
ચેતજો : તમારું PF એકાઉન્ટ હેક કરી નાણા થઇ શકે છે છૂ
આપ આપના પ્રોવિડન્ડ ફંડ એટલે કે પીએફ ખાતાને આશીર્વાદ માનીને અને ભવિષ્ય માટે રોકાણના એક સાધન સમજીને ખાસ ધ્યાન નથી આપતા? તો આપે સાવધાન રહેવાની જરૂર છે. વળી, જો આપે પાછલી કંપનીની નોકરી છોડીને નવી નોકરી શરૂ કર્યા બાદ પોતાના પીએફના પૈસા નથી ઉપાડ્યા? તો આપના નાણા છૂમંતર થઇ જાય એ પહેલા તેનો ઉપાડ કરી લેવો જોઇએ.
ભારતના ગુપ્તચર તંત્ર પાસે એવી માહિતી આવી છે કે હેકર્સની એક ગેંગની નજર ભારતીયોના પીએફ ખાતાઓ પર છે. આ હેકર્સ પીએફ ખાતામાંથી મોટી રકમ ઉડાવી દેવાની ફિરાકમાં છે.
અંગ્રેજી બિઝનેસ દૈનિક બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં હેકર્સે નકલી દાવાઓ કરીને રૂપિયા 2 કરોડથી વધારે રકમ પર હાથ સાફ કરી લીધો છે. તેમાંથી મોટા ભાગના ખાતાઓમાં બેલેન્સ ખૂબ ઓછું હતું. આ માટે હેકર્સે મોટા ભાગે એવા ખાતાઓને નિશાન બનાવ્યા હતા જે બેકાર કે નિષ્ક્રિય પડ્યા હતા.
માહિતગારોનું કહેવું છે કે જો આપને આપના પીએફ ખાતામાં કોઇ પણ પ્રકારની ગરબડ જણાય તો તેની માહિતી એમ્પ્લોઇઝ પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ને ચોક્કસ આપવી. જેમના દ્વારા આપને આપના ખાતાની સુરક્ષા અંગે માહિતી મળશે.
જો ઇપીએફઓ આપને આપના રેકોર્ડ ચકાસવાની અનુમતી આપતા નથી તો આપ માહિતીના અધિકાર કાયદા હેઠળ માહિતી પ્રાપ્ત કરી શકો છે.