• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ના, મારું 'સ્વતંત્ર' ભારત 'આઝાદ' નથી!

By Super
|
Google Oneindia Gujarati News

15મી ઑગસ્ટ આવતા જ દેશના મોટેરાથી માંડીને યુવાનો અને ભુલકાઓમાં એક દેશ ભક્તિનો માહોલ જાગી ઉઠે છે. ટીવી ચેનલ્સ હોય કે પછી રેડિયો આપણને દેશ ભક્તિ સાથે જોડાયેલી વાતો અને ગીતો સાંભળવા મળે છે. લોકોના મોઢે દેશ કાજે થયેલા શહીદોની વાતો વહેતી જોવા મળે છે, આપણા કહેવાતા રાજ નેતાઓ વિવિધ સ્થળો પર હાજરી આપી દેશના તિરંગાને સલામી આપશે અને દેશવાસીઓ કાજે વર્ષોથી ચાલ્યો આવતો સંદેશો વહેતો કરશે. પણ....આજે હું એ રાજનેતાઓ...એ સ્વંત્રતાની વાત નહીં કરું જે માત્ર દેશ સાંભળી રહ્યો છે, અનુભવી રહ્યો નથી. આજે ખરેખર દેશ સ્વતંત્ર છે પરંતુ આઝાદ નથી.

તમને કદાચ લાગતું હશે કે દેશ આઝાદ છે પણ સ્વતંત્ર નથી એમ કેમ? તો તમારા મનમાં ઉઠી રહેલી આ મુઝવણોને ઓછી કરતા જણાવી દઉ કે, 15 ઑગસ્ટ 1947ના રોજ આઝાદ થયેલા ભારતનો આ 67મો સ્વાંત્ર્ય દિવસ છે. 67 વર્ષ પહેલા દેશા સપુતો દ્વારા દેશ કાજે જીવ હથેળી પર લઇને ચલાવવામાં આવેલા અભિયાન અને ચળવળોના કારણે આપણે ચોક્કસપણે અંગ્રેજોના ચુંગલમાંથી આઝાદ થયા પરંતુ શું આપણે ખરેખર આઝાદ થયા છીએ. કદાચ નહીં, કારણ કે, જે આઝાદીનો અનુભવ ભારતીયોએ કરવો જોઇતો હતો, તે આજે છિનવાઇ ગયો છે. આજે અનેક મોરચે દેશની સ્વંત્રતા જોખમાઇ ચૂકી છે.

ભ્રષ્ટાચાર, મોંઘવારી હોય કે પછી જાતિવાદ, હિંસા હોય કે પછી મહિલા અત્યાચાર કે પછી આતંકવાદી હરકતો અથવા તો સરહદ પર સર્જાયેલો તણાવ આપણને દેશમાં આઝાદીનો શ્વાસ નથી લેવા દેતો. સવારમાં ઉઠતાંની સાથે જ આપણી આંખો સમક્ષ પહેલા સમાચાર એ આવી જાય છે કે, આજે દેશમાં આ વસ્તુ થઇ મોંઘી. પ્રજા હજું પેટ્રોલના મારને સહન કરી જ રહી હતી ત્યાં દિલ્હીમાં ડુંગળીના વધેલા ભાવે દિલ્હીના મધ્યમ અને ગરીબ વર્ગની સાદું ભોજન ખાવાની આઝાદી પર તરાપ મારી. એક તરફ દેશ વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે તો બીજી તરફ આજ દેશના કહેવાતા લોક નેતાઓ દ્વારા એ હદે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે કે સાચા ભારતીયનું શીશ શરમથી ઝુકી ગયું છે. દેશ એ હદે ભ્રષ્ટચારથી ખરડાયેલો છે કે વિકાસના પથ પર દેશ આઝાદીની પળ માણી રહ્યો નથી. આ તો એ બે બાબતો છે જે આપણને દરરોજ આંખોમાં ખુંચતી આવી છે અને સતત આપણને એ વાતનો અહેસાસ કરાવતી રહે છે કે જે આઝાદીની આપણે ઉજવણી કરી રહ્યાં છીએ એ માત્ર એક આભા છે.

મોંઘવારી

મોંઘવારી

આજનો સૌથી ટોચનો જો કોઇ મુદ્દો હોય તો એ છે મોંઘવારીનો. દેશમાં વિકાસનો જે ગ્રોથ ગ્રાફ છે તેના કરતા મોંઘવારીનો ગ્રાફ ચોક્કસપણે ઉંચો હશે. એવી એકપણ વસ્તુ નથી કે જેને મોંઘવારી અસર ના પહોંચી હોય. આપણી સરકાર દ્વારા સતત એ ઠાલા નિવેદનો અને આશ્વાસન કરવામાં આવી રહ્યું છે કે, મોંઘવારી ઓછી થશે, પરંતુ તેમણે એકપણ એવું મજબૂત પગલું ભર્યું નથી કે આપણામાં એક આશાનું કિરણ જન્માવે કે હાશ હવે તો મોંઘવારી ઓછી થશે. સામાન્ય જીવનમાં જરૂરી એવી તમામના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેનો તાજો દાખલો દિલ્હીમાં જે હદે ડુંગળીના ભાવ ભડકે બર્યા છે. આજે દિલ્હીમાં 80 કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને જેના કારણે મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારનું બજેટ ખોરાવાઇ ગયું છે.

ભ્રષ્ટાચાર

ભ્રષ્ટાચાર

ભારત એક એવું રાષ્ટ્ર બની ગયું છે કે જ્યાં વિકાસ થાય કે ના થાય પરંતુ ભ્રષ્ટાચાર તો થાય છે. દરરોજ વિકાસનું કામ આગળ વધે કે ના વધે પરંતુ દરરોજ કરોડો અને અબજો રૂપિયાના ભ્રષ્ટાચારની ફાઇલ જરૂરથી આગળ વધે. ભ્રષ્ટાચારના દલદલમાં દેશ એ રીતે ખુંચી ગયો છે કે નાનામાં નાના કર્મચારીથી માંડીને દેશના ટોચના રાજકારણીઓ સહિતના લોકો ભ્રષ્ટાચારી બની ગયા છે. જો હાલના તકે ભ્રષ્ટાચારીઓની ગણતરી કરવામાં આવે અને એકત્ર કરવામાં આવે તો નિશંક પણે ભ્રષ્ટનગરી નામે એક આખું શહેર ઉભૂ થઇ શકે છે. આપણા જ કામ માટે આપણે ખોટી રીતે ખોટા લોકોને નાણા ચુકવવા પડી રહ્યાં છે, જે વસ્તું મેળવવાનો આપણો અધિકાર છે એ જ મેળવવા માટે આપણે ભ્રષ્ટ લોકોને લાંચ આપવી પડી રહી છે, તેમ છતાં આપણે મન મોટું કરીને કહીંએ છીએ કે હા અમે આઝાદ ભારતીય છે.

આતંકવાદ

આતંકવાદ

એક અમેરિકા છે અને એક ભારત છે. ચોક્કસપણે અમેરિકાએ જ્યારે આતંકવાદ સામે યુદ્ધ છેડ્યું ત્યારે વિશ્વભરમાં તેની આ ચળવળનો વિરોધ થયો, પરંતુ આજે એ જ અમેરિકામાં લોકો સુકુનના શ્વાસ લઇ રહ્યાં છે, જ્યારે બીજી તરફ ભારત છે કે જ્યાં દરરોજ નાગરીકોમાં એક નાનો અમથો ભય જન્મ લેતો હોય છે કે ખુશીના માહોલમાં ક્યાંક દેશના ખુણે કોઇ આંતકવાદી હિંસા ના થાય. દેશ એક તરફ આઝાદીનો જશ્ન મનાવવા જઇ રહ્યો છે, તો બીજી તરફ દેશ આતંકના ખૌફ નીચે જીવી રહ્યો છે. એક પણ એવો ખુશીભર્યો તહેવાર કે ઉજવણી દેશમાં નહીં મનાતી હોય કે જેને લઇને કોઇ આતંકવાદી હુમલાની દહેશત વ્યક્ત કરવામાં ના આવી હોય. જો ભારત પણ આતંકવાદ મુદ્દે કોઇ મજબૂત પગલા ભરે અને તેમને એક આકરો સંદેશો કે પછી જવાબ આપે તો નિશ્ચિત આપણે પણ તહેવારોની ઉજવણી વેળા આઝાદીની અનુભૂતિ કરી શકીશું.

જાતિવાદ

જાતિવાદ

આજનો બીજો એક મહત્વનો મુદ્દો હોય તો તે જાતિવાદનો છે. આમ તો આપણે મોર્ડનાઇઝેશનની પાછળ આંધળી દોડ મુકી રહ્યાં છીએ અને સતત કહેતા રહીએ છીએ કે હા અમે એક છીએ, ભારત લોકશાહીમાં માને છે અને અહીં તમામ નાગરીકનો એક સરખો અધિકાર છે, તેમ છતાં ક્યાંકને ક્યાંક આપણને એ અહેસાસ પણ અચુક થતો રહે છે કે હજુ પણ કેટલાક તત્વો દ્વારા જાતિવાદને મહત્વ આપવામાં આવી રહ્યું છે, જે સામાન્ય રીતે આપણી આઝાદીનું હનન સમાન છે.

હિંસા

હિંસા

મહાત્મા ગાંધીએ દેશની આઝાદી માટે અહિંસાનો મંત્ર વહેતો કર્યો હતો. તેઓ હંમેશા અહિંસામાં માનતા આવ્યા અને તેમના આ સૂત્રને અનેક દેશો અને લોકોએ ગ્રહણ પણ કર્યું, તેમ છતાં જે આઝાદી મેળવવાની ચળવળની શરૂઆત હિંસાથી થઇ હતી અને અહિંસા પર અટકીને ભારતને પહેલીવાર આઝાદીના શ્વાસ લેવડાવ્યા હતા એ જ દેશમાં સમયાંતરે હિંસક ઘટનાઓ ઘટતી જોવા મળે છે. ક્યાંક કોઇ સમૂદાય તેમાં જોડાયેલું હોય છે તો ક્યાંક કોઇ રાજકીય પક્ષ. એથી પણ વધુ મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં બીજા રાજ્યના લોકોને રહેવા અને કમાવાની સ્વતંત્રતા નથી. જો ત્યાં કોઇ ગુનો થાય અને તેમાં અન્ય રાજ્યના ખાસ કરીને યુપી-બિહારના લોકોનું નામ આવે તો મી મરાઠી, માઝુ મહારાષ્ટ્ર કરીને શિવસેના કે મનસેના કાર્યકર્તાઓ તેમની પર એ રીતે તૂટી પડે છે કે જાણે એ લોકો ભારતમાંથી નહીં પરંતુ વિદેશમાંથી આવ્યા છે અને તેમનો ઉદ્દેશ્ય રાજ્યની શાંતિ ડહોળવાનો છે.

મહિલા અત્યાચાર

મહિલા અત્યાચાર

મહિલા અત્યાચાર આજના દિવસનો એક એવો સળગતો મુદ્દો છે કે જેને લઇને અનેકવાર દેશની છબી વિશ્વફલક પર ખરડાઇ છે. દિલ્હીની ઘટના હોય કે પછી અન્ય રાજ્યમાં મહિલાઓ પર કરવામાં આવતી હિંસક વારદાતો હોય, દેશે અને એક ભારતીયએ સતત શર્મસાર થવું પડ્યું છે. બળાત્કાર, છેડતી, એસિડ એટેક દેશમાં એ રીતે પ્રવર્તી રહ્યા છે કે જાણે દેશમાં કોઇ કાયદો અને વ્યવસ્થા નથી. આજે માહોલ એ સર્જાયો છે કે જે આઝાદ ભારતમાં મહિલાઓ સ્વતંત્રનો શ્વાસ નથી લઇ રહી અને સતત એક ભય અને ખૌફની વચ્ચે જીવી રહી છે.

બાળ શોષણ

બાળ શોષણ

જે રીતે ભારતમાં મહિલા શોષણ અને અત્યાચાર એક મહત્વની સમસ્યા બની ગયું છે તેવી જ રીતે છાશવારે આપણને બાળ અત્યાચાર અને શોષણના સમાચાર પણ સાંભળવા મળવા મળતા રહે છે. આ એક એવુ દુષણ છે જે સતત દેશને પોતાના જાળામાં ફસાવી રહ્યું છે. જે બાળને પોતાનું શાનદાર બાળપણ માણવું જોઇએ તે ક્યાંકને ક્યાંક શોષણના દલદલમાં ડુબી ગયું છે.

સરહદ અને ઘુસણખોરી

સરહદ અને ઘુસણખોરી

ભારત ચીન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સરહદથી ઘેરાયેલો દેશ છે. એક તરફ ચીન છે, જે સતત પોતાની સેનાને ભારતીય સરહદ પર ઘુસણખોરી કરાવી રહ્યું છે તો બાંગ્લાદેશમાંથી અસામાજિક તત્વોને ચોરીછૂપી ભારતમાં ઘૂસી રહ્યાં છે. તો પાકિસ્તાન તરફથી સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, આપણી સેનાના જવાનોને ગદ્દારી કરીને શહીદ કરવામાં આવી રહ્યા છે અને આતંકવાદીઓને ભારતમાં ઘુસેડવામાં આવી રહ્યાં છે. દરેક દેશવાસી એ વાત જાણે છે કે ભારતીય સેનામાં કેટલી શક્તિ અને સામર્થ્ય છે, પરંતુ નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલા રાજકારણના કારણે સેના પાંગળી પુરવાર સાબિત થઇ રહી છે, જે સૈનિક દેશ કાજે અને દેશના નાગરીકોની આઝાદી કાજે સરહદ પર તેનાત છે તે નેતાઓના રાજકીય દાવપેચમાં સલવાઇ ગયો છે.

English summary
Today our nation celebrating 67th independence day but terrorism, corruption, inflation real problem.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X