વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ દાન કર્યા 52,750 કરોડ
આઈટીના દિગ્ગજ અને વિપ્રોના અધ્યક્ષ અઝીમ પ્રેમજીએ વિપ્રો લિમિટેડના 34 ટકા શેર એટલે કે 52,750 કરોડ રૂપિયાની કિંમતના શૅર પરોપકાર માટે દાન કર્યા છે. દેશની ત્રીજી સૌથી મોટી આઈટી કંપની વિપ્રોના ટેરમેન અઝીમ પ્રેમજીએ 52,750 કરોડના શૅર પોતાના અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનને દાન આપ્યા છે. એટલે કે આ શેરથી થનારો ફાયદો ફાઉન્ડેશનના કામ માટે વપરાશે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે અઝીમ પ્રેમજી 18.6 અરબ ડૉલરની સંપત્તિ સાથે દેશના બીજા સૌથી પૈસાદાર વ્યક્તિ છે.
પરોપકાર કરવામાં મુકેશ અંબાણી પણ ટોચ પર, જાણો કેટલું દાન કર્યું

1.45 લાખ કરોડ રૂપિયાનું દાન
અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને બુધવારે કહ્યું કે આ દાન બાદ અઝીમ પ્રેમજીએ સેવા માટે અને ધર્માર્થ કાર્યો માટે આપેલા દાનની રકમ વધીને કુલ 1.45 લાખ કરોડ એટલે કે 21 અરબ ડૉલર થઈ ચૂકી છે. અઝીમ પ્રેમજી આવી જ રીતે વિપ્રોના કુલ 67 ટકા શેર દાન કરી ચૂક્યા છે.

રાઈસ કિંગ ઓફ બર્મા
અઝીમ પ્રેમજીના પરિવારે ભાગલા સમયે પાકિસ્તાન છોડીને ભારત આવવાનું નક્કી કર્યું હતું. પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાએ આપેલી ફાઈનાન્સ મિનિસ્ટર બનવાની ઓફર ફગાવીને પ્રેમજીનો પરિવાર ભારત આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઝીણાએ આ ઓફર પ્રેમજીના પિતા મોહમ્મદ હાશિમ પ્રેમજીને આપી હતી. હાશિમ પ્રેમજી એ સમયે ચોખા અને કૂકિંગ ઓઈલના જાણીતા વેપારી હતી. તેઓ રાઈસ કિંગ ઓફ બર્મા તરીકે ઓળખાતા હતા.

અઝીમ પ્રેમજી ભારતના સૌથી મોટા દાનવીર
અઝીમ પ્રેમજીએ દાન કરેલા શેરનો જે પણ આર્થિક લાભ થશે તે ફાઉન્ડેશન દ્વારા સારા કાર્યો પર ખર્ચ કરવામાં આવસે. આ દાન સાથે જ અઝીમ પ્રેમજી ભારતના ઈતિહાસના સૌથી મોટા દાનવીર બની ચૂક્યા છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન શિક્ષણના ક્ષેત્રે કામ કરે છે. તે જુદા જુદા ક્ષેત્રોમાં એનજીઓને પણ મદદ કરે છે.

શિક્ષણની દિશામાં કામ કરે છે ફાઉન્ડેશન
અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને કહ્યું કે ફાઉન્ડેશન સ્કૂલી શિક્ષા પ્રણાલી સુધારવમાં યોગદાન આપવા માટે જિલ્લા અને રાજ્ય સ્તરના સંસ્થાનોનું નેટવર્ક મજબૂત કરવા માટે કામ કરે છે. ફાઉન્ડેશને બેંગાલુરુમાં અઝીમ પ્રેમજી યુનિવર્સિટીની પણ સ્થાપના કરી છે, જેનો ઉદ્દેશ્ય શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં પ્રોફેશનલ્સ તૈયાર કરવાનું છે. ફાઉન્ડેશને કહ્યું કે આમ કરવાથી શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં કામ કરવામાં મદદ મળશે. ફાઉન્ડેશને આશા વ્યક્ત કરી કે આગામી વર્ષોમાં આવી પ્રવૃત્તિ હજી વધશે.

નાઈટ ઓફ ધ લીજીયન ઓફ ઓનરથી સન્માનિત
આઈટી કંપની વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીને ફ્રાંસનું સર્વોચ્ચ નાગરિક સન્માન નાઈટ ઓફ ધ લીજિયન ઓફ ઓનરનું સન્માન મળી ચૂક્યુ છે. વિપ્રોએ કહ્યું કે પ્રેમજીને આ સન્માન ભારતમાં ફ્રાંસના રાજદૂત એલેક્ઝાંડર જિગલરે આપ્યું હતું. જિગલરે કહ્યું કે પ્રેમજીને આ સન્માન ભારતમાં આઈટી ઉદ્યોગને આગળ વધારવાના મહત્વના યોગદાન અને ફ્રાંસમાં તેમની આર્થિક પહોંચ માટે અપાયું છે. આ ઉપરાંત અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને અને અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના માધ્યમથી સમાજમાં યોગદાન આપવા માટે સન્માન આપ્યું છે.