For Quick Alerts
For Daily Alerts
સોનાની કિંમતોમાં છેલ્લા બે દિવસમાં 2500નું ગાબડું
નવી દિલ્હી, 15 એપ્રિલ : સોનાની કિંમતોમાં આજે પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજે સોનાના બજાર ખુલતાની સાથે જ સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામે રૂપિયા 756નો ઘટાડો નોંધાયો હતો. આ સાથે ચાંદીની કિંમતોમાં પણ પ્રતિ કિલો 2700 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. પાછલા બે દિવસમાં સોનાની કિંમતોમાં રૂપિયા 2500નું ગાબડું પડ્યું છે. વર્તમાન સમયમાં સોનાની કિંમત 27,173 પર પહોંચી ગઇ છે. વિશ્લેષકોનું માનવું છે કે આગામી સમયમાં સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામ રૂપિયા 25000ની નીચે જઇ શકે છે.
આ પહેલાના શનિવારે સોનાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં પણ સોનાની કિંમતોમાં ઘટાડાની વચ્ચે સ્ટોકિસ્ટોએ તાબડતોડ સોનાનું વેચાણ કરતા સોનાની કિંમતો 10 ગ્રામના રૂપિયા 1250 સુધીની અત્યાર સુધીના સૌથી મોટા ઘટાડા સાથે વર્ષની સૌથી નીચી કિંમતો પહોંચી ગઇ હતી.
સોનામાં પાછલા સપ્તાહથી ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. તેના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 30,000ની અંદર બોલવામાં આવતા હતા.બીજી તરફ વૈશ્વિક સ્તરે સોનાની કિંમતો 84 ડોલરના ઘટાડા સાથે 1477 ડોલર પ્રતિ ઓંસ થઇ ગઇ હતી.
વિશ્લેષકો આ ઘટાડાનું મુખ્ય કારણ વાયદા બજારમાં સટોડિયાઓની વેચવાલીને માને છે. તેમનું કહેવું છે કે ભારતમાં સોના બજાર મુખ્યત્વે વૈશ્વિક બજાર અને સટોડિયા બજાર પર આધારિત છે. માર્કેટમાં સોનાની વાસ્તવિક ખરીદી નહીવત જ છે.