રિલાયન્સ જિયોમાં અમેરિકન કંપની KKR 11,367 કરોડનું રોકાણ કરશે
નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ શુક્રવારે આ વાતની ઘોષણા કરી કે અમેરિકી કંપની કેકેઆર જિયો પ્લેટફોર્મમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ અંતર્ગત જ કેકેઆર રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં 2.32 ટકાની ભાગીદારી ખરીદશે. જિયોમાં સતત વિદેશી રોકાણ ચાલુ છે. આ મહિને રિલાયન્સે પાંચમી મોટી ડીલ વિશે જાણકારી આપી છે. કેકેઆરનું આ એશિયાની કોઈપણ કંપનીમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ જણાવવામાં આવી રહ્યું છે.

78562 કરોડ રૂપિયા મેળવ્યા
અગાઉ જિયોમાં ફેસબુક, સિલ્વરલેક, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ અને જનરલ અટલાંટિકે રોકાણ કર્યું છે. જિયોએ તમામ પાંચ ડીલથી એક મહિનામાં 78562 કરોડ રૂપિયા મેળવ્યા છે. અત્યાર સુધી જિયો પ્લેટફોર્મમાં 17.12 ટકા ભાગના રોકાણની ઘોષણા થઈ છે. જે અંતર્ગત ફેસબુકે 9.99 ટકા, સિલ્વરલેકે 1.15 ટકા, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સે 2.32 ટકા અને જનરલ અટલાંટિકે 1.34 ટકા ભાગીદારી ખરીદવાનું એલાન કર્યું છે. અને હવે કેકેઆરે પણ 2.32 ટકા ભાગીદારી ખરીદવાની ઘોષણા કરી દીધી છે.

જિયોના રોકાણકારો
જિયોમાં ન્યૂયોર્કની ખાનગી કંપની જનરલ અટલાંટિકે 17 મેના રોજ 6598.38 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જે અંતર્ગત આ કંપની જિયોમાં 1.34 ટકાની ભાગીદારી ખરીદી રહી છે. એશિયાની કોઈપણ કંપનીમાં આ જનરલ અટલાંટિકનું સૌથી મોટું રોકાણ છે. જિયોમાં ફેસબુકની ડીલના થોડા દિવસો બાદ જ સૌથી મોટી ટેક ઈન્વેસ્ટર કંપની સિલ્વરલેકે 5665.75 કરોડ રૂપિયાનું રોકાણ કરી 1.15 ટકાની ભાગીદારી ખરીદી લીધી.

ભારતમાં ડિજિટલ ક્રાંતિ
કેકેઆરના સહ સંસ્થાપક હેનરી ક્રાવિસે એક નિવેદનમાં કહ્યું કે કોઈ દેશમાં ડિજિટલ ઈકો સિસ્ટમમાં બદલવાની ક્ષમતા અમુક કંપનીઓ પાસે જ હોય છે, આવી જ એક કંપની રિલાયન્સ જિયો છે. આ એક સચું સ્વદેશી પ્લેટફોર્મ છે, જે ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવી રહી છે. અમે જિયો પ્લેટફોર્મમાં તેની પ્રભાવશાળી ગતિ, મજબૂત ટીમ નેતૃત્વ અને વિશ્વ સ્તરના ઈનોવેશનના કારણે જ રોકાણ કરી રહ્યા છીએ.