PPF રોકાણકારોને 20 વર્ષ ગાળામાં સેન્સેક્સની તુલનામાં વધુ વળતર મળ્યું
નવી દિલ્હી, 25 ઓગસ્ટ : સેન્સેક્સે છેલ્લા એક વર્ષમાં 44 ટકાનું જોરદાર વળતર આપ્યું છે. કેટલાક શેરોમાં તો આ સમયગાળામાં 100 ટકાથી પણ વધારેનો ઉછાળો જોવા મળ્યો છે. આ કારણે જ શેરબજારમાં તેજી હોય ત્યારે રોકાણકારો હંમેશા ઊંચા વળતરથી આકર્ષાઇને વધુ રોકાણ કરવા ખેંચાય છે. જો કે રોકાણકારોનો શેરબજાર પ્રેમ ડગમગી જાય તેવો એક રિપોર્ટ બહાર આવ્યો છે.
અંગ્રેજી બિઝનેસ ન્યુઝ પેપર ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર છેલ્લા 20 વર્ષમાં શેરબજાર કરતા પબ્લિક પ્રોવિડન્ડ ફંડ એટલે કે પીપીએફ (PPF)એ વધારે વળતર ચૂકવ્યું છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે 'છેલ્લા બે મહિનામાં ઇક્વિટી સ્કીમ્સના રોકાણ અને નવાં ડીમેટ ખાતાની સંખ્યા પર નજર કરીએ તો, રિટેલ રોકાણકારો શેરબજારમાં પાછા ફરી રહ્યા હોવાનો સંકેત મળે છે. આ રોકાણકારોએ એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે છેલ્લા કેટલાક સમયમાં શેરોમાંથી જે વળતર મળ્યું છે તે આગામી સમયમાં મળવું મુશ્કેલ છે. કેટલાક કિસ્સામાં લાંબા ગાળાના રોકાણનો ખાસ ફાયદો મળ્યો નથી. છેલ્લા 20 વર્ષના આંકડાનો અભ્યાસ કરીએ તો માત્ર શેરમાં રોકાણ કરનારને નિરાશા સાંપડી છે.'
સેન્સેક્સ ઓગસ્ટ 1994માં 4,588ની સપાટીએ હતો. હાલ સેન્સેક્સ 26,420ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. આ 20 વર્ષના ગાળામાં સૂચકાંક સેન્સેક્સનું વાર્ષિક વળતર માત્ર 9.15 ટકા રહ્યું છે. તેની સામે PPF જેવી કેટલીક ડેટ પ્રોડક્ટ્સે આ ગાળામાં સેન્સેક્સ કરતાં વધુ 10.46 ટકાનું વળતર આપ્યું છે. આંકડાની રીતે આ તફાવત ભલે નાનો લાગતો હોય, પરંતુ મૂલ્યની રીતે તે ઘણો મોટો છે. તમે ગઈ તેજીના આખરી ભાગ (ઓગસ્ટ 2007) માં બજારમાં પ્રવેશ્યા હોવ તો તાજેતરની તેજી છતાં છેલ્લા સાત વર્ષમાં સેન્સેક્સે માત્ર 8.10 ટકાનું વાર્ષિક વળતર આપ્યું છે.
આ તફાવત સમજવા એક ઉદાહરણ જોઇએ તો ઓગસ્ટ 1994ના આખરી ભાગમાં તમે સેન્સેક્સ અને પીપીએફ બંનેમાં રૂપિયા 10,000 - 10,000નું રોકાણ કર્યું હોય તો સેન્સેક્સના રોકાણની રકમ અથવા વળતર રૂપિયા 57,520 મળવાપાત્ર થાય છે. જયારે PPFમાંથી તમને રૂપિયા 73,124 જેટલું વળતર મળવાપાત્ર થાય છે.
આટલા મોટા તફાવતને જોયા બાદ તેનો અર્થ એવો નથી કે, પીપીએફનું વળતર ઇક્વિટી કરતાં હંમેશા વધારે હોય છે.