
બીટકોઈનને કરન્સી તરીકે માન્યતા આપવા જઈ રહી છે સરકાર?
નવી દિલ્હી, 29 નવેમ્બર : સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર બિટકોઈન ટ્રાન્ઝેક્શન પર કોઈ ડેટા એકત્રિત કરતી નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશમાં બિટકોઈનને ચલણ તરીકે માન્યતા આપવાની કોઈ દરખાસ્ત નથી. નાણા મંત્રાલયે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ભારત સરકાર બિટકોઈન ટ્રાન્ઝેક્શનનો ડેટા એકત્ર કરતી નથી. સોમવારે શરૂ થયેલા સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન માટેના કાયદાની ચર્ચા કરવામાં આવશે.
નાણા મંત્રાલયે જણાવ્યું કે, ભારતીય રિઝર્વ બેંક ડિજિટલ કરન્સીના ઉપયોગના કેસોની તપાસ કરી રહી છે અને કેન્દ્રીય બેંક તેની પોતાની ડિજિટલ કરન્સી (CBDC) ના લોન્ચિંગ માટે તબક્કાવાર અમલીકરણ વ્યૂહરચના પર કામ કરી રહી છે, જેમાં કોઈ વિક્ષેપ નથી. સરકારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સંસદના વર્તમાન સત્રમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ લાવવાની તૈયારી ચાલી રહી છે. આ બિલમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે. લોકસભાની વેબસાઇટ અનુસાર, સરકાર ક્રિપ્ટોકરન્સી પર બિલ લાવી શકે છે, જેમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ હોઈ શકે છે. દેશમાં હાલમાં ક્રિપ્ટોકરન્સી પર કોઈ નિયંત્રણો નથી.
તમને જણાવી દઈએ કે, 13 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેઠક કરી હતી, જેમાં તેમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે બિન-પારદર્શક જાહેરાતો દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો અને ક્રિપ્ટોકરન્સી વિશે ખોટા વચનો આપવાના પ્રયાસો બંધ થવા જોઈએ. બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે સરકાર ક્રિપ્ટોકરન્સી અંગે નિષ્ણાતો અને હિતધારકો સાથે વાતચીત કરવાનું ચાલુ રાખશે.
તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક વારંવાર ક્રિપ્ટોકરન્સીને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી રહી છે. આરબીઆઈએ કહ્યું છે કે ક્રિપ્ટોકરન્સી દેશની મેક્રો ઈકોનોમિક અને નાણાકીય સ્થિરતા માટે ગંભીર ખતરો પેદા કરી શકે છે. આ સિવાય આરબીઆઈએ તેના રોકાણકારોની સંખ્યા અને તેના બજાર મૂલ્ય પર પણ શંકા વ્યક્ત કરી છે. ઉલ્લેખનિય છે કે પાછલા દિવસોમાં સંસદમાં બીલ આવવાની જાહેરાત થતા ક્રિપ્ટો માર્કેટ મોટા પાયે પછડાયુ હતું.