ભારતના નબળા અર્થતંત્ર માટે UPA કારણભૂત : IMF
નવી દિલ્હી, 4 એપ્રિલ : આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF)એ કહ્યું છે કે ભારતનું અર્થતંત્ર નબળું પડયું તેની પાછળ આંતરિક કારણો જવાબદાર છે. નહીં કે બહારના કારણો. આઇએમએફએ અર્થતંત્રની ગતિ ધીમી પડવા પાછળ યુપીએ સરકારને જવાબદાર ઠેરવી છે. આઇએમએફના નિવેદનથી યુપીએ સરકારના એવા દાવાઓ ખોટા ઠર્યા છે કે અર્થતંત્ર મંદ પડવા પાછળ વૈશ્વિક પરિબળો જવાબદાર છે અને તે આપણા હાથમાં નહોતું.
આઇએમએફએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે, જો ભારત પોતાની સમસ્યાઓનો ઉકેલ વહેલી તકે નહી લાવે તો ભારતનું અર્થતંત્ર વધુ પછડાટ ખાશે. આઇએમએફએ જણાવ્યુ છે કે ભારતમાં વધારાના રોકાણની આવશ્યકતા છે.
નાણા ભંડોળના પ્રમુખ ક્રિસ્ટીન લોગાર્ડેએ ભારત જેવા દેશોમાં માળખાકીય સુવિધાઓ વચ્ચેની ખાઇને નાબુદ કરવા માટે વધુ જાહેર અને ખાનગી રોકાણની તરફેણ કરી છે. યોગ્ય રીતે રોકાણ થાય તો ઉત્પાદન અને રોજગારીમાં વધારો થશે.
તેમણે કહ્યું હતું કે વિશ્વમાં હજુ પણ આર્થિક મંદી જોવા મળી રહી છે અને ભૂ-રાજનૈતિક તણાવ વધી રહ્યા છે. આ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય સહયોગને કેવી રીતે મજબુત કરી શકાય જે આ પડકારોને પહોંચી વળવા માટે મહત્વનું છે.
ભારતમાં લોનનો ઉંચો વ્યાજદર અને કોર્પોરેટ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સરકારની મંજુરી મેળવવામાં થતો વિલંબ, ઉંચો ફુગાવો વગેરેને કારણે કન્ઝમશન ખર્ચ ઘટયો છે અને તેને કારણે અર્થતંત્રને પણ નુકસાન પહોંચ્યુ છે.
મોનીટરી ફંડે જણાવ્યું છે કે બ્રાઝિલ અને ઇન્ડોનેશિયામાં જે વિકાસ ધીમો પડયો છે જેની પાછળ બહારના કારણો જવાબદાર છે. રશિયા અને દ.આફ્રિકામાં આંતરિક પરિબળો જવાબદાર છે. ભારતમાં પણ આવું જ થયું છે.
ભારતમાં 31 ડિસેમ્બર સુધીમાં અર્થતંત્રનો વિકાસ 5 ટકાથી નીચે રહ્યો છે. આઇએમએફ 8મી એપ્રિલે ભારત સહિતના દેશો માટે ગ્લોબલ ગ્રોથ પ્રોજેકશન જાહેર કરશે. એશિયન ડેવલપમેન્ટ બેંકે 2014-15 માટેનો ભારતનો વિકાસ દર 5.5 ટકા રહેશે તેવુ જાહેર કર્યુ છે.
આ બેંક કહે છે કે ફુગાવો, નાણાકીય અસમતુલા, ઇન્વેસ્ટમેન્ટની ધીમી રફતાર, સુધારાઓ માટે બિનકાર્યક્ષમતા વગેરેના કારણે ભારતનું અર્થતંત્ર ધીમું પડયું છે. આ બધાનો સિસ્મેટીક ઉકેલ લાવવો જરૂરી છે કે જેથી ભારતનો વિકાસ દર ઉંચો જઇ શકે.