• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ક્યારેક લોકોની તરસ છિપાવતા હતા ગુજરાતના આ જળ મંદિરો

|

કતારના દોહા ખાતે યોજાયેલી વિશ્વ હેરિટેજ કમિટિની બેઠકમાં ગુજરાતના પાટણ સ્થિત આવેલી રાણી કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમાચાર આવતાની સાથે જ વિશ્વફલક પર માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનુ ગૌરવ વધ્યું છે. ગુજરાત વાવ એટલે કે જળ મંદિરોનો ખજાનો છે, એમાં બે મત નથી. આ વાતને અતિશયોક્તિ ન માનીએ તો ભારતમાં સૌથી વધું વાવનું નિર્માણ પૌરાણિક અને રાજા-રજવાડાના કાલખંડમાં ગુજરાતમાં કરવામાં આવ્યું હશે. ગુજરાતને દરેક ગામ અને શહેર કે પછી વિવિધ ભૂભાગોમાં આપણને ક્યાંકને ક્યાંક વાવનું નિર્માણ કરેલું જોવા મળી જશે.

બેનમૂન કલા કારિગરી સાથે તૈયાર કરવામાં આવેલી આ વાવો ચોક્કસપણે પ્રવાસન આકર્ષણ સ્થળ બની જાય છે. આ પહેલાના લેખમાં આપણે રાણી કી વાવ અંગે માહિતી મેળવી હતી, આજે અમે તમને ગુજરાતના એવા અનેક જળ મંદિરો અર્થાત વાવો અને કૂવાઓ અંગે આછેરી માહિતી આપીએ છીએ, કે જે પોતાની બેનમૂન કલા કારિગરીના કારણે તો જાણીતા જ છે, પરંતુ તેનો ઉપયોગ વિતેલા પ્રાચીન સમયમાં લોકોને પાણીની સમસ્યાથી દૂર કરવા અને લોકોની તરસ છિપાવવા માટે કરવામાં આવતો હતો. તો ચાલો તસવીરો થકી આવી વાવો અંગે આછેરી માહિતી મેળવીએ.

રૂડીબાઇ વાવ

રૂડીબાઇ વાવ

આ વાવ અમદાવાદથી દૂર મહેસાણા જવાના માર્ગે આવેલી છે. આ વાવને અસાધારણ રીતે શણગારવામાં આવી છે. વાવના ગોખ પણ કોતરણીવાળા છે, જેમાં સમાજ જીવનની આછેરી ઝલક આપવામાં આવી છે. નવગ્રહ પલંગ પાણી કમળાકૃતિ વગેરે અનેક હિંદુ પ્રતીક કોતરવામાં આવ્યા છે.

રાજબાઇ વાવ

રાજબાઇ વાવ

આ વાવ રામપુરા ખાતે આવેલી છે. સાયલાથી વઢવાણ તરફ જતી વેળા તમે આ વાવને નિહાળી શકો છો. આ વાવનું નિર્માણ વિજયરાજ પરમારના વંશજ દ્વારા કરવામાં આવ્યું છે. આ વાવ 53.85 મીટર લાંબી, 4.60 મીટર પહોળી છે. આ વાવમાં તમે સક્કરપારા ભાત, ચૈત્યાંકન ભાત, અધોમુખી પલ્લવ, વેલભાત, કુડચલ ભાત જોઇ શકો છો. આ ઉપરાંત અને કળાકૃતિ અહીં દૃષ્ટિગોચર થઇ શકે છે.

દાદા હરિની વાવ

દાદા હરિની વાવ

આ વાવ અમદાવાદ નજીક માતા ભવાનીની વાતથી થોડેક દૂર આવેલી છે. આ વાવને મહમૂદ બેગડાના અંતઃપુરની સર્વાધિકારિણી હરીર નામની બાઇ દ્વારા બંધાવવામાં આવી હતી. વાવાની લંબાઇ 241.5 ફૂટ છે. આ વાવના મંડપ ઉંચા નથી. થાંભલા પણ સાદા છે, પરંતુ વાવમાં કોતરણી વિશેષ માત્રામાં કરવામાં આવી છે, જે તેમને આકર્ષિત કરી શકે છે.

અડી-કડી વાવ

અડી-કડી વાવ

આ વાવ જૂનાગઢ ખાતે આવેલી છે. અડી-કડી વાવ 81 મીટર લાંબી, 4.75 મીટર પહોળી અને 41 મીટર ઉંડી છે. શિલ્પ- સ્થાપત્યની દ્રષ્ટિએ બીજી વાવોની તુલનામાં આ વાવમાં જોઇએ તેવું સુશોભન જોવા મળતું નથી, પરંતુ અહીં ખડકોનું એક અદ્ભૂત સૌંદર્ય જોવા મળે છે. આ વાવના નામ પાછળ એક રોચક કહાણી છે, એવું કહેવાય છેકે આ વાવ બનાવતી વખતે અડી અને કડી નામની બે સેવિકાઓએ પોતાનું બલિદાન આપ્યું હતું, કારણ કે વાવમાં પાણી આવ્યું નહોતું અને તે સમયે એક પંડિતે રાજાને કહ્યું હતું કે બે કુંવારિકાઓનો ભોગ આપવામાં આવે તો જ આ વાવમાં પાણી આવશે, જે જાણી રાજાની આ બે સેવિકાઓએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી.

અમૃતવર્શિની વાવ

અમૃતવર્શિની વાવ

અમદાવાદ શહેરમાં પાંચ કૂવા દરવાજાની દક્ષિણે આ વાવ આવેલી છે. સરળ ઢાંચામાં બનેલી આ વાવ એલ આકારની છે. વાવના સ્થાપત્ય કામમાં સંસ્કૃત અને પર્શિયન ભાષામાં લખાણો જોવા મળે છે. આ વાવ 1723માં બનાવવામાં આવી હતી. આ વાવને 1969માં રાજ્ય સરકારના પુરાતત્વખાતા દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવી હતી.

માધા વાવ

માધા વાવ

વઢવાણ શહેરમાં પશ્ચિમમાં કરણ ઘેલાના નામે પ્રખ્યાત કર્ણદેવ વાઘેલાના મંત્રી માધાના નામ પરથી આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વાવમાં આજે પણ માધા અને તેની પત્નીની પ્રતિમાંઓ દ્રશ્યમાન થાય છે. આ વાવ અંગે એવી લોકવાયકા પણ પ્રચલિત છેકે માધાની વાવ દર ત્રીજા વર્ષે એક વ્યક્તિનો ભોગ લે છે. આ વાવ 55 મીટર લાંબી છે.

માત્રી વાવ

માત્રી વાવ

સુરેન્દરનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કનકાવટી ખાતે આ વાવ આવેલી છે. આ વાવ તળાવમાં ભળી ગઇ છે, પણ તેના તમામ લક્ષણો વાવ જેવા જ છે. આ વાવ મોટાભાગે તળાવના પાણીમાં ડુબેલી રહેતી હોવા છતાં આ વાવ બાંધવા પાછળનું કારણ દુકાળમાં લોકોને પાણી સરળતાથી મળી રહે તે છે.

મીનળ વાવ

મીનળ વાવ

રાજકોટ જિલ્લાના વિરપુર ગામે આ વાવ આવેલી છે. આ વાવ સિદ્ધરાજ જયસિંહ અને તેમના પત્ની મીનળ દેવીએ બંધાવી હતી. આ વાવમાં બેઠી મુદ્રામાં ભૈરવે ડમરુ અને ઉંચા હાથમાં હરણ ધારણ કર્યું છે, પોઢેલી મુદ્રામાં વિષ્ણુ છે. જોકે ગામની કન્યાઓ આ સ્થાપત્યને મીનળદેવીનું સ્થાપત્ય કહે છે, તેની નાભિ પર બાળક ધારણ કરેલું અને તેમના પગ આગળ ગર્ભવતી મહિલા હોવાનું કહેવામાં આવે છે.

છત્રાલની વાવ

છત્રાલની વાવ

અમદાવાદ મહેસાણા રોડ પર આવેલા છત્રાલ ગામે આ પ્રાચીન વાવ આવેલી છે. દીવાલના ઉપરના ભાગે અર્ધગોળ પથ્થરોની ધાર છે, ફાંસના ઘાટ તરીકે ઓળખાતું છાદ્ય અંદરથી અર્ધવૃત્તાકાર છે. અહી ફૂલવેલ ભાત અને ગણેશનું શિલ્પ જોવા મળી શકે છે.

બત્રીસ કોઠાની વાવ

બત્રીસ કોઠાની વાવ

આ વાવ કપડવંજ શહેરની વચ્ચે આવેલી છે. આ વાવમાં બત્રીસ માળ હોવાના કારણે આ વાવને બત્રીસ કોઠાવાળી વાવ કહેવામાં આવે છે. આ વાવમાં રાજાસેનેકા, વેદિકા, આસનપટ્ટા અને કાકસન્નાની રચના અંકોલ માતા અને માતા દાદા ભવાનની વાવ જેવી જ છે. આ વાવના સ્થાપત્ય, પિલ્લર અને પગથિયાં પરથી અનુમાન લગાવી શકાય કે આ વાવ 13મી સદીમાં બાંધવામાં આવી હશે.

લિંબોઇની વાવ

લિંબોઇની વાવ

આ વાવ ઇડરની ટેકરીઓમાં આવેલી છે. આ વાવમાં પડથારની લંબાઇ 42 મીટર છે. વાવમાં શંકુ આકારનો ઘુમ્મટ છે. વાવમાં તમે ગરૂડ પર સવાર વિષ્ણુ, લક્ષ્મી, નંદી પર સવાર શિવ અને પાર્વતીની પ્રતિમાઓ જોઇ શકો છો.

માતા ભવાનીની વાવ

માતા ભવાનીની વાવ

આ વાવ અસારવામાં આવેલી છે. બાંધકામની દ્રષ્ટિએ જોઇએ તો આ વાવનું બાંધકામ શહેરની સ્થાપના પહેલાંનું છે, તેથી આ વાવ 14મી સદીમાં બનાવવામાં આવી હશે તેવું માનવામાં આવે છે. તેનું કોતરકામ પણ દર્શાવે છેકે આ વાવ 14મી સદીની છે.

ભમરિયો કૂવો

ભમરિયો કૂવો

ખેડાથી 11 કિ.મી દૂર મહેમદાવાદમાં આ કૂવો આવેલો છે, તેની રચનામાં શૈલગૃહની પદ્ધતિ જોવા મળે છે. ત્રણ માળની આ ઇમારત સવિશેષપણે સલ્તનત કાળની એક સિદ્ધિને પ્રદાન કરે છે.

રોહાની વાવ

રોહાની વાવ

પાલનપુરના સરોત્રાથી 7 કિ,મી દૂર આવેલા રોહા ગામ ખાતે આ વાવ આવેલી છે. આ વાવ ચાર નાના અભિલેખોવાળી છે, આખી વાવ સફેદ આરસની બનેલી છે. પ્રવેશની બન્ને બાજુ એક એક નાની દેરી બનાવવામાં આવી છે.

ચૌમુખી વાવ

ચૌમુખી વાવ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ચોબારી ગામે આ વાવ આવેલી છે. શિલ્પ-સ્થાપત્યની દ્રષ્ટીએ આ વાવ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. આ વાવ વિજયા પ્રકારની વાવ છે. વાવની દક્ષિણે શામિયાણો આવેલો છે. શામિયાણાની છતનો આધાર હારબંધ ઉભેલા ચાર થાંભલાઓ પર જોવા મળે છે.

માંડવાનો કૂવો

માંડવાનો કૂવો

માંડવાનો આ કૂવો ભમરિયા કૂવાને મળતો આવે છે. આ કૂવામાં પાણી ખેંચવા માટે સાંકડી કમાન બનાવેલી છે. તેમજ કેટલાક ઓરડા બનાવેલા છે, જે ભમરિયા કૂવાને મળતા આવે છે. ઓરડાઓ માટેની સીડી ભમરીવાળી છે. દીવાલોમાં અનેક ગોખલા કરવામાં આવ્યા છે, જેથી ઉનાળા વખતે આ સ્થળનો ઉપયોગ આરામ કરવા માટે કરવામાં આવતો હશે.

માણસાની વાવ

માણસાની વાવ

આ પ્રાચીન વાવ માણસામાં આવેલી છે. આ વાવમાં શિલાલેખ 28 પંક્તિનો છે. અહીંના ગવાક્ષોમાં ભારવ અને અંબાજીની દેરીઓ બનાવવામાં આવેલી છે. વાવમા આવેલા કૂવાનો ઘેરાવો 5.40 મીટરનો છે.

મોઢેરાની વાવ

મોઢેરાની વાવ

મોઢેરા ખાતે સૂર્ય મંદિર જવાના માર્ગમાં આ વાવ આવેલી છે. આ વાવ તેના કેટલાક વિશિષ્ટ ભાગોના કારણે નોંધપાત્ર છે. આ વાવમાં કોઇ અલંકરણ નથી, ભિતાસ્તંભોની કુંભી સાદી છે. આ વાવમાં કૂટિર જેવી રચના નોંધપાત્ર છે. આ વાવના ઘાટ શિલ્પાંકન સ્પષ્ટ રીતે સોલંકી યુગના હોવાનું જણાઇ આવે છે.

બોતેર કોઠાની વાવ

બોતેર કોઠાની વાવ

આ વાવ મહેસાણામાં આવેલી છે. આ વાવમાં ગાયકવાડી સમયમાં સુધારા વધારા થયા હોવાનું જાણવા મળે છે. આ વાવ અગિયાર મજલા ધરાવે છે. તેમજ એક બીજા સાથે જોડાયેલા કૂવાની રચના પણ અહીં જોઇ શકાય છે.

રાખેંગારની વાવ

રાખેંગારની વાવ

પાટણના સમકાલીન શાસક અને જૂનાગઢના રાજા રાખેંગારના નામ પરથી વંથળીમાં આવેલી આ વાવનું નામ રાખવામાં આવ્યું છે. કૂવાની ગોળાકારે આવેલા થાંભલાઓની કલાત્મકતા વાવના સ્થાપત્યને ચાર ચાંદ લગાવી દે છે. વાવની રચનાને જોતા એવું લાગે છેકે અહીં ત્રણ શામિયાણા હશે. આ વાવમાં પણ ઘાટપલ્લવ શૈલીની બાંધણી જોવા મળે છે.

ખેડબ્રહ્માની વાવ

ખેડબ્રહ્માની વાવ

ખેડબ્રહ્મામાં બ્રહ્માજીના મંદિર પાસે આ 600 વર્ષ જૂની વાવ આવેલી છે. આ વાવમાં આજે 27 ગોખ મોજૂદ છે, ગોખમાં એકપણ દેવ-દેવીઓની મૂર્તિ જોવા મળતી નથી. આ વાવ કોણે બનાવી તે એક સંશોધનનો વિષય છે. દર વર્ષે દિંગબર જૈનો અને ખેડાવળ બ્રાહ્મણો દ્વારા આ વાવમાં તેમના અધિષ્ઠતા દેવનું પૂજન કરવામાં આવે છે.

સાસુ-વહુની વાવ

સાસુ-વહુની વાવ

પંચમહાલ જિલ્લાના લુણાવાડાના લવાણા ગામે આ વાવ આવેલી છે. વાવમાં તમને બે મહિલાઓને શિલ્પો જોવા મળે છે, આ શિલ્પો પૈકી એક કૃશ મહિલા બાળકને જન્મ આપી રહી છે, તો બીજી પ્રતિમામાં દેવી ગદર્ભ પર સવારી કરતા દર્શાવવામાં આવ્યા છે. તેમજ વાવમાં નવગ્રહ, વિષ્ણુના દશાવતારતેમજ ચામુંડા, વિરભદ્ર, બ્રહ્માણી, વૈષ્ણવી, ગણેશ વિગેરેની પ્રતિમાં જોવા મળે છે.

English summary
some interesting stepwell in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more