For Quick Alerts
For Daily Alerts
RBI ટૂંક સમયમાં પ્લાસ્ટિક નોટ બહાર પાડશે
શ્રીનગર, 9 મે : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગવર્નર ડી સુબ્બારાવે બુધવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંક પરિક્ષણ કરવા માટે ચૂંક સમયમાં પ્લાસ્ટિકની ચલણી નોટોને રજૂ કરવામાં આવશે. કાગળની નોટોની સરખામણીએ પ્લાસ્ટિકની નોટો વધારે સમય સુધી ચાલી શકે છે. આ ગુણને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ પગલું ભરવા જઇ રહી છે.
કાશ્મીર યુનિવર્સિટીની બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં સુબ્બારાવે જણાવ્યું કે અમે પ્લાસ્ટિકની ચલણી નોટો બજારમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હાલમાં અમે તેને માર્કેટમાં પ્રાયોગિક ધોરણે મૂકવાનો વિચાર કરી રહ્યા છીએ. જો તેમાં સફળતા મળશે તો તેને સમગ્ર દેશમાં રજૂ કરવામાં આવશે.
સુબ્બારાવે ભારપૂર્વક જણાવ્યું કે પ્લાસ્ટિકની નોટ પર્યાવરણની અનુકુળ હોય છે. આ સાથે તે કાગળની નોટોની સરખામણીએ લાબાંગાળા સુધી ચાલે છે. આ બાબતમાં ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરે પ્લાસ્ટિકની ચલણી નોટો બહાર પાડી છે. રિઝર્વ બેંકે તથા સરકારે રૂપિયા 10ની એક અબજ પ્લાસ્ટિક ચલણી નોટો રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રયોગ અને ચકાસણી કરવા માટે આ નોટોને કોચ્ચિ, મૈસૂર, જયપુર અને ભુવનેશ્વરમાં રજૂ કરવામાં આવશે.