WHOએ આપી ચેતવણી, 2019માં આ 10 બીમારી લઈ શકે છે કરોડો જીવ
વાયુ પ્રદૂષણ, રસીકરણ, જાડાપણુંથી લઈને ઈબોલા વાયરસ ચાલુ વર્ષે એક ખતરનાક બીમારી બનીને દુનિયાના કરોડો લોકોને પોતાની ઝપેટમાં લઈ શકે છે. WHOની સત્તાવાર વેબસાઈટ પર 2019માં આરોગ્ય સંબંધિત ટોચના 10 વૈશ્વિક ખતરાની યાદી જાહેર કરાઈ છે, જેમાં માનવજાત પર થનારા સ્વાસ્થ્યને લગતા દુષ્પ્રભાવો અંગે પણ ચેતવણી અપાઈ છે.
જાણો કયા છે એ સૌથી મોટા ખતરા જેને લઈને WHOએ ચિંતા દર્શાવી છે.

એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ
વિશ્વભરના લોકો બિનજરૂરી અને નાની નાની શારિરીક મુશ્કેલીઓને ટાળવા માટે એન્ટીબાયોટિક દવાઓ લે છે, જેના કારણે શરીર પર આ દવાઓની અસર બંધ થઈ જાય છે. સરવાળે સામાન્ય બીમારીઓ કે વાઈરલ પણ જીવલેણ બની શકે છે. 2000થી 2015 વચ્ચે વિશ્વમાં એન્ટીબાયોટિક દવાઓની માગ અને વેચાણમાં 65 ટકાનો વધારો થયો છે. રિપોર્ટ પ્રમાણે દવાઓ બેઅસર થવાને કારણે 2050 સુધીમાં કરોડો લોકોના મોત નીપજશે.

પ્રાથમિક આરોગ્ય સેવાઓની અછત
કેટલાક દેશોમાં હજી પણ પ્રાથમિક આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ નથી. 2018માં જાહેર કરાયેલા લેન્સેન્ટ રિપોર્ટ પ્રમાણે નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં અપૂરતી પ્રાથમિક આરોગ્ય સેવાઓને કારણે દર વર્ષે નાની નાની બીમારીઓ લગભગ 50 લાખ લોકોના ભોગ લે છે.

ઈન્ફ્લૂએન્ઝાનો રોગચાળો
દુનિયાભરમાં ફેલાયેલો ફ્લૂ માણસો માટે સૌથી વધુ ઘાતક જાહેર થઈ શકે છે. જેમાં સ્વાઈન ફ્લૂ, H1N1, નાક, ગળા અને ફેફસાનું ઈન્ફેક્શન સામેલ છે. WHOએ માન્યું છે કે આ ફ્લૂથી બચવાનો એક માત્ર ઉપાય વેક્સીન છે.

ઈબોલા
વિશ્વના સૌથી ખતરનાક રોગમાંથી એક ઈબોલા છે. આફ્રિકાના ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલો ઈબોલા અત્યાર સુધીમાં ગાઢ વિસ્તારોમાં રહેતા લોકોને પણ ઝપેટમાં લઈ ચૂક્યો છે. ઈબોલા ઉપરાંત વૈજ્ઞાનિકો સંક્રમણ, તાવ, ઝીકા, નિપાહ વાઈરસને લઈને પણ ચેતવણી આપી ચૂક્યા છે.

રસીકરણમાં બેકાળજી
દુનિયાભરમાં વેક્સીનના ઉપયોગમાં આવેલી બેકાળજીને કારણે પણ ખતરો સર્જાઈ રહ્યો છે. વેક્સીનેશન દરેક બીમારી સામે લડવાની સૌથી સરળ રીત છે. ફ્રાંસ, યુક્રેન અને યુરોપ જેવા વિક્સિત દેશોમાં લોકો રસીકરણ અંગે ઉદાસીન વલણ દાખવી રહ્યા છે. દર વર્ષે રસીકરણ ન થવાને કારણે 20-30 લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે.

ડેન્ગ્યુ
મચ્છરો દ્વારા થતી આ બીમારી છેલ્લા 2 દાયકાથી ખતરો બની છે. WHO પ્રમાણે દુનિયાની 40 ટકા વસ્તી સામે ડેન્ગ્યુનો ખતરો તોળાઈ રહ્યો છે. જો સમયસર ઈલાજ ન થાય તો 20 ટકાના મોત થઈ શકે છે. દર વર્ષે દુનિયામાં 7.8 કરોડથી વધુ લોકો ડેન્ગ્યુનો શિકાર બને છે.

દુકાળ અને અછતગ્રસ્ત વિસ્તારો
દુનિયામાં ફક્ત આ બીમારીઓ જ નહીં પરંતુ અછતગ્રસ્ત વિસ્તારો પણ WHOની નજરમાં કોઈ ખતરાથી ઓછા નથી. વિશ્વની 22 ટકા વસ્તી એટલે કે 1.6 અરબથી વધુ લોકો દુકાળ, અછત, સંઘર્ષ અને પ્રાકૃતિક આફતો જેવા સંકટો સામે લડવા મજબૂર છે. કુદરતી આફતો અને સંકટમાંથી જીવ બચાવીને ભાગેલા લોકો જે શરણાર્થી શિબિરોમાં રાહત મેળવે છે તે મને પ્રાથમિક સારવાર ન મળવાને કારણે મોત નીપજે છે.

વાયુ પ્રદૂષણ
વાયુ પ્રદૂષણ પણ દુનિયાના 10 સૌથી મોટા ખતરાઓમાં સામેલ છે. રિપોર્ટ પ્રમાણે વર્ષે 10 લાખ લોકો આ પ્રદૂષણને કારણે જીવ ગુમાવે છે.

જળવાયુ પરિવર્તન
જળવાયુ પરિવર્તનને કારણે વર્ષ 2030થી 2050 વચ્ચે 2.5 લાખથી વધુ મૃત્યુ થઈ શકે છે.

HIV
લગભગ 2.2 કરોડ લોકો હાલ HIVની સારવાર લઈ રહ્યા છે. વિશ્વભરમાં લગભગ 3.7 કરોડ લોકો HIVથી પીડિત છે, જેમાંથી 30 લાખ લોકો બાળકો અને કિશોર છે. યુનિસેફના રિપોર્ટ પ્રમાણે 2030 સુધી પણ બાળકો અને કિશોરોમાં એઈડ્સની બીમારી દૂર કરવાના પ્રયાસ સફળ નથી થવાના.