
વોલેટાઇલ માર્કેટમાં રોકાણ કરતા પહેલા આ 5 ટિપ્સ જરૂર વાંચો
સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાની વાત આવે ત્યારે પ્રથમ દ્રષ્ટિએ તે ખૂબ સરળ લાગે છે. વાસ્તવિકતા એ છે કે આપને રાતોરાત કરોડપતિ બનાવવાની તાકાત રાખતા શેરબજારમાં કાયમ રૂપિયા બનાવી શકાતા નથી. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે સ્ટોક માર્કેટમાં દરેક સ્ટોક દર વખતે તમને ફાયદો કરાવતો નથી.
સ્ટોક માર્કેટ એવી રમત છે જેમાં વૉરેન બફેટ કે ભારતના કરોડપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને પણ રૂપિયો બનાવતા દાયકાઓ લાગ્યા છે. આ માટે સ્ટોક માર્કેટમાં કેવી રીતે રોકાણ કરવું જે ઊગી નીકળે તે માટે અમે અહીં પાંચ ટિપ્સ આપી રહ્યા છે. સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા પહેલા તે જરૂર વાંચો...

1. સેક્ટરમાં લીડર સ્ટોક્સ પસંદ કરો
વર્ષ 2008માં ભારતીય શેરબજારમાં જ્યારે વસંત ખીલી હતી ત્યારે તમામ પ્રકારના સ્ટોક્સમાં રોકાણકારો રૂપિયા કમાઇ રહ્યા હતા. આ કારણે તેઓ સેક્ટરના લીડર્સ કહી શકાય તેવા સ્ટોક્સમાં રોકાણ કરવાને બદલે અન્ય નાના સ્ટોક્સમાં રોકાણ કર્યું તેઓ પસ્તાઇ રહ્યા છે. જેમ કે 2008માં જેમણે એલ એન્ડ ટીમાં રોકાણ કર્યું તેઓ આજે હસી રહ્યા છે. અને જયપ્રકાશ એસોસિએટ્સમાં રોકાણ કરનારા રડી રહ્યા છે.

2. કંપનીની વૃદ્ધિને ચકાસો
કરોડપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું કહેવું છે કે તેઓ સ્ટોક્સમાં રોકાણ કરતા પહેલા તેમાં રહેલી વિકાસની સંભાવનાઓ તથા પ્રમોટર્સ શું કરી રહ્યા છે તે ખાસ ચકાસે છે. તેમણે અનેક કંપનીના શેર્સ ખરીદ્યા છે અને વર્ષો સુધી તેને જાળવી રાખ્યા છે. ટાઇટને રોકાણકારોને એટલું સરળ વળતર આપ્યું છે જે ખૂબ ઓછી કંપનીઓ આપી શકે છે.

3. ભારે દેવાવાળી કંપનીઓમાં રોકાણ ટાળો
દેવાના મોટા ભાર તળે દબાયેલી કંપનીઓમાં રોકાણ ટાળવું જોઇએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટીલ સેક્ટરમાં એવી અનેક કંપનીઓ છે જે ભારે દેવા હેઠળ દબાયેલી છે. લાંબા ગાળે આપને દેખાશે કે વધારે દેવાવાળી કંપની કરતા ઓછા દેવાવાળી નાની કંપનીઓ વધારે સારું પરફોર્મ કરી રહી છે. મોટા દેવાવાળી કંપની આગળ જતા પડી ભાંગે છે, ઉદાહરણ તરીકે કિંગફિશર એરલાઇન્સ.

4. પોઝિટિવ કેશ ફ્લો
જે કંપનીમાં કેશ ફ્લો પોઝિટિવ હોય છે તેમાં રોકાણકારોના નાણા સુરક્ષિત રહે છે. આવી કંપનીઓનું ભાવિ પણ ઉજ્જવળ રહે છે. નેગેટિવ કેશ ફ્લો ધરાવતી કંપનીઓમાં રોકાણ ટાળો.

5. પ્રમોટરનું બેકગ્રાઉન્ડ મહત્વનું
ભૂતકાળના અનુભવો કહે છે કે કોઇપણ કંપનીમાં રોકાણ કરતા પહેલા તેના પ્રમોટર્સનું બેકગ્રાઉન્ડ અને તેમની પ્રવૃત્તિની તપાસ કરવી અનિવાર્ય છે.