ગોધરા કાંડની વરસી : રાજીવ-મોદી વચ્ચે ભેદ કેમ?
અમદાવાદ, 27 ફેબ્રુઆરી : આજનો દિવસ યાદ છે કોઈને? અગિયાર વર્ષ અગાઉ ગુજરાતની આજની સવાર એક નવા અધ્યાય સાથે શરૂ થઈ હતી. નવો અધ્યાય એટલા માટે, કારણ કે ગુજરાત આ અગાઉ 1લી મે, 1960ના રોજ પોતાની સ્થાપના સાથે જ પૃથક રાજ્ય તરીકે પોતાનો પ્રથમ અધ્યાય તો શરૂ કરી ચુક્યુ હતું અને પછી તો નવનિર્માણ આંદોલન, રોટી રમખાણ, 1969ના રમખાણ, નર્મદા આંદોલન જેવા અનેક તબક્કાઓ સ્વરૂપે અનેક અધ્યાયો ચાલ્યાં અને ખતમ પણ થઈ ગયાં, પરંતુ 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાત સાથે જે નવો અધ્યાય જોડાયે, તેના મૂળિયા એટલા ઉંડા છે કે જેને આજે 11 વર્ષ તો શું, આવનાર 21-31 વરસ સુધી પણ ઉખેડી નહિં શકાય.
એ વાત બીજી છે કે ગુજરાત સામાન્ય રીતે કડવી યાદો ભુલાવી આગળ વધવામાં વિશ્વાસ ધરાવે છે, પરંતુ રાજકારણ એક એવી બલા છે કે જે સમયાંતરે આ મૂળિયાને અંકુરિત કરવા માટેના હવા-પાણી-ખાદ આપવની કોશિશ કરે છે. ફૈજાબાદથી અમદાવાદ માટે સાબમરતી એક્સ્પ્રેસ ટ્રેન પોતાના નક્કી સમય મુજબ કાયમની જેમ 27મી ફેબ્રુઆરી, 2002ના રોજની તે સવારે પણ ઝડપથી અમદાવાદ તરફ આગળ ધપી રહી હતી. ટ્રનમાં હજારો મુસાફરો હતો અને તેમાં જ તે કારસેવકો પણ હતાં કે જેઓ અયોધ્યા ખાતે રામ મંદિર સંકુલમાં કારસેવા કરી અમદાવાદ પરત ફરી રહ્યા હતાં. આ કારસેવકો આ ટ્રેનના એસ-6 ડબ્બામાં બેઠેલા હતાં, ત્યારે જ ગોધરા પાસે સિગ્લન ફળિયા વિસ્તારમાં એસ-6 ડબ્બો આગની જ્વાળાઓથી ઘેરાઈ ગયો અને તેમાં 59 કારસેવકો માર્યા ગયાં. તેને જ કહે છે ગોધરા કાંડ. તે પછી જે થયું, તે આખું ગુજરાત અને જે ન પણ થયું, તે પણ આખું દેશ જાણે છે.
આ અંગેનો વિવાદ હજુય તેમનો તેમ છે કે ગોધરા કાંડ હતું કે અકસ્માત? આજે આ મુદ્દે ચર્ચા કરવી એટલા માટે યોગ્ય છે, કારણ કે આજે તે બનાવને 11 વર્ષ થઈ ગયાં. 27મી ફેબ્રુઆરી, 2002ની સવારે જે થયું, તેણે ગુજરાતને એક નવો અધ્યાય આપ્યો. આગામી ચાર દિવસો એટલે કે 28મી ફેબ્રુઆરી, 1લી, 2જી અને 3જી માર્ચ સુધી ગુજરાત ભીષણ રમખાણોની આગમાં લપેટાયેલું રહ્યું, પરંતુ આજે અહીં ચર્ચાનો વિષય આફ્ટર ગોધરા નહિં, પણ બિફોર ગોધરા છે. ગોધરા કાંડ બાદ શું થયું? કેવી રીતે થયું? કેટલું થયું? તે અંગે તો ચર્ચાઓ અગિયર વરસથી થતી રહી છે, પરંતુ આ પ્રશ્નોના જે પ્રકારના રાજકીય જવાબો આવતા રહ્યાં અને જે રીતે એક વ્યક્તિ વિશેષ-એક સમૂહ વિશેષને નિશાન બનાવાયું, તેના પગલે બિફોર ગોધરા ઉપર વિચારવાની મજબૂરી ઊભી થઈ છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ગોધરા કાંડ અગાઉ આ દેશમાં કોઈ મોટો બનાવ બન્યો જ નથી કે જેના આટલા ગંભીર પ્રત્યાઘાતો પડ્યાં હોય? જોકે આ પ્રશ્નનો એક મહત્વનો જવાબ છે 1984ના શીખ વિરોધી રમખાણો. કોઈ પણ ભાજપી નેતા પાસે ગોધરા કાંડના જવાબમાં શીખ વિરોધી રમખાણો જ હશે, પરંતુ શું દિલ્હી અને પંજાબ તે બધુ ભૂલી આગળ નથી વધ્યાં? શું આખું દેશ અને પોતે શીખ સમુદાય આજે તે રમખાણો અંગે કોઈ હિન્દૂ કે કોઈ ખાસ કોંગ્રેસ નેતા વિરુદ્ધ ઝેર ઓકે છે? જો આખું દેશ ગોધરા કાંડ બાદ થયેલ ગુજરાત રમખાણો અંગે લજ્જિત થયુ હોય અને તે રમખાણો અંગે જે રીતે નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવાતા હોય, તો દેશ માટે તેટલા જ દોષી રાજીવ ગાંધીને પણ ગણવા જોઇએ.
લોકોને સારી રીતે યાદ હશે કે ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીએ શું કહ્યુ હતું. જ્યારે ઇંદિરા ગાંધીની હત્યા થઈ અને દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં શીખ વિરોધી રમખાણો ભડકી ઉઠ્યાં, ત્યારે રાજીવ ગાંધીએ જણાવ્યુ હતું, ‘‘જ્યારે કોઈ મોટો ઝાડ પડે, તો ધરતી હલે જ છે.'' જોકે તેના જવાબમાં તે વખતના વિપક્ષી નેતા અટલ બિહારી બાજપાઈએ ખૂબ જ ઠાવકાઈપૂર્વક જણાવ્યુ હતું, ‘‘રાજી ગાંધી હજી બાળક છે, તેને ખબર નથી કે જ્યારે ધરતી હલે, ત્યારે ઝાડ પડે છે.'' હવે જરા લગભગ 18 વર્ષ બાદ અપાયેલ નરેન્દ્ર મોદીનું નિવેદન જોઇએ. ગોધરા કાંડ એટલે કે 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ જ્યારે સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બામાં આગથી 59 કારસેવકોના મોત થયાં અને ગુજરાતમાં ભીષણ રમખાણો ભડકી ઉઠ્યાં, તો નરેન્દ્ર મોદીએ પ્રત્યાઘાત આપ્યા હતાં, ‘‘જ્યારે કોઈ ક્રિયા થાય છે, ત્યારે પ્રતિક્રિયા પણ થાય જ છે.'' અને એ પણ યાદ અપાવવની જરૂર નથી કે બાજપાઈ આ દોરમાં પણ સક્રિય હતાં અને તેમણે તેવી જ ઠાવકાઈ સાથે નરેન્દ્ર મોદીને પણ રાજ ધર્મ બજાવવાની શિખામણ આપી હતી.
અહીં ચર્ચાનો વિષય બાજપાઈ નથી, પણ રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદીનો દર્દ છે. શું રાજીવ ગાંધીના પ્રત્યાઘાત અને નરેન્દ્ર મોદીના પ્રત્યાઘાતમાં કોઈ બહુ મોટો ફર છે. બંને જ બનાવોમાં ભોગ તો લઘુમતીઓ જ બન્યા હતાં. થોડાંક લોકોના કૃત્યના કારણે સમાજના એક મોટા તબક્કાને ભોગવવું પડ્યું, પરંતુ રાજકારણના મેદાને રાજીવ અને મોદી વચ્ચે આટલો મોટો ભેદ કેમ? શું લોકો નથી જાણતાં કે નરેન્દ્ર મોદી તો માત્ર મુખ્યમંત્રી હતાં, જ્યારે રાજીવ ગાંધીએ જ્યારે નિવેદન આપ્યું, ત્યારે તેઓ દેશના વડાપ્રધાન હતાં. જ્યાં સુધી રમખાણોની જવાબદારીની બાબત છે, તો શીખ વિરોધી રમખાણો બાદ પણ તે વખતે દેશમાં રેકૉર્ડ બહુમતી સાથે કોંગ્રેસ સત્તામાં આવી હતી, તો ગુજરાતમાં પણ કંઇક આવું જ થયું. પછી રાજીવ અને મોદી વચ્ચે ભેદ કેમ? એક બાજુ દેશ શીખ વિરોધી રમખાણો ભુલાવી બહુ આગળ નિકળી ચુક્યો છે અને શીખ બહુમતી ધરાવદા રાજ્ય પંજાબ સુદ્ધામાં કોંગ્રેસ 1984 બાદ અનેક વખત પોતાની સરકાર બનાવી ચુકી છે, તો બીજી બાજુ ગુજરાતનો મુસ્લિમ સમુદાય પણ ધીમે-ધીમે એક પછી એક ચૂંટણીઓ દ્વારા એમ સંકેત આપી ચુક્યો છે કે તે 2002ના રમખાણોને ભૂલવા માંગે છે અને તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં મુસ્લિમ સમુદાયે નરેન્દ્ર મોદી તથા ભાજપના પક્ષે સારીએવી સંખ્યામાં મતદાન કરી તથા ચાલુ જ માસે થયેલ નગર પાલિકા ચૂંટણીઓમાં મુસ્લિમ બહુમતી ધરાવતી સલાયા નગર પાલિકામાં તમામ 27 બેઠકો પર ભાજપના ઉમેદવારોને જિતાડી પોતાની આ વિચારસરણીને મજબૂત કરવાનો સબૂત પણ આપી દીધો છે.
આ તમામ ચર્ચાનો સાર એટલો જ છે કે ગુજરાત જ્યારે પોતાના જખ્મો ભુલાવી આગળ વધી ચુક્યું છે, તો દેશના કેટલાંક લોકો, કેટલાંક રાજકીય પક્ષો આખરે ક્યાં સુધી નરેન્દ્ર મોદીને અસ્પૃશ્ય બનાવી રાખશે. એ યાદ અપાવવું જરૂર નથી કે લોકશાહીમાં આખરે બહુમતી જ બધુ ગણાય છે અને ગુજરાત મોદીના પક્ષે એક વાર નહીં, પણ ત્રણ-ત્રણ વાર બહુમતી આપી ચુક્યું છે, તો દેશ પણ તથાકથિત બિનસામ્પ્રદાયિક રાજકારણીઓ, તેમના પક્ષો અને તેમની સંકુચિત વોટ બૅંક આધારિત વિચારસરણીને ફગાવી નરેન્દ્ર મોદીના પક્ષે પોતાનો મડૂ દર્શાવી ચુક્યો છે. છેલ્લા કેટલાંક સર્વેમાં એ બાબત સ્પષ્ટ રીતે તરી આવી છે કે નરેન્દ્ર મોદી હાલ દેશમાં વડાપ્રધાન પદના સૌથી લોકપ્રિય ઉમેદવાર છે.
જો રમખાણો જ કોઈ વ્યક્તિના રાજકીય ભાવિને નક્કી કરવાનું માપદંડ હોય, તો પછી જે ન્યાય મોદી સાથે તોળાય છે, તે જ ન્યાય રાજીવ સાથે પણ થવો જોઇતો હતો. રાજીવ ગાંધી પણ તે જ પ્રજાના બળે દેશના વડાપ્રધાન બન્યા કે જેના આધારે લોકશાહી છે. તેવામાં જો નરેન્દ્ર મોદી આજે દેશના લોકપ્રિય નેતા હોય, તો પછી ગુજરાત રમખાણો અંગે તેમને જવાબદાર ઠેરવી પસ્તાળ પાડવાનું રાજકારણ ક્યાં સુધી યોગ્ય છે? નરેન્દ્ર મોદી પણ તે જ લોકશાહીના ભાગ છે કે જેના રાજીવ ગાંધી હતાં. જો રાજીવ ગાંધીને લોકોએ વડાપ્રધાન બનાવ્યાં, તો પછી નરેન્દ્ર મોદીના મામલામાં ગુજરાત રમખાણો કઈ રીતે વિઘ્ન બની શકે? અહીં સવાલોના ઘેરામાં માત્ર કોંગ્રેસ નહીં, પણ મોદીના કથિત ઘોર વિરોધી નીતિશ કુમાર પણ છે. આ તે જ નીતિશ કુમાર છે કે જેઓ આજ સુધી ગોધરા કાંડ બાદ થયેલ રમખાણોની પૂંછડી પકડી બેઠા છે અને જ્યારે પણ મોદીનું નામ આવે કે તરત જ નીતિશ કુમારનું નામ અનાયાસે જ ઉછળી જાય છે. એક બાજુ દેશની પ્રજાનો મિજાજ છે, તો બીજી બાજુ નીતિશની વોટ બૅંકની નાદાની. નીતિશ અંગે કહેવાય છે કે જો ભાજપ મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે, તો નીતિશ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડી લેશે. હવે જરા નીતિશ કુમારને પૂછવામાં આવે કે મુદ્દો જો રમખાણો અને તેની જવાબદારીનો જ હોય, તો શું તેઓ શીખ વિરોધી રમખાણો માટે કોંગ્રેસને પાક-સાફ ગણે છે? જો નહીં, તો પછી તેમના માટે કોંગ્રેસ પણ એટલી જ અસ્પૃશ્ય હોવી જોઇએ કે જેટલી ભાજપ કે મોદી. મોદીને આ મુદ્દે ઘેરનારાઓને કંઈ પણ કહેતા અગાઉ રાજીવ ગાંધીના આ નિવેદનને ખાસ યાદ કરવું જોઇએ.