જેટ ફ્યુઅલમાં બે ટકાનો વધારો : વિમાન ભાડાં વધવાની શક્યતા
જેટ ફ્યુઅલ કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)માં શનિવારે થયેલો ભાવ વધારો આ મહિનાની પહેલી તારીખથી અમલમાં આવેલા ભાવ બાદનો સૌથી મોટો વધારો છે. નવી દિલ્હીના ટીથ્રી ટર્મિનલ ખાતેના એટીએફમાં પ્રતિ કિલો લીટર રૂપિયા 1,429નો એટલે કે 1.97 ટકાનો ભાવ વધારો નોંધાયો છે. આ કારણે ભાવ વધીને 73,711 પ્રતિ કિલો લીટર પર પહોંચ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)ના જણાવ્યા અનુસાર આ ભાવ વધારો શનિવારે મધ્યરાત્રિથી અમલી બન્યો છે.
નિષ્ણાતોનું માનવું છે કે એક સપ્ટેમ્બરના રોજ કરવામાં આવેલો 7.6 ટકાનો ભાવ વધારો અને શનિવારનો ભાવ વધારો યુએસ ડોલર સામે રૂપિયો તૂટતા અને ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં થયેલા વધારાનું પરિણામ છે. જુલાઇ 2012થી આ પાંચમો ભાવ વધારો છે. એરલાઇન ઓપરેટિંગ કોસ્ટમાં જેટ ફ્યુઅલનો ખર્ચો 40 ટકાનો હિસ્સો ધરાવે છે. આથી વધારાની સીધી અસર વિમાન ભાડામાં થશે અને આગામી સમયમાં તેમાં ભાવ વધારો થવાની શક્યતા છે.
ભાવ વધારાની અસરથી વિમાન ભાડાં વધારવામાં આવશે કે નહીં તે અંગે એરલાઇન કંપનીઓએ કોઇ સ્પષ્ટતા કરી નથી. દેશના મુખ્ય ત્રણ ઓઇલ રિટેલર્સ આઇઓસી, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ આંતરરાષ્ટ્રીય ભાવોને ધ્યાનમાં રાખી દર 15 દિવસે એટલે કે પહેલી અને 16મી તારીખે જેટ ફ્યુઅલના ભાવ નક્કી કરે છે.