ઈકો ફ્રેન્ડલી દિવાળી કેમ મનાવવી જોઈએ, જાણો આ ફાયદા
ઈકો ફ્રેન્ડલી દિવાળી એટલે કે ગ્રીન ફેસ્ટીવલનો ક્રેઝ ધીમે ધીમે લોકોમાં વધી રહ્યો છે. આ વર્ષે આપણે ગણેશ ચતુર્થી અને નવરાત્રિના તહેવાર દરમિયાન જોયુ કે મોટી સંખ્યામાં લોકોએ પર્યાવરણને નુકશાન કર્યા વિના તહેવાર મનાવવાની શરૂઆત કરી. હવે સૌથી મોટો તહેવાર દિવાળી આવી રહ્યો છે, તો તેને પણ આપણે ઈકો ફ્રેન્ડલી રીતે મનાવીને આ વર્ષની દિવાળીને ખાસ બનાવી જોઈએ. ઈકો ફ્રેન્ડલી દિવાળી કેમ મનાવવી જોઈએ તેનાથી શું ફાયદા થાય છે, તેના વિશે માહિતી મેળવીએ.

ફટાકડાથી થતા નુકશાનથી બચી શકાય
ફટાકડાના ઘોંઘાટથી વૃદ્ધોની શ્રવણ શક્તિ તો ક્ષીણ થાય જ છે પરંતુ આનાથી હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. નવજાત બાળકો માટે પણ તે જાનલેવા સાબિત થઈ શકે છે. ફટાકડા જો ફોડવા જ હોય તો પ્રાકૃતિક ફટાકડા ફોડવા જોઈએ. આ ફટાકડા રિસાઈકલ પેપરથી બને છે અને તેનાથી ઘોંઘાટ ખૂબ જ ઓછો થાય છે. અથવા એક ખુલ્લા મોટા મેદાનમાં ફટાકડા ફોડી શકાય છે જેથી બાળકો કે વૃદ્ધોને તકલીફ ન થાય અને કોઈ સંભવિત નુકશાનથી પણ બચી શકાય.

પ્રાકૃતિક રંગો
રંગોળી માટે રસાયણયુક્ત પ્રાકૃતિક રંગોના બદલે કૃત્રિમ રંગોથી રંગોળી બનાવવી જોઈએ. પીળા રંગ માટે હળદર કે દાળ ઉપયોગ કરવો જોઈએ. સફેદ રંગ માટે ચોખાનો લોટ જ્યારે ભૂરા રંગ માટે લવિંગ લીલા રંગ માટે સોંફ, અને લાલ રંગ માટે કંકુનો ઉપયોગ કરવો જોઈએ. વળી, ફૂલોથી રંગોળી સજાવીને તેને વધુ સુંદર બનાવી શકાય છે.
આ પણ વાંચોઃ આવો, આ વખતે ઈકો ફ્રેન્ડલી દિવાળી મનાવીએ, જાણો કેવી રીતે?

વાયુ પ્રદૂષણથી મુક્તિ
વિશ્વ આરોગ્ય સંગઠનના એક અધ્યયન અનુસાર દુનિયાના સૌથી પ્રદૂષિત 20 શહેરોમાંથી 13 શહેર આપણા દેશના છે. દિવાળીના દિવસોમાં તો વાયુ પ્રદૂષણ અનેક ગણુ વધી જાય છે. સાથે બીજા દિવસે શહેરના રસ્તાઓ પર અનેક ગણો કચરો પણ નીકળે છે. ફટાકડાના પ્રદૂષણથી અસ્થમા, ખેંચ અને કેન્સરનો ખતરો પણ વધી જાય છે. હાઈ બ્લડ પ્રેશર તેમજ હ્રદયરોગના દર્દીઓ ફટાકડા ફૂટવાથી સહેમી જાય છે. ફટાકડામાં ભરવામાં આવતુ સીસુ તેમજ પારો કિડની, ફેફસા તેમજ નર્વસ સિસ્ટમને નુકશાન કરે છે. ખાંસી થાય છે. આંખોમાં એલર્જી થાય છે.