સોનાએ છેલ્લા એક વર્ષમાં 'ઝીરો' ટકા રિટર્ન આપ્યું છે. એટલે કે વળતરની દ્રષ્ટિએ જોઇએ નકારાત્મક પરિણામ મળ્યું છે. મુંબઇમાં 4 સપ્ટેમ્બર, 2013ના રોજ 22 કેરેટ સોનાના ભાવ 2,845 હતા. વર્તમાન સમયમાં તેનો ભાવ રૂપિયા 2,600 ચાલી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ સોનાના ભાવો ઘટતાં તેમાં રોકાણ કરનારાને નુકસાન થયું છે.
તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે ગયા વર્ષે જેણે પણ સોનામાં રોકાણ કર્યું હશે તેઓને પોતાના નિર્ણય પર પસ્તાવો થતો હશે.
બીજી તરફ રોકાણના અન્ય સૌથી મોટા અને આકર્ષક વિકલ્પ એટલે કે શેરબજારની વાત કરીએ તો સેન્સેક્સ સૂચકઆંકમાં લગભગ 50 ટકાનો વધારો નોંધાયો છે. આંકડાઓને આધાર રાખીને વાત કરીએ તો સપ્ટેમ્બર 2013માં સેન્સેક્સ 18,000ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો. આજે સેન્સેક્સ 27,000ની સપાટીએ પહોંચ્યો છે. એટલેકે તેમાં સીધો 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ તેજીમાં કેટલાક સ્ટોક્સ વધ્યા છે તો કેટલાક ઘટ્યા પણ છે.
આ સ્થિતિને જોતા જ રોકાણકારોને એક જ પ્રશ્ન થાય કે વર્તમાન સમયમાં રોકાણ કરવું હોય તો શેમાં રોકાણ કરવું શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે? તેનો જવાબ આપવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે...
પ્રવાહથી વિરુદ્ધ ચાલો
તમે નફો મેળવવાની થીયરીનો અભ્યાસ કરશો અથવા તો વોરન બફેટની વાત માનશો કે 'જ્યારે બધા લોકો બફિકર બને ત્યારે તમે થોડા ચેતો અને જ્યારે બધા ચેતીને ચાલે ત્યારે તમે બેફિકર બનો.' તેનો એક જ સાર નીકળે છે કે પ્રવાહથી વિરુદ્ધ ચાલો. સરળ ભાષામાં કહીએ તો આપે સસ્તુ ખરીદીને ઉંચા ભાવે વેચવું જોઇએ. ત્યારે જ નફો મળશે.
શેરમાર્કેટમાં સાનુકૂળ સ્થિતિ
આ વર્ષે શેરમાર્કેટની સ્થિતિની વાત કરીએ તો તમામ મોરચે સાનુકૂળતા દેખાઇ રહી છે. કેન્દ્રમાં સ્થિર સરકાર આવી છે, આર્થિક વૃદ્ધિદર સુધરી રહ્યો છે, યુએસની આર્થિક સ્થિતિ સારી બની રહી છે. બેંક ઓફ જાપાન, યુએસ ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા વિવિધ યોજનાઓ માટે સરળતાથી નાણા ઉપલબ્ધ બનાવવામાં આવી રહ્યા છે. આ નાણાનો પ્રવાહ ભારતીય માર્કેટથી આકર્ષાઇને તેમાં ઠલવાઇ રહ્યો છે.
તેના કારણે ભારતીય શેરમાર્કેટ દરરોજ નવી ઊંચાઇએ પહોંચી રહ્યું છે.
શેરમાર્કેટના અચ્છે દિન આવશે
માર્કેટ એક્સપર્ટ્સ માને છે કે અત્યારે સેન્સેક્સમાં તેજી જોવા મળી રહી છે તે ભવિષ્યમાં પણ જળવાઇ રહેશે. આવનારો સમય સેન્સેક્સ માટે સારો રહેશો તો આવતા સપ્ટેમ્બર, 2015 સુધીમાં સેન્સેક્સ 30,000 પોઇન્ટની સપાટી વટાવી જશે. તેનો અર્થ એ થયો કે સેન્સેક્સમાં 10 ટકા જેટલું વળતર મળશે.
સમજદારી શેમાં છે?
પ્રથમ દ્રષ્ટિએ આપને થશે કે માર્કેટની ચાલ ચકાચક છે તો તેમાં રોકાણ કરવું સારું રહેશે. હકીકત એ છે કે માર્કેટમાં રોકાણ કરવામાં ખાસ સમજદારી નથી. કારણ કે અત્યારે માર્કેટ જે રીતે અને જે ઝટપે આગળ વધી રહ્યું છે તેને જોતા તેમાં રહેલા જોખમના પ્રમાણમાં આપને ઉચું વળતર મળી રહ્યું નથી. વધારે વળતર માટે શેરમાર્કેટ નીચું હોય ત્યારે ખરીદી કરવી પડે. જે અત્યારે શક્ય નથી.
માર્કેટ દિવસે તારા બતાવી શકે
વર્તમાન સમયમાં માર્કેટની સ્થિતી અને ચાલ અચોક્કસ છે. વૈશ્વિક સ્તરે ઇરાક અને યુક્રેનનું જીઓ પોલિટિકલ ટેન્શન, યુએસમાં વ્યાજના દરોમાં વધારો જેવી બાબતો માર્કેટની રેલીને અટકાવી શકે છે. આ કરાણે અત્યારે રોકાણ કરશો તો ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતા વધારે છે.
સોનામાં રોકાણનું શું?
વર્તમાન સમયમાં સોનાની કિંમતો જે સ્તરે પહોંચી છે તેમાં રોકાણ કરવું હિતાવહ લાગતું નથી. કારણ કે આગામી સમયમાં મોટું જીઓ પોલિટિકલ ટેન્શન ઉભું થાય અથવા રૂપિયો ગગડે તો જ સોનાના ભાવ વધી શકે છે. વળી માર્કેટ એક્સપર્ટ જણાવે છે કે સોનાના ભાવ હજી પણ ઘટી શકે છે. આ કારણે હાલના તબક્કે સોનાના રોકાણનો નિર્ણય બેસ્ટ નથી.
બેંકોમાં મળે છે સારું વળતર
શેરબજાર કે સોનુ 10 ટકા વળતર આપતું હોય તો સામે જોખમ પણ વધારે છે. બીજી તરફ જોખમ લીધા વિના બેંકો પણ 10 ટકા જેટલું વળતર આપે છે. બેંકોની ડિપોઝિટમાં કોઇ પણ પ્રકારના જોખમ વિના તમે નિશ્ચિંત વળતર મેળવી શકો છો. આ કારણે બેંકોની ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવામાં સમજદારી છે.