જાણો, શા માટે અમિત શાહને બનાવવામાં આવશે અધ્યક્ષ
દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર બની ગઇ છે અને એક મહિનાનું આંકલન વિવિધ પક્ષો અને રાજકીય પંડિતો દ્વારા કરવામા આવી રહ્યું છે. મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ અને ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવી હતી અને સત્તાધીશ બન્યું છે. જોકે, બધા જ એ વાત જાણે છેકે જો દેશમાં સત્તા હાંસલ કરવી હોય તો ઉત્તર પ્રદેશને જીતવું પડે અને તેથી જ ભાજપે પણ ઉત્તર પ્રદેશને મહત્વ આપીને પક્ષના એક એવા નેતાને પ્રદેશની કમાન સોંપી જે, વિવાદોમાં ઘેરાયેલા રહ્યાં હોવા છતાં પણ પોતાની રાજકીય નીતિઓના કારણે પક્ષને વિજયી બનાવવાની ક્ષમતા ધરાવે છે, જીહાં, અમે વાત કરી રહ્યાં છીએ સોહરાબુદ્દિન એનકાઉન્ટરમાં ફસાયેલા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહની.
તમને કદાચ થશે કે આમ અચાનક અમિત શાહ અંગે વાત શા માટે કરવામાં આવી રહી છે, પરંતુ તેની પાછળનું કારણ એ છેકે ટૂંક સમયમા એટલે કે 28 જૂન સુધીમાં અમિત શાહને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. ત્યારે સ્વાભાવિક પણે અમિત શાહ અંગે ચર્ચા થાય. અમિત શાહે જે પ્રકારે પોતાના જોરે લોકસભા ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશમાં ભાજપને એકજૂટ કર્યું અને કાર્યકર્તાઓમાં પક્ષને મજબૂત કરવાની શક્તિ અર્પી તે ખરા અર્થમાં કોઇપણ પક્ષ માટે વખાણવાલાયક હતી અને પાર્ટીએ એ જ કર્યું છે. ઉત્તર પ્રદેશમાં જે વિજય મેળવ્યો છે, તેનો શ્રેય અમિત શાહને આપ્યો છે.
ઉત્તર પ્રદેશમાં 80માંથી 71 બેઠકો પર ભાજપને વિજયી બનાવીને અમિત શાહે પોતાની રાજકીય ક્ષમતાનો પરચો આપ્યો અને પક્ષમાં પોતાનું કદ પણ વધારી દીધું, ચૂંટણીના પરિણામ આવતાની સાથે જ એ વાત પણ રાજકીય ગલીઓમાં જોર શોરથી વહેતી થઇ ગઇ હતી કે કદ વધતાની સાથે જ અમિત શાહના માથે મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ મોટી જવાબદારી અન્ય કોઇ નહીં પરંતુ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષની હતી. જેમાં હવે મળતી રાજકીય માહિતી અનુસાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પણ પોતાની મહોર મારી દીધી છે. ત્યારે ચોક્કસપણે એ વાત જાણવાની ઉત્સુકતા રહે છેકે શા માટે આરએસએસ અમિત શાહને ભાજપના અધ્યક્ષ બનાવવા માગે છે. તો ચાલો તસવીરો થકી તેના પર નજર ફેરવીએ.

વિવિધ રાજ્યોમાં ચૂંટણી
આગામી વર્ષોમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેને જોતા પક્ષ અને આરએસએસ એક એવા વ્યક્તિના હાથમાં રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપવા ઇચ્છી રહી છે, જે ઉક્ત રાજ્યોમાં પક્ષના કાર્યકર્તાઓમાં એક હકારાત્મક જોમ ભરી શકે તેથી પક્ષ રાજ્ય કક્ષાની ચૂંટણીમાં પણ રાષ્ટ્ર કક્ષાએ જે પ્રદર્શન કર્યું છે, તેનું પુનરાવર્તન કરી શકે. આ માટે અમિત શાહની ઉચિત નામ તેમની પાસે ના હોઇ શકે કારણ કે તેમણે ઉત્તર પ્રદેશમાં એ જાદૂ ચલાવ્યો છે, જેની કલ્પના કદાચ પાર્ટીના ટોચના નેતાઓને પણ નહીં હોય.

પક્ષ પ્રત્યેનું સમર્પણ
ગુજરાત રાજ્ય પુરતુ રાજકારણ હોય કે પછી રાજ્ય બહારનું રાજકારણ પક્ષ દ્વારા જ્યારે પણ તેમને જે જવાબદારી સોંપવામાં આવી તેમાં તેમણે પક્ષની આશા અને આંકાક્ષાઓમાં ખરા ઉતરવાનો અને પક્ષ પ્રત્યેના પોતાના સમર્પણને ઉજાગર કર્યું. ગુજરાતમાં 2002ની ચૂંટણી હોય કે પછી 2007ની અમિત શાહે પક્ષ સ્પષ્ટ બહુમતિ મેળવે એ માટે અથાગ મહેનત કરી હતી અને તેના જ કારણે તેઓ નરેન્દ્ર મોદીના ખાસ બની ગયા હતા. લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો પણ ઉત્તર પ્રદેશમાં ભાજપ ચોથા ક્રમાંકે હતું પરંતુ પરિણામ બધાની સામે છે, અમિત શાહે 80માંથી 71 બેઠકો પર ભાજપને વિજયી બનાવીને પક્ષને ફરીથી મજબૂત બનાવ્યો છે, જે તેમના પક્ષ પ્રત્યેના સમર્પણને દર્શાવે છે.

આરએસએસના કાર્યકર્તા પણ રહી ચૂક્યા છે
ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા તે પહેલા અમિત શાહ આરએસએસના કાર્યકર્તા પણ રહી ચૂક્યા છે. જે દરમિયાન નરેન્દ્ર મોદીએ તેમની રાજકીય ક્ષમતાને ઓળખી લીધી હતી. આરએસએસમાં અસંખ્ય કાર્યકર્તાઓ પ્રતિભાઓથી ભરેલા હોવા છતાં તેમની વચ્ચે પોતાની પ્રતિભાને ઉજાગર કરવામાં અમિત શાહ સફળ થયા હતા.

ગુજરાત અને યુપીમાં ચલાવ્યો તેમનો જાદૂ
ગુજરાતની વિધાનસભાની વાત હોય કે પછી યુપીમાં લોકસભાની ચૂંટણી અંગેની અમિત શાહ પોતાનો જાદૂ ચલાવવામાં સફળ નિવડ્યા છે. યુપીમાં 80 લોકસભાની બેઠકોમાંથી ભાજપે જો 71 બેઠકો મેળવી છે તો તેની પાછળ અમિત શાહનું રાજકીય દિમાગ જ છે. વાત ગુજરાત વિધાનસભાની કરીએ તો 2002, 2007 અને 2012માં અમિત શાહ ચૂંટણી લડ્યાં હતા. 2002માં તેઓ 1.58 લાખ અને 2007માં તેઓ 2.35 લાખ મતોથી રેકોર્ડ નોંધાવીને જીત્યા હતા અને 2012માં તેઓ નવરંગપુરામાંથી ચૂંટણી લડ્યા હતા અને ત્યાંથી પણ તેઓ વિજયી થયા હતા. જે દર્શાવે છેકે ગુજરાતની જનતામાં તેમની રાજકીય લોકપ્રિયતા કાયમ હતી. વાત ભાજપના પ્રર્દશનની કરવામાં આવે તો 2002માં ભાજપે 126 બેઠકો મેળવી હતી અને તેમા અમિત શાહનો પણ સારો એવો ફાળો હતો.

અમિત શાહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની ઉઠી હતી માંગ
જ્યારે અમિત શાહે લોકસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશમાં પોતાની શ્રેષ્ઠ રણનીતિ થકી ભાજપને 71 બેઠકો અપાવી ત્યારથી જ પક્ષના અનેક કાર્યકર્તાઓ તરફથી એવી માંગ ઉઠી રહી હતી કે અમિત શાહને રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બનાવવામાં આવે, કારણ કે તેઓ કાર્યકર્તાઓને એકજૂટ રાખી શકે છે અને નવો જોમ ભરી શકે છે.

મોદીએ પણ કર્યા હતા અમિત શાહના વખાણ
લોકસભાની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ અનેક સમાચાર ચેનલ્સને પોતાનો ઇન્ટરવ્યુ આપ્યો હતો. જેમાના જ એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેમને અમિત શાહ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે અમિત શાહને ઓછા આંકવા એ એક ભૂલ છે. તેઓ પરિણામ અને પરિસ્થિતિને બદલી શકવાની ક્ષમતા ધરાવે છે.












Click it and Unblock the Notifications
