘટી શકે છે.

બેંકિંગ સ્ટેક્સમાં ખાસ ફેરફાર નહીં
આજે આરબીઆઇની નીતિ જાહેર થઇ છે. પરંતું કોઇ ફેરફાર નહીં થતા બેંકિંગ સ્ટોક્સમાં પણ કોઇ ફેરફાર જોવા મળ્યા નથી. કેટલાક ચોક્કસ બેંક શેર્સમાં વધારો જોવા મળ્યો છે, જેમાં પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડાના શેર્સમાં તેજી જોવા મળી છે.