For Quick Alerts
For Daily Alerts
ટાટા જૂથના નેતૃત્વ માટે મહિલાઓ આગળ આવે : સાયરસ મિસ્ત્રી
નવી દિલ્હી, 24 જૂન : ભારતના સૌથી જૂના બિઝનેસ જૂથ પૈકી એક ગણાતા અને વાર્ષિક 100 અબજ ડોલરનું ટર્નઓવર ધરાવતા ટાટા ગ્રુપના ચેરમેન સાયરસ મિસ્ત્રીએ મહિલા કર્મચારીઓની ટેલેન્ટના મહત્તમ ઉપયોગનાં મહત્વ પર ભાર મૂક્યો છે. તેમણે આ અંગે જણાવતા કહ્યું છે કે મહિલાઓ અમારા ગ્રુપમાં લીડરશિપની ભૂમિકાઓ વધારે સ્વીકારે એવું અમે ઈચ્છીએ છીએ.
ટાટા ગ્લોબલ બેવરેજીસ લિમિટેડ (ટીજીબીએલ)ના ચેરમેન તરીકે શેરહોલ્ડરોને પહેલી જ વાર સંબોધિત કરતાં મિસ્ત્રીએ કહ્યું કે મહિલાઓ વિશ્વવ્યાપી સ્તરે ટાટા ગ્રુપનો મહત્વનો હિસ્સો રહી છે. હું ઈચ્છું છું કે મહિલાઓ કર્મચારીઓ આવનારા વર્ષોમાં આપણા ગ્રુપમાં નેતૃત્વ સહિતની મહત્વની ભૂમિકાઓ ભજવે અને હોદ્દા સંભાળે, કારણ કે આપણી કંપની આપમેળે જ સમૃદ્ધ થઈ રહી છે. મને વિશ્વાસ છે કે મહિલાઓની આવી પહેલથી આપણા ગ્રુપની અન્ય કંપનીઓમાં પણ એવું ઉત્તેજન મળશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા રિટાયર થયા ત્યાર બાદ સાયરસ મિસ્ત્રીએ આ પદ સંભાળ્યું છે. ઓફિસોમાં સ્ત્રીઓને અપૂરતું પ્રતિનિધિત્વ અપાય છે એવી મિસ્ત્રીએ ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે ટાટા જૂથમાં નેતૃત્વ સંભાળવા માટે મહિલાઓ આગળ આવશે તો અમે તેમને પૂરો સહકાર અને મદદ આપીશું.