સોનિયાના ડોઢ દાયકા : વધુ વકર્યો ન રુઝાતો ઘા
અમદાવાદ, 16 માર્ચ : સીતારામ કેસરીની વિદાય થઈ અને ફરી એક વાર ગાંધીનો વારસો કોંગ્રેસ સાથે જોડાઈ ગયો. સોનિયા ગાંધી તરીકે કોંગ્રેસને સાત વરસ બાદ ફરી એક વાર ગાંધીનો વારસો મળ્યો. મુંઝવણો વધુ હતી, તો આશાઓ પણ ખૂબ હતી. મહેનત રંગ લાવી અને છ વરસ બાદ જ દિલ્હીના સિંહાસને કોંગ્રેસનો કબ્જો થઈ ગયો. ભલે સોનિયા ગાંધી વડાપ્રધાન ન બની શક્યાં. અનેક રાજ્યોમાં પાર્ટીનો વ્યાપ વધ્યો, પરંતુ જ્યાં સુધી ગુજરાતનો પ્રશ્ન છે, તો આ રાજ્ય કોંગ્રેસ માટે 1989થી ન રુઝાતો ઘા બની રહ્યું છે, તો બીજી બાજુ સોનિયા કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ તો આ ઘા વધુને વધુ ઊંડો થતો ગયો છે.
રામબાણ સાબિત થશે રાહુલ રૂપી મલમ?
કોંગ્રેસ અધ્યશ્ર તરીકે સોનિયા ગાંધીએ ગત ગુરુવારે 15 વર્ષ પૂર્ણ કર્યાં અને આ દરમિયાન ગુજરાતનું ચૂંટણી મેદાન તેમના માટે કાયમ ન રુઝાતો ઘા જ રહ્યું છે. એટલું જ નહીં, હવે આ ઘા નરેન્દ્ર મોદી તરીકે સોનિયા ગાંધીના નાક સુધી પહોંચી ગયો છે. આ ઘાને દબાવવા માટે રાહુલ ગાંધી સ્વરૂપે મલમ તૈયાર કરાયું છે. રાહુલને કોંગ્રેસ ઉપાધ્યક્ષ બનાવી સોનિયાએ એક બાજુ પક્ષના આગામી પ્રમુખ તરીકેનો ઇશારો કરી આપ્યો છે, તો બીજા બાજુ એ પણ સ્પષ્ટ છ કે જો 014માં દેશમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ સરકાર બને, તો વડાપ્રધાન રાહુલ ગાંધી જ બનશે, પરંતુ જે રીતે નરેન્દ્ર મોદી રૂપી ન રુઝાતો ઘા ગુજરાતમાંથી નિકળી હવે દિલ્હી સુધી પહોંચી નાકે દમ કરી રહ્યો છે અને જે રીતે મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ દેશમાં સતત ઊંચો જાય છે, તે જોતાં સવાલ એ જ ઊભો થાય છે કે શું રાહુલ રૂપી મલમ મોદી રપી નાસૂર સામે રામબાણ ઇલાજ સાબિત થશે?
ગાંધીની જન્મભૂમિએ જ પસ્ત
સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે 14મી માર્ચ, 1998ના રોજ હોદ્દો સંભાળ્યો. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયાના ડોઢ દાયકાનો સમયગાળો દિલ્હીથી માંડી અનેક રાજ્યોમાં ઉતાર-ચડાવ ભર્યો રહ્યો. કભી ખુશી-કભી ગમનું મિશ્રણ રહ્યું, પરંતુ ગુજરાતે સોનિયાના ચહેરે સ્મિત ઓછું, દુઃખ વધુ પાથર્યો. ગાંધીનો વારસો સાચવનાર કોંગ્રેસ પાર્ટી મહાત્મા ગાંધીની જન્મભૂમિએ જ નિષ્ફળતાઓની કેડીઓ કંડારતી ગઈ.
કરિશ્મા ઉપર ભારે સ્થાનિક નિષ્ફળતાઓ
સ્થાનિક કોંગ્રેસની નિષ્ફળતાઓ સોનિયાના કરિશ્મા ઉપર હંમેશા હાવી રહી છે. સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતમાં લોકસભાની 3 અને વિધાનસભાની 3 ચૂંટણીઓ થઈ, પરંતુ કોઈ પણ ચૂંટણીમાં કોંગ્રેસ ક્યારેય ભાજપ ઉપર ભારે સાબિત ન થઈ શકી. 1998ની લોકસભા ચૂંટણીઓમાં કોંગ્રેસની દુર્દશા બાદ સોનિયાએ તે જ વર્ષે 14મી માર્ચના રોજ પ્રમુખ પદ સંભાળ્યું. સોનિયાએ કાર્યભાર સંભાળ્યા બાદ 1999માં લોકસભાની ચૂંટણી થઈ કે જેમાં કોંગ્રેસને બહુમતી મળી નહીં, તો ગુજરાતમાં 26માંથી માત્ર 6 બેઠકો જ મળી. ભાજપને 20 બેઠકો હાસલ થઈ. પછી 2002માં ગુજરાત વિધાનસભા ચૂંટણી થઈ. તેમાં પણ કોંગ્રેસને કારમો પરાજય મળ્યો અને ભાજપે બે તૃત્યાંશ બહુમતી હાસલ કરી. એવું નથી કે સોનિયાએ ગુજરાત માટે મહેનત નહોતી કરી. ઝંઝાવતી પ્રવાસો કર્યો, સભાઓ કરી, પ્રજા વચ્ચે ગયાં, દાંડી યાત્રા પણ કાઢી, પરંતુ પરિણામ શૂન્ય જ રહ્યું.
રાહત, પછી આફત
જોકે 2002માં વિધાનસભાની ચૂટંણીમાં પરાજય બાદ સોનિયાએ ગુજરાત માટે મહેનત ચાલુ જ રાખી. જેટલાં પ્રયત્નો સોનિયાએ કર્યાં, કદાચ સ્થાનિક નેતાઓમાં એટલો જોશ નહોતો. આમ છતાં 2004ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાલત સુધરી. આ વખતે પાર્ટીએ 26માંથી 12 બેઠકો કબ્જે કરી. છતાં તે ભાજપ કરતાં પાછળ જ રહી. જોકે 1999 કરતાં આ પરિણામો રાહતજનક હતાં. સ્થાનિક નેતાઓ વિચારી લીધું કે હવે વિધાનસભા ચૂંટણી 2007માં પણ ફતેહ નક્કી છે, પરંતુ કદાચ તેઓ નહોતા જાણતાં કે સોનિયાના કરિશ્મા ઉપરાંત પણ ઘણું બધું કરવાની જરૂર હતી. સોનિયાએ પોતાની રીતે પુરતા પ્રયત્નો કર્યાં. ડઝનબંધ સભાઓ કરી. રાહુલ ગાંધીએ રોડ શો કર્યાં. સ્થાનિક નેતાઓ રાષ્ટ્રીય નેતાઓની પૂંછડી બની રહી ગયાં અને આખરે ગુજરાતનો ઘા પુનઃ ન રુઝાયેલો ઘા જ બની રહ્યો. વિજય ભલે મોદીનો થયો હોય કે ભાજપનો, પણ હારનો દર્દ તો આખરે સોનિયાએ જ ઝીલવો પડ્યો. આટલી નિષ્ફળતાઓ છતાં સોનિયા ગાંધી ગુજરાત માટે તમામ પ્રયત્નો કરતાં રહ્યાં. 2009માં પણ તેમણે ખૂબ મહેનત કરી અને પુનઃ કોંગ્રેસ માટે પરિણામો રાહતજનક રહ્યાં. જોકે આ વખતે એક બેઠક ઘટી 11 થઈ ગઈ, પણ 2007ની અપેક્ષાએ પરિસ્થિતિમાં સુધારો થયો હતો, પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં પુનઃ જૂનો ઇતિહાસ દોહરાવાયો. સ્થાનિક કોંગ્રેસની નિષ્ફળતાઓ સામે સોનિયા-રાહુલની સભાઓ અને કરિશ્મા વામણાં સાબિત થયાં અને પાર્ટીએ ફરી એક વાર ગાંધીનગરની ગાદીથી દૂર રહેવું પડ્યું.
ગળાનો ગાળિયો બની જશે આ પરાજય?
આફત અને રાહતનો સિલસિલો સતત ચાલતો રહ્યો છે, પરંતુ આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં કોંગ્રેસે જે પરાજયનો સામનો કરવો પડ્યો, તે પરાજય કોઈ સામાન્ય પરાજય નથી. આ પરાજય કોંગ્રેસના ગળાનો ગાળિયો બની શકે છે. સૌ જાણતા હતાં કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દેશમાં સતત વધતી જાય છે અને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં તેમનો સતત ત્રીજો વિજય તેમના દિલ્હી પ્રયાણ તરીકે જોવાતો હતો. અહીં સોનિયા અને રાહુલ બંનેએ ગફલત કરી નાંખી. ગુજરાતમાં જ મોદીને રોકી પાડ્યા હોત, તો કદાચ આજે સોનિયા ગાંધી પોતાના પ્રમુખ તરીકેના 15 વર્ષની ઉજવણી નિશ્ચિંત રીતે કરી રહ્યા હોત, પરંતુ ગુજરાતમાં મોદીના વધતા પગલા રોકવામાં નિષ્ફળતાએ સોનિયા માટે ગુજરાતનો ન રુઝાતા ઘાને વધુ વકરવાની તક આપી દીધી. હવે જોવાનું એ રહેશે કે આ ન રુઝાતો ઘા નાકે દમ કરે છે કે પછી કોંગ્રેસ પ્રમુખ તરીકે પોતાના 16મા વર્ષે સોનિયા ગાંધી આ ઘા રુઝાય તેવી કોઈ વ્યુહરચના અપનાવે છે.