મની લોન્ડરિંગ કેસમાં બેંકો સામે કાર્યવાહી કરાશે : RBI
આરબીઆઈ તરફથી જણાવાયું છે કે તેણે આંતરિક તપાસ પૂરી કરી લીધી છે અને રિપોર્ટ પણ તૈયાર થઈ ગયો છે. ગેરરીતિઓમાં સંડોવણી માટે કસુરવાર ઠરનાર બેન્કો સામે પગલાં લેવામાં આવશે. કોબ્રાપોસ્ટે એક સ્ટિંગ ઓપરેશન કરીને એવો આરોપ મૂક્યો છે કે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત જાહેર ક્ષેત્રની અનેક બેન્કો અને નાણાં સંસ્થાઓ મની લોન્ડ્રિંગ પ્રવૃત્તિઓ કરી રહી છે.
આ અંગે રિઝર્વ બેંકના ગવર્નર ડી સુબ્બારાવે જણાવ્યું કે ખોટું કામ કરનારી બેંકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેની સમયસીમા કહેવી મુશ્કેલ છે. કારણ કે તેમાં અનેક પ્રકારની પ્રક્રિયાઓ સામેલ છે. બીજી તરફ કોબ્રા પોસ્ટે નવા અહેવાલો પણ પ્રસિદ્ધ કર્યા છે.
નવા અહેવાલોમાં જણાવાયું છે કે "ઓપરેશન રેડ સ્પાઇડર- ભાગ 3 કોડ વર્ડવાળી આવૃત્તિમાં કરવામાં આવેલા સ્ટિંગ મારફતે અમે 10 બેંકિંગ સંસ્થાઓ અને તેમની અંદર ચાલી રહેલી શંકાસ્પદ ગતિવિધિઓને બહાર લાવ્યા છીએ. આ બેંકોની ડઝનો શાખાઓના નીચલીથી લઇને ઉપલા અધિકારીઓએ શંકાસ્પદ ગતિવિધીની વાત સ્વીકારી છે."
