જાણો : કેન્દ્રીય બજેટ 2014 બાદ PPF ખરીદવાના 7 ફાયદા
કેન્દ્રીય બજેટ 2014માં પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવતી નાની બચત યોજનાઓને જબરદસ્ત રીતે વેગ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમાં પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (પીપીએફ - PPF)માં રોકાણ કરવું વધારે આકર્ષક બન્યું છે. આ કારણે લોકપ્રિય પીપીએફમાં લોકો રોકાણ કરવા માટે પ્રેરાયા છે. આપે હજી આ અંગે નિર્ણય લીધો ના હોય તો અહીં અમે આપને જણાવીએ છીએ કે શા માટે બજેટ 2014 બાદ પીપીએફમાં રોકાણ કરવું વધારે ફાયદાકારક બન્યું છે.
આ અંગે વધારે વિગતો મેળવવા માટે આગળ ક્લિક કરતા જાવ...

PPFની રોકાણ મર્યાદા વધી
કેન્દ્રીય બજેટ 2014 બાદ PPFની રોકાણ મર્યાદા વાર્ષિક રૂપિયા 1 લાખથી વધારીને રૂપિયા 1.5 લાખ કરવામાં આવી છે. જેના કારણે લોકો વધારે રોકાણ કરીને વધારે લાભ મેળવી શકે છે. આજે પણ તેની લઘુત્તમ રોકાણ મર્યાદા વાર્ષિક રૂપિયા 500 છે.

વ્યાજની આવક કરમુક્ત
ટેક્સ ફ્રી બોન્ડ બાદ PPF એક માત્ર એવું કરબચત સાધન છે જેના વ્યાજની આવક કરમુક્ત છે. તેના કારણે પણ રોકાણકારો તેના તરફ આકર્ષાય છે.

80C હેઠળ લાભ
દેશમાં PPF એક માત્ર એવું સાધન છે જેમાં કલમ 80C હેઠળ કરછૂટ મળવાની સાથે તેના વ્યાજપર કરમુક્તિ મળી છે. જેના કારણે રોકાણકારોના બંને હાથમાં લાડવા જેવી સ્થિતિ થાય છે.

સ્પર્ધાત્મક વ્યાજદર
PPF પર વાર્ષિક 8.7 ટકાનું વ્યાજ મળે છે. જે બેંકની ફિક્સ ડિપોઝિટ કરતા થોડું ઓછું છે. પણ અહીં એક બાબત ના ભુલવી જોઇએ કે બેંક ડિપોઝિટનું વ્યાજ કરપાત્ર છે. PPFના વ્યાજદર દર વર્ષે સુધારવામાં આવે છે.

10 વર્ષનો લોક-ઇન પીરિયડ
મહત્વની બાબત એ છે કે ભવિષ્ય માટે સુરક્ષિત રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે PPF સારું સાધન છે. તેમાં 10 વર્ષનો લોક ઇન પીરિયડ છે. જે ફરજિયાત બચત કરાવે છે. વળી તમે રોકાણની આંશિક રકમ 7 વર્ષ બાદ જ ઉપાડી શકો છો.

માત્ર રૂપિયા 500થી બચત કરી શકો
આ સાધન આપને રોકાણ કરવામાં બાંધી રાખતું નથી. તમે દર વર્ષે માત્ર રૂપિયા 500નું રોકાણ કરીને તેનો લાભ મેળવી શકો છો. જ્યારે હવે મહત્તમ વાર્ષિક રોકાણ 1.5 લાખ સુધી કરવામાં આવ્યું છે.

NRI માટો નવું એકાઉન્ટ જરૂરી નથી
જો આપ NRI બની ગયા હોવ તો PPFમાં રોકાણ કરવા માટે તમારે નવું ખાતું ખોલાવવું જરૂરી નથી. તમે તમારું જુનું ખાતુ જ ચાલુ રાખી શકો છો. જો કે એનઆરઆઇ નવું ખાતું ખોલાવી શકતા નથી.