સંભાળજો, 200 અને 2000ની ફાટેલી નોટ નહીં બદલી શકાય
જો તમારી પાસે 200 અને 2000ની ફાટેલી કે સળગી ગયેલી નોટ છે, તો તમે તેને બેન્કમાં નહીં ભરી શકો, એટલું જ નહીં બેન્ક તમને આ નોટ બદલી પણ નહીં આપે. કારણ કે કરંસી નોટના એક્સચેન્જ નિયમોમાં આ બંને નોટને સામેલ નથી કરાઈ. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ ફાટેલી કે ગંદી નોટ બદલવાનો મામલો RBIના નોટ રિફંડ નિયમ અંતર્ગત આવે છે. જો RBI એક્ટના સેક્શન 28નો જ એક ભાગ છે.

નોટ રિફંડ એક્ટમાં નથી 200-2000ની નોટનો ઉલ્લેખ
આ એક્ટમાં 5, 10, 50, 100, 500, 1000, 5000 અને 10,000ની કરંસી નોટનો ઉલ્લેખ છે પરંતુ 200 અને 2000ની નોટને તેમાં સ્થાન નથી અપાયું. કારણ કે સરકાર તેમજ રિઝર્વ બેન્કે આ નોટ એક્સચેન્જની જોગવાઈમાં પરિવર્તન નથી કર્યું.

2000ની નોટનું છાપકામ છે બંધ
તમને જણાવી દઈએ કે 8 નવેમ્બર, 2016ની નોટબંધી બાદ 2 હજારની નોટ બહાર પડાઈ હતી. તો 200 રૂપિયાની નોટ ઓગસ્ટ 2017માં બહાર પડાઈ હતી. ઈકોનોમિક્સ ટાઈમ્સના રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ છે કે હાલ દેશમાં 2 હજારની કિંમતની લગભગ 6.70 લાખ કરોડ નોટ ચલણમાં છે અને RBIએ હવે 2 હજારની નોટ છાપવાનું બંધ કર્યું છે.

ટૂંક સમયમાં બદલાશે નિયમો
બેન્કોનું કહેવું છે કે નવી નોટ ફાટવાના કે બગડવાના કિસ્સા હજી સુધી ઓછા સામે આવ્યા છે. જો કે બેન્કોનું માનવું છે કે આ જોગવાઈ ટૂંક સમયમાં નહીં બદલાય તો મુશ્કેલી જરૂર થશે. આ મામલે RBIનું કહેવું છે કે 2017માં જ તેઓ આ મામલે નાણા મંત્રાલયને પત્ર લખીને રજૂઆત કરી ચૂક્યા છે, જેનો કોઈ જવાબ નથી આવ્યો.

RBIએ કર્યો સ્વીકાર
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ વાત સ્વીકારી છે કે નવી સિરીઝની નોટ હાલ બેન્કમાં બદલી નથી શકાતી. મહાત્મા ગાંધીની નવી સિરીઝ વાળી નોટના આકારમાં પરિવર્તનને કારણે એમજી સિરીઝમાં ફાટેલી અને ખરાબ નોટ બદલવું હાલના નિયમોમાં શક્ય નથી. આ માટે RBIએ નોટ રિફંડ એક્ટ 2009માં સંશોધન કરવું જરૂરી છે