એકથી વધુ બેંક એકાઉન્ટ રાખવાના 8 નુકસાન
સામાન્ય રીતે લોકો પોતાની વિવિધ સુવિધા અને લાભને ધ્યાનમાં રાખીને એકથી વધારે બેંકોમાં સેવિંગ બેંક એકાઉન્ટ ધરાવતા હોય છે. બેશક એકથી વધારે એટલે કે મલ્ટિપલ બેંક એકાઉન્ટના ફાયદા છે. પણ આ સુવિધાના કેટલાક જોખમ કે નુકસાન પણ છે.
કોઇ પણ વ્યક્તિ એકથી વધારે બેંક એકાઉન્ટ ખોલાવવા જઇ રહી હોય તો તેના શું નુકસાન છે તે પણ ધ્યાનમાં લેવું જોઇએ. અમે અહીં આવા નુકસાન અંગે વાત કરી રહ્યા છીએ...

1. મિનિમમ બેલેન્સ જાળવવામાં નાણા રોકાશે
આપ એકથી વધારે બેંક એકાઉન્ટ ખોલાવશો તો તેમાં મિનિમમ બેલેન્સ જળવાય તેનું ધ્યાન રાખવું પડશે. દરેક બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રૂપિયા 1000 હશે. આમ જેટલા ખાતા તેટલા હજાર રૂપિયા આપના લોક થઇ જશે. આ ઉપરાંત મિનિમમ બેલેન્સ નહીં જાળવો તો આપના ખાતામાંથી બેંક દંડ વસૂલ કરશે.

2. મૂલ્યવાન બાબતો ભૂલી જવાશે
જો આપે વધારે પડતા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હશે તો કેટલાક બેંક એકાઉન્ટમાં ઓછો વ્યવહાર થતો હશે. જેના કારણે તેની અવગણના કે તે ભૂલાઇ જશે. જેના કારણે તેની સાથે રહેલી મૂલ્યવાન બાબતો પણ વિસરાઇ જવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત કોઇ વ્યક્તિ તેનો ગેરફાયદો ઉઠાવી શકે છે.

3. એકાઉન્ટ મેનેજ કરવા અઘરા
એકથી વધારે એકાઉન્ટને મેનેજ કરવાનું મુશ્કેલ બને છે. કારણ કે દરેક એકાઉન્ટમાં બેલેન્સ મેઇન્ટેન કરવું, ફિક્સ્ડ ડિપોઝિટ ધ્યાનમાં રાખવી, સ્ટેટમેન્ટ રાખવા મુશ્કેલ છે. તેની પાછળ દોડા દોડી વધી જાય છે.

4. મલ્ટિપલ લોગિન
આપના એકથી વધારે બેંક એકાઉન્ટ હશે અને આપ ઓનલાઇન કે મોબાઇલ બેંકિંગ સુવિધા મેળવતા હશો તો તમામના પાસવર્ડ સુરક્ષિત રીતે યાદ રાખવા અને તેનો દુરુપયોગ ના થાય તેનું ધ્યાન રાખવું અઘરું બની જાય છે. કેટલીકવાર પાસવર્ડ ભૂલાઇ જવાથી મુશ્કેલી સર્જાય છે.

5. ટેક્સ ટાઇમ સાચવવો
જુદા જુદા બેંક એકાઉન્ટને કારણે ટેક્સ રિટર્ન ફાઇલ કરતા સમયે મોટી મુશ્કેલી ઉભી થાય છે. દરેક બેંક એકાઉન્ટ ચેક કરીને તેમાં મળતી વ્યાજની આવક કરપાત્ર છે કે નહીં તેનો હિસાબ કરીને રજુ કરવામાં ખૂબ સમય જાય છે.

6. અનેક કાર્ડ અને ચેક બુક સાચવો
અનેક બેંકોમાં ખાતા હોવાથી દરેક બેંક એકાઉન્ટની ચેકબુક અને તેનું એટીએમ કાર્ડ સાચવવાની મુશ્કેલી ઉભી થાય છે.

7. વ્યાજદરમાં નુકસાન
આપ એકથી વધારે બેંક એકાઉન્ટ રાખશો તો તેમાં માત્ર ચાર ટકાનું સરેરાશ વ્યાજ મળશે. જો આપ બધી રકમ એક કે બે વધુ વ્યાજ આપતી બેંકના ખાતામાં રાખશો તો આપને વધારે વળતર મળી શકે છે.

8. મલ્ટીપલ બેંક એકાઉન્ટ કોના માટે લાભદાયી?
આર્થિક બાબતોને સુવ્યવસ્થિત અને ચોક્કસ પદ્ધતિથી સંચાલિત કરનારાઓ માટે મલ્ટીપલ બેંક એકાઉન્ટ રાખવાનો કોઇ વાંધો નથી. બાકી અવ્યવસ્થિત સંચાલન કરનારી વ્યક્તિ માટે તે મોટી ઝંઝટ છે.