હજી પણ 9 ટકા વ્યાજ આપતી 7 સરકારી બેંકો
ભારતમાં બેંક ડિપોઝિટ્સ પર વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો ખાસ કરીને મધ્યમ સમય મર્યાદામાં જોવા મળ્યો છે. મોટા ભાગની ખાનગી ક્ષેત્રની બેંકો જેવી કે HDFC બેંક, કેટક મહિન્દ્રા બેંક વગેરે અને સરકારી બેંકો જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયામાં પણ વ્યાજ દર 9 ટકાની નીચે ગયો છે. આમ છતાં આજે પણ કેટલીક બેંકો એવી છે જે 9 ટકા કરતા વધારે વ્યાજ આપી રહી છે. અમે અહીં આવી બેંકોની માહિતી આપ સુધી પહોંચાડી રહ્યા છીએ...
અલ્હાબાદ બેંક
અલ્હાબાદ બેંકમાં 1, 2, 3 અને 4 વર્ષની ફિક્સ ડિપોઝિટ માટે 9.05 ટકા વ્યાજ છે. અન્ય સમયગાળા માટે 9 ટકા વ્યાજ આપવામાં આવે છે.
આંધ્ર બેંક
આંધ્ર બેંકમાં એક અને બે વર્ષની ડિપોઝિટ પર 9 ટકા વ્યાજ મળે છે. આ સિવાયની સમય અવધિ માટે વ્યાજ દર 9 ટકા કરતા ઓછો છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં તમામ સરકારી બેંકોની સરખામણીએ સૌથી વધારે વ્યાજ મળે છે. અહીં એક અને બે વર્ષના સમયગાળા માટે 9.15 ટકા વ્યાજ મળે છે.
કોર્પોરેશન બેંક
કોર્પોરેશન બેંક માં 2 અને 3 વર્ષના ગાળા માટે 9 ટકા વ્યાજ આપવામાં આવે છે. જ્યારે અન્ય ડિપોઝિટ પર 9 ટકા કરતા ઓછું વ્યાજ આપવામાં આવે છે.
દેના બેંક
દેના બેંકમાં 1થી 5 વર્ષની અવધિનિ ફિક્સ ડિપોઝિટ પર 9 ટકા વ્યાજ આપવામાં આવે છે.
ઇન્ડિયન બેંક
ઇન્ડિયન બેંક એક અને બે વર્ષના ગાળા માટે 9 ટકા અને અન્ય સમય અવધિ પર 8.75 ટકા વ્યાજ આપે છે.
પંજાબ નેશનલ બેંક
પંજાબ નેશનલ બેંક 1, 2 અને 3 વર્ષ માટે 9 ટકા અને અન્ય ગાળા માટે 9 ટકાથી ઓછું વ્યાજ આપે છે.