PFની પૂરી રકમ ક્યારે અને કેવી રીતે ઉપાડશો, અહીં જાણો
મોટા ભાગે લોકોને એ વાતનો ખ્યાલ નથી આવતો કે પીએફના પૈસા ક્યારે અને કેવી રીતે ઉપાડવાના હોય છે. કેટલીકવાર એવું થાય છે કે ઈમરજન્સી દરમિયાન લોકોને પૈસાની જરૂર હોય, તેમના પીએફ અકાઉન્ટમાં પૈસા હોય પરંતુ માહિતી ન હોવાથી તેઓ પોતાના પીએફના પૈસા ઉપાડી નથી શક્તા. તમને જણાવી દઈએ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં જમા પીએફ ઓનલાઈન ઉપાડી શકાય છે. ઓનલાઈ સુવિધા લગભગ પાંચ કરોડથી વધુ લાભાર્થીઓને મળી રહી છે. અમુક સ્થિતિમાં તમે પીએફની તમામ રકમ ઉપાડી શકો છો તો અમુક સ્થિતિમાં પીએફની કુલ રકમનો ફિક્સ હિસ્સો ઉપાડી શકો છો. ચાલો જાણીએ કઈ સ્થિતિમાં તમે પીએફની રકમ ઉપાડી શકો છો.

એજ્યુકેશન કે લગ્ન
તમે પોતાના ભાઈ બહેનના લગ્ન કે બાળકોના લગ્ન માટે પીએફની રકમ ઉપાડી શકો છો. અથવા તો પોતાના અભ્યાસ કે બાળકોના અભ્યાસ માટે પણ પીએફની રકમ ઉપાડી શકો છો. પરંતુ આ માટે તમારે ઓછામાં ઓછી 7 વર્ષની નોકરી હોવી જરૂરી છે. સાથે જ તમે જે કારણ માટૈ પૈસા ઉપાડો છો તેનો પુરાવો પણ આપવો જરૂરી છે. બીજી તરફ એજ્યુકેશનાના કિસ્સામાં તમારે એમ્પલોયરએ આપેલું ફોર્મ 31 ભરીને અરજી કરવી પડશે. તમે પીએફ ઉપાડવાની તારીખ સુધી કુલ જમા રકમના 50 ટકા જ પીએફ ઉપાડી શકો છો.

મેડિકલ ટ્રીટમેન્ટ
સૌથી પહેલા તમે તમારા, પત્ની કે બાળકો અથવા માતા પિતાની સારવાર માટે પીએફ ઉપાડી શકો છો. આ સ્થિતિમાં તમે ક્યારે પણ પીએફ ઉપાડી શકો છો, એટલે તમે કેટલા સમયથી નોકરી કરો છો તે જરૂરી નથી. પરંતુ આ માટે તમારે એક મહિનો કે તેનાથી વધુ સમય હોસ્પિટલમાં દાખલ થયા હોવાના પુરાવા આપવા પડશે. સાથે જઆ સમયગાળા માટે એમ્પલોયરે અપ્રૂવ કરેલું લીવ સર્ટિફિકેટ પણ આપવું પડશે. જણાવી દઈએ કે મેડિકલ ટ્રીટમેન્ટ માટે કોઈ પણ વ્યક્તિ પોતાની સેલરીના છ ગણા કે પછી જમા તમામ પીએફ બેમાંથી જે રકમ ઓછી હોય તે ઉપાડી શકે છે.

જમીન ખરીદવા માટે
જ્યારે તમે પ્લોટ ખરીદવા માટે પીએફના પૈસા વાપરવા ઈચ્છતા હો, ત્યારે તમારી નોકરીને 5 વર્ષ થયા હોવા જોઈએ. સાથે જ પ્લોટ તમારા અને તમારી પત્ની એમ બંનેના નામ પર રજિસ્ટર્ડ હોવો જોઈએ. પ્લોટ કે પ્રોપર્ટી કોઈ પ્રકારની વિવાદિત ન હોવી જોઈએ, સાથે જતેના પર કોઈ કાયદાકીય કાર્યવાહી ન ચાલતી હોવી જોઈએ. પ્લોટ ખરીદવા માટે કોઈ પણ વ્યક્તિ પોતાની સેલરીના વધુમાં વધુ 24 ગણા સુધીની પીએફની રકમ ઉપાડી શકે છે. જો કે આ સ્થિતિમાં તમે તમારી નોકરીના કુલ સમયમાં ફક્ત એક જ વાર પીએફના પૈસા ઉપાડી શકો છો.

પ્રી-રિટાયરમેન્ટ
આ માટે તમારી ઉંમર 54 વર્ષ હોવી જરૂરી છે. આ સ્થિતમાં તમે કુલ પીએફ બેલેન્સમાંથી 90 ટકાની રકમ ઉપાડી શકો છે, પરંતુ આ વિથડ્રો ફક્ત એક જ વાર કરી શકાય છે. આ વાત પણ જણાવી દઈએ કે જો તમે ઓનલાઈન અપ્લાય કરવા ઈચ્છો છો તો પછી આ એક સહેલી પ્રક્રિયા છે.

આ રીતે કરો ઓનલાઈન અરજી
ઈપીએફઓની વેબસાઈટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર લોગ ઓન કરો. તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગ ઈન કરો. મેનેજ પર ક્લિક કરો. કેવાયસી ઓપ્શનમાં તમામ માહિતી ચેક રકી લો. ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરો. એક ડ્રોપ ડાઉન મેનુ ખુલશે. જેમાં ક્લેઈમ પર ક્લિક કરો. તમારું ક્લેમ ફોર્મ સબમિટ કરવા માટે Proceed for online claim પર ક્લિક કરો.

પીએફમાંથી ઉપાડી શકો છો એડવાન્સ
I want to apply forમાં જાવ. તેમાં જઈને full EPF Settelment, EPF Part withdrawal (Loan/advance) કે પછી pension withdrawalના ઓપ્શનની પસંદગી કરો. તેને ફર્યાના લગભગ 5 કે 10 દિવસમાં ઈપીએફઓ પર રજિસ્ટર્ડ બેન્ક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. તેની માહિતી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા આવી જશે. જો તમારું ઈપીએફ ખાતું આધાર સાથે લિંક છે તો તમે ઓનલાઈન પૈસા ઉપાડવા માટે અપ્લાય કરી શકો છો.