For Daily Alerts
કિંગફિશરના અધિકારીઓ ડીજીસીએને મળ્યા
નવી દિલ્હી, 26 ઑક્ટોબર : કિંગફિશર એરલાઇન્સના અધિકારીઓ અને હડતાળ પર ઉતરેલા પાયલટ્સ, એન્જિનિયર્સ સહિતના કર્મચારીઓ સાથેની સમજુતી બેઠક સફળ રહી હતી. સફળ બેઠકથી આગળ વધીને આજે કિંગફિશર એરલાઇન્સના ઉચ્ચ અધિકારીઓ ડીજીસીએના અધિકારીઓને મળ્યા હતા. કંપનીએ તેમની સમક્ષ કિંગફિશરના પુનરોધ્ધારની યોજના અંગે ચર્ચા કરી તેને ટૂંક સમયમાં અમલી બનાવવાની ઇચ્છા દર્શાવી હતી.
કંપનીના સીઇઓ સંજય અગ્રવાલે નાગરિક ઉડ્ડયન વિમાનન મહાનિર્દેશક (ડીજીસીએ) અરૂણ મિશ્રા સાથે લગભગ અડધો કલાકની બેઠક યોજી હતી. બેઠક અંગે તેમણે જણાવ્યું કે આ સામાન્ય બેઠક હતી. અમે આ બેઠક કંપનીના પુનરોધ્ધાર અંગે શું કરી શકાય તે સમજવા માટેનું માર્ગદર્શન મેળવવા બેઠક યોજી હતી.
આ અંગે ડીજીસીએના સૂત્રોએ જણાવ્યું કે અગ્રવાલ અને કંપનીના એમડી વિજય માલ્યા ટૂંક સમયમાં કંપનીના પુનરોધ્ધાર અને સંચાલન અંગે શું પગલાં ભરી શકાય તે અંગેની યોજના તૈયાર કરશે.