''..મારે જો બે હાથ હોતને તો તમને નોકરીએ રાખત!"

Posted By:
Subscribe to Oneindia News

આજે સોશિયલ નેટવર્કિંગ સાઇટ અને સ્માર્ટફોનનો જમાનો છે. ક્યાંય પણ કોઇ ઘટના બને એટલે સમાજના સજાગ લોકો તેની તસવીર ખેંચીને તુરંત ફેસબુક કે ટ્વિટર પર પોસ્ટ કરી દે છે. લોકો સુધી આપણી અને લોકોની વાત પહોંચાડવાનું એ સારુ માધ્યમ છે. ફેંસબુકના ખિસ્સા ફંફોસતા મને આ વિરજીભાઇ કુંભારની મુકુલભાઇ જાની દ્વારા તસવીર સહીત કરવામાં આવેલી પોસ્ટ મળી આવી. વિરજીભાઇ કુંભારની તસવીર જોઇને અને મુકુલભાઇની તેમની સાથેની વાતચીત વાંચીને વનઇન્ડિયા તેના વાચકો સુધી વિરજીભાઇની ખુમારીને પહોંચાડી રહ્યું છે...

"મેં તો મોઢામોઢ કઈ દીધું સાયબ, કે મારે જો બે હાથ હોતને તો તમને નોકરીએ રાખત!"

''અરધા કપાયેલા ડાબા હાથના બાવડા અને છાતીની વચ્ચે લીલાં નાળિયેરને ભીંસ આપી, જમણા હાથે ધારદાર છરી પકડીને વિરજીભાઇ પોતાનો આક્રોશ જાણે આ નાળિયેર પર ઉતારી રહ્યા હતા. વાત જાણે એમ હતી કે પાછળ દેખાતી આ આલિશાન સ્કૂલમાં જ્યારે આ વિરજીભાઇ નોકરી માગવા ગયા ત્યારે સંચાલકોએ કહ્યું કે તમારે બે હાથ હોત તો નોકરીએ રાખત, ને એના જવાબમાં વિરજીભાઇ ઉપરનો ડાયલોગ ખુમારીથી સૂણાવી આવેલા!

આજે સાંજે મારા દીકરાને લેવા સ્કૂલે ગયો ત્યારે ત્યાં આ વિરજીભાઇ કુંભાર ભટકાઇ ગયા. ઉંમર આશરે પચાસની આસપાસ. કોઇ કારખાનામાં કામ કરતાં મશીનમાં હાથ આવી ગયેલો ને હાથની સાથે એ નોકરી પણ ગુમાવેલી. પછી જીંદગીનું ગાડું ગબડાવવાની જદ્દોજેહદ ચાલી જેમાં મોટાભાગની જગ્યાએથી નિરાશા સાંપડી! છેવટે આ લીલાં નાળિયેરની રેંકડી કરી.

લીલાં નાળિયેરને કાપવું એ બે હાથવાળાને માટે પણ કેટલું કપરું કામ છે એ જેણે અનુભવ લીધો હશે એને ખબર હશેજ! છરી એકદમ ધારદાર જોઇએ. છાતી અને બાવડા વચ્ચે ભીંસાયેલા નાળિયેર પર છરી ચલાવતી વખતે ખમીસના ડાબી બાંય અને છાતી પરનું ખીસ્સું છરીના છરકા લાગવાથી કપાયેલાં સ્પષ્ટ રીતે દેખાતાં હતાં. ક્યારેક છટકીને બાવડા પર કે છાતી પર પણ છરકો પડી જતો હશે, પણ વિરજીભાઇ વટ્ટથી ધંધો કર્યે જાય છે!

ક્યારેક રાજકોટમાં ક્યાંક આ વિરજીભાઇ દેખાઇ જાય તો એની રેંકડીએથી એક લીલું નાળિયેર પીજો, એનાથી વિશેષ કાંઇ કરવાની જરૂર નથી કારણ કે વિરજીભાઇને એ મંજૂર નથી!''

virjibhai
English summary
If i have two hand, than i will give you job: Virjibhai khumbhar

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.