
ચપ્પુના તીક્ષ્ણ ઘા સામે પણ ન હારી નાનકડી મિત્તલ
અનસંગ હિરોની શ્રેણીમાં આજે આપણે મૂળ અમદાવાદની એવી મિત્તલ પાટડિયાની વાત કરીશું. આ નાનકડી બાળકીએ તેના કરતા બમણી ઉંમરના પણ કદાચ જ કરી શકે, એવી બહાદુરીનું કામ કરી બતાવ્યું હતું. આ માટે તેને વર્ષ 2012માં સરકાર તરફથી રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
મિત્તલ મહેન્દ્ર પાટડિયાની ત્રણ પુત્રીઓમાં સૌથી નાની છે. તેના પિતા એક સાધારણ રંગારા છે અને મંદિરમાં રંગ કરવાનું કામ કરે છે. તેમની પાડોશમાં જ રહેતા તહેલાની પરિવારે મિત્તલના ઉછેરની જવાબદારી ઉપાડી છે, જેથી મહેન્દ્ર પાટડિયાને મદદ થઇ શકે.
ધનતેરસનો દિવસ હતો
3 નવેમ્બર, 2010ના રોજ સમગ્ર તેહલાની પરિવાર ધનતેરસની તૈયારીઓમાં વ્યસ્ત હતો. એ જ સમયે આ પરિવારના જાણીતા અજીતસિંહ રેહવાત નામના રિક્ષા ચાલકે બેલ વગાડી પાણી માંગ્યું. કવિતા તેહલાનીએ જેવો દરવાજો ખોલ્યો કે તરત અજીતસિંહ અને તેની સાથે આવેલ 2 ચોરોએ એમની પર હુમલો કર્યો. બે લોકોએ મળી કવિતા તેહલાનીને પકડી રાખ્યા અને ત્રીજો ચોર મિત્તલ તરફ આગળ વધ્યો. કવિતાને શાંત પાડવા એ ચોરે મિત્તલને પકડી અને ત્યાર બાદ કિંમતી વસ્તુઓની માંગણી કરી. પોતાની માનેલી માતાને આ રીતે મુસીબતમાં જોઇ મિત્તલે મદદ માટે બૂમ પાડી અને સાથે જ તેણે ચોરના વાળ ખેંચી તેને જમીન પર પાડવાનો પ્રયત્ન કર્યો.
મિત્તલે બતાવી હિંમત
આ દરમિયાન ચોરે ચપ્પુ વડે મિત્તલના ગળા પર ઘા કર્યા, ચપ્પુના ઊંડા ઘાને કારણે તેને ભયંકર લોહી નીકળવા માંડ્યુ. આમ છતાં, પોતાની પીડાનો વિચાર કર્યા વગર મિત્તલ હિંમત કરી એ ચોરની પકડમાંથી છૂટીને સીધી ઘરના દરવાજા તરફ ભાગી અને તેણે દરવાજો ખોલી કાઢ્યો. કંઇક દુર્ઘટના થઇ હોવાની જાણ થતાં જ અન્ય પાડોશીઓ પણ ત્યાં દોડી આવ્યા અને તેમણે ત્રણેય ચોરને પકડી પાડ્યા.
351 ટાંકા
મિત્તલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, તેના ગળા પર એટલો ઊંડો ઘા હતો કે સમયસર સારવાર ન મળતાં તેનું મૃત્યુ થયું હોત. તેને ગળા પર 351 ટાંકા આવ્યા હતા. મિત્તલને તેની આ બહાદુરી બદલ રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર આપવામાં આવ્યો હતો તથા 26 જાન્યુઆરી, 2012ના રોજ તેને વડાપ્રધાન મનમોહન સિંહના હાથે ગીતા ચોપડા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.