For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંખો મળી પણ દિલ ન મળ્યા... આવી હતી શિષ્ય-ગુરુની મુલાકાત

By રાકેશ શુક્લ
|
Google Oneindia Gujarati News

થોડાક દિવસ પહેલાં એટલે કે 13 સપ્ટેમ્બર 2013ના રોજ સાંજે પાંચ વાગ્યા પછી દેશની બીજી સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા એક શાનદાર સ્ક્રિપ્ટ દેશ સમક્ષ રજૂ કરવામાં આવી. પક્ષના પ્રધાનમંત્રી પદના ઉમેદવારના તર્જ પર બનેલી આ ફિલ્મનું મુખ્ય પાત્ર નરેન્દ્ર મોદી અને વિલન પાત્ર તરીકે રજૂ કરવામાં આવ્યા લાલકૃષ્ણ અડવાણી. કંઇક આવી જ રીતે વધુ એક સ્ક્રિપ્ટનું સર્જન ગઇ કાલે પક્ષના વરિષ્ઠ નેતા અને દેશના ટોચના વકીલ રામ જેઠમલાણીના જન્મ દિવસે.

પક્ષના વરિષ્ઠ નેતાની નારાજગીને અવગણીને પણ કેટલાક નેતાઓએ દિલથી (અરૂણ જેટલી અને રાજનાથ સિંહ સહિતના નેતાઓ) તો કેટલાક નેતાઓ (સુષમા સ્વરાજ અને મુરલી મનોહર જોશી સહિતના અમુક નેતાઓ)એ ગુજરાતના વિકાસપુરુષ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દીધાં. આ સાથે જ શિષ્ય અને ગુરુ વચ્ચેનો વિખવાદ આસમાને પહોંચી ગયો. જે શિષ્યના ગુણગાન ગાતાં-ગાતાં જે ગુરુનું મોઢું થાકતું નહોતું, તે અચાનક જ એ શિષ્યની સામે યુદ્ધે ચઢ્યાં. પક્ષમાં પોતાનું જે કદ છે અને પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓની પોતાના પ્રત્યેની ભાવનાને હથિયાર બનાવીને લાલકૃષ્ણ અડવાણીએ પોતાના તમામ દાવ ખેલી લીધા, પરંતુ ગુરુ પાસેથી જ આ બધાં હથકંડા શીખીને રાજકારણના ટોચના શિખર પર પહોંચેલા મોદીએ તેમને માત આપી અને તેમની વચ્ચેનો તણાવ વધુ ગાઢ બની ગયો.

પક્ષના બન્ને કદાવર નેતા વચ્ચે જે વિવાદ છે, તે કેટલો ગાઢ થઇ ગયો છે અને બન્ને વચ્ચે કેટલી હદે દૂરી આવી ગઇ છે, તે રવિવારે રામ જેઠમલાણીના જન્મ દિવસે યોજવામાં આવેલી એક પાર્ટીમાં જોવા મળી. રામ જેઠમલાણી કે જેઓ શરૂઆતથી જ નરેન્દ્ર મોદીને પક્ષના પ્રધાનમંત્રી પદના દાવેદાર માનતા આવ્યા છે, તેમણે પોતાના ઘરે યોજેલી આ પાર્ટીમાં મોદી અને અડવાણી બન્નેને આમંત્રણ આપ્યું હતું. જેઠમલાણી બન્ને નેતાની અત્યંત નજીક હોવાથી અનિચ્છાએ પણ આ બન્ને નેતા પાર્ટીમાં પહોંચ્યા હતા. અડવાણી પાર્ટીમાં થોડા વહેલા આવ્યા હતા, જ્યારે મોદી પોતાની રેવાડીની સભાને પૂર્ણ કરીને જેઠમલાણીના ઘરે પહોંચ્યા હતા. મોદી જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે અડવાણી એક ખુરશી પર બેઠાં હતા. મોદી અન્યોને મળવાની ઔપચારિકતા પૂર્ણ કરીને સીધા અડવાણીને મળવા પહોંચી ગયા. એક સામાન્ય રીતે નીહાળીએ તો આ એક સાધારણ મુલાકાત હતી, જે એક પાર્ટીનો નેતા પોતાના પક્ષના વરિષ્ઠ નેતાને મળી રહ્યો હતો, પરંતુ બીજી દ્રષ્ટિએ જોવામાં આવે તો એ મુલાકાત ઘણું બધું કહીં જતી હતી.

મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં ના આવે તે માટે અડવાણીએ અનેક ધમપછાડાં કરી લીધા હતા અને મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા બાદ આ પહેલી મુલાકાત હતી જે જાહેરમાં થઇ રહી હતી. તેથી સ્વાભાવિક પણે બધાની નજર આ બન્ને કદાવર નેતા પર હોય. થયું પણ એવું જેવું રાજકીય તજજ્ઞો વિચારી રહ્યાં હતા. મોદી પોતાના એક સમયના શુભચિંતક અને ગુરુ સમા અડવાણીને મળવા ગયાં. મુલાકાત પણ થઇ, પરંતુ આ મુલાકાતમાં એ ઉષ્ણતા કે સહજતાના જરા પર દર્શન થઇ રહ્યાં નહોતાં, જે પહેલાં જ્યારે આ બન્ને નેતાઓ એકબીજાને મળતાં અને ભેટતાં હતાં ત્યારે થતાં હતાં. મોદી, અડવાણીને પગે લાગી પોતાનો ધર્મ નિભાવ્યો, પરંતુ અડવાણીએ પોતાના તરફથી માત્ર ઔપચારિકતા દર્શાવી મોદી સાથે મુલાકાત કરી.

સ્થિતિને જાણીને મોદીએ અડવાણીની બાજૂમાં બેસવાનું ઉચિત ના સમજ્યું અડવાણીની બાજુંમાં જેઠમલાણી અને તેમની બાજુંની ખુરશીમાં બેસવાનું યોગ્ય સમજ્યું. આ અવસ્થામાં આ બન્ને નેતા અંદાજે 20 એક મિનિટ સુધી બેઠાં હતાં. આ 20 મિનિટ જાણે કે 20 વર્ષ સમી હોય તેવું વાતાવરણ એ સમયે સર્જાયું હતું. બન્ને વચ્ચે માત્ર એક વ્યક્તિનું અંતર હતું, છતાં આ અંતર એક યુગ સમો બની ગયું હતું. જાણે કે બન્નેની મુલાકાત કંઇક આવી બની ગઇ હતી, આંખો મળી પણ દિલ નથી મળ્યા.... આવી હતી ગુરુ-શિષ્યની ‘અ-મુલાકાત'.

આવી રીતે લખાઇ જેઠમલાણીના જન્મ દિવસની સ્ક્રિપ્ટ

આવી રીતે લખાઇ જેઠમલાણીના જન્મ દિવસની સ્ક્રિપ્ટ

મોદીને જ્યારથી પક્ષ દ્વારા પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઘોષિતનું નક્કી કરવામાં આવ્યું ત્યારથી અડવાણી, મોદીનો વિરોધ કરી રહ્યાં હતા અને તેના કારણે પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ અડવાણી-મોદી વચ્ચેના તણાવની અસર કદાચ જોવા મળી શકે તે અણસાર પાર્ટીને આવી ગયો હતો. જેને જોતા જેઠમલાણીના 90માં જન્મદિવસે એક ખાસ પ્રકારની સ્ક્રિપ્ટની રચના કરવામાં આવી. જેમાં એક સમયના મિત્ર અને હાલના દુશ્મન એવા આ બન્ને નેતાઓ પાર્ટીમાં હાજર રહે અને તેમના વચ્ચે કોઇપણ પ્રકારનો આંતરિક તકરાવ નથી તેવો સંદેશો વહેતો થાય, પરંતુ જે રીતે આ બન્ને નેતા મળ્યાં તેના પરથી પક્ષ અને જેઠમલાણી દ્વારા જેવું વિચારવામાં આવ્યું હતું, તેના કરતાં વિપરીત થયું. બન્ને નેતા એકબીજાને મળ્યા પરંતુ અડવાણી તરફથી એ ઉષ્ણતા અને મોટાપણાના દર્શન આ પાર્ટી દરમિયાન જોવા મળ્યા નહોતા.

જેઠમલાણી છે મોદીના શુભચિંતક

જેઠમલાણી છે મોદીના શુભચિંતક

એ વાતમાં જરા પણ બે મત નથી કે, જ્યારે પક્ષ દ્વારા નરેન્દ્ર મોદીને લઇને કોઇ નિર્ણય કરવામાં નહોતો આવી રહ્યો, ત્યારે પક્ષના આ વરિષ્ઠ નેતા દ્વારા સતત મોદીના નામનો ઉલ્લેખ કરવામાં આવતો હતો અને તેઓ જાહેરમાં મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવે તે વાત કહેતા રહેતા હતા. જ્યારે પણ તક મળતી તેઓ મોદી દ્વારા કરવામાં આવેલા કામનો ઉલ્લેખ કરીને તેમને આગામી લોકસભા ચૂંટણી 2014 માટેના પક્ષના પ્રબળ દાવેદાર ગણતા હતા. ત્યારે સ્વાભાવિક છે કે, જ્યારે મોદીને પાર્ટી દ્વારા સર્વાનુમતે(અડવાણીને બાદ કરતા) પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે જેઠમલાણીના ચહેરા પર ખુશી છવાય અને એ વાત પણ સ્વાભાવિક છે કે, જેઓ સતત પોતાના માટે શુભચિંતકની ભૂમિકા નિભાવી રહ્યાં છે, તેમના દ્વારા યોજવામાં આવેલી જન્મ દિવસની પાર્ટીમાં મોદી હાજરી આપે.

અડવાણીને હવાલા કેસમાંથી ઉગાર્યા હતા જેઠમલાણીએ

અડવાણીને હવાલા કેસમાંથી ઉગાર્યા હતા જેઠમલાણીએ

બીજી એક મહત્વની વાત એ પણ છે કે, મોદીને પ્રધાનમંત્રીના ઉમેદવાર ઘોષિત કરવામાં અને મોદીને ખુલ્લું સમર્થન કરનારા અન્ય કોઇ દ્વારા આ પ્રકારની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોત તો કદાચ અગાઉની જેમ પોતાના સ્વાસ્થ્યનું બહાનું આગળ ધરીને અડવાણી હાજર રહ્યાં ના હોત, પરંતુ જેઠમલાણી તેમના માટે વિશેષ મહત્વ ધરાવે છે. જ્યારે હવાલા કેસમાં અડવાણી ફસાયાં હતાં ત્યારે અડવાણી માટે એક સકંટમોચકની ભૂમિકા આ જ જેઠમલાણીએ ભજવી હતી. જેઠમલાણીએ ધારદાર દલીલ કરીને અડવાણીને હવાલા કેસમાંથી છોડાવ્યા હતા. તેમજ એવું પણ માનવામાં આવે છે કે, સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલી દલીલોમાં જેઠમલાણીએ જે દલીલો અડવાણી માટે હવાલા કેસમાં કરી હતી તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે સ્વાભાવિક બને છે કે, પોતાના માટે સંકટમોચક બનેલા જેઠમલાણી દ્વારા આ પ્રકારની પાર્ટીનું આયોજન કરવામાં આવે ત્યારે તેઓ અચૂકપણે હાજરી આપે.

ગુરુ-શિષ્યની ‘અ-મુલાકાત’

ગુરુ-શિષ્યની ‘અ-મુલાકાત’

તમને કદાચ થતું હશે કે ગુરુ-શિષ્યની અ-મુલાકાત એમ શા માટે લખવામાં આવ્યું, પરંતુ જ્યારે કોઇને તમે મળવા ન ઇચ્છતાં હોવાં છતાં પણ ઉભી થયેલી સ્થિતિના કારણે તમારે અનિચ્છાએ પણ તેમને મળવું પડે ત્યારે એ મુલાકાતમાં એવો આનંદ અને ઉલ્લાસ જોવા નથી મળતો જે તમે તેને મળવા ઇચ્છતાં હોવ અને મળો. આવું જ કંઇક અડવાણી અને મોદી વચ્ચે રવિવારે જેઠમલાણીની પાર્ટી દરમિયાન થયું હતું. બન્ને નેતા એકબીજાને મળ્યા હતા, પરંતુ અડવાણીના હાવભાવ પરથી એ વાત સ્પષ્ટ પણે ઉડીને આંખે વળગી રહી હતી કે તેઓ મોદીને મળવા માગતા નથી, પરંતુ આ પળ એવા છે કે તેમને ના છૂટકે મોદીને મળવું પડી રહ્યું છે.

English summary
Modi and Advani ignores each other at Ram Jethmalani's birthday party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X