IRCTC: જાણો કેવી રીતે બની શકાય એજન્ટ, છે સારી કમાણીની તક
દેશમાં મોટા ભાગની ટ્રેનની ટિકિટ IRCTC જ વેચે છે. IRCTC 2 રીતે ટ્રેન ટિકિટ વેચે છે. એક રીત એ છે કે લોકો સીધા જ IRCTCની વેબસાઈટ પર જઈને ટિકિટ બુક કરી શકે છે. બીજી રીત એ છે કે IRCTCના એજન્ટ દ્વારા તમે ટિકિટ બુક કરી શકો છો. એજન્ટ્સને ટિકિટ વેચવા માટે IRCTC એજન્સી આપે છે. તમે IRCTCની સામાન્ય શરતો પૂરી કરીને એજન્ટ બની શકો છો. બાદમાં તમે પણ એજન્ટ બનીને ટિકિટ વેચી શકો છો. આ કામમાં રોકાણ ઓછું અને કમાણી સારી છે. IRCTCના એજન્ટ બનીને ટિકિટ વેચવાની સૌથી સારી વાત એ છે કે આ કામ દેશના કોઈ પણ ખૂણે શરૂ કરી શકાય છે.

કોણ એજન્ટ દ્વારા કરાવે છે ટિકિટ બુક
દેશમાં ઘણા લોકો એવા છે, જે લાઈનમાં ઉભા રહ્યા વિના ટિકિટ મેળવવા ઈચ્છે છે. પરંતુ ચૂકવણી ઓનલાઈન કરવા નથી ઈચ્છતા. આવા લોકો સામાન્ય રીતે IRCTCના એજન્ટ પાસેથી ટ્રેનની ટિકિટ કરાવે છે. અહીં એજન્ટ ઓનલાઈન પેમેન્ટ કરીને ગ્રાહકના નામે ટ્રેનની ટિકિટ બુક કરાવી દે છે અને પૈસા કેશમાં લે છે. જો જરૂર પડે તો આ એજન્ટ ટિકિટ કેન્સલ પણ કરાવી આપે છે. આ કામ માટે તેમને સામાન્ય ફી મળે છે. પરંતુ દિવસમાં સંખ્યાબંધ ટિકિટ બુક થવાથી એજન્ટને સારી કમાણી થાય છે.
- ચાલો જાણીએ કેવી રીતે બની શકાય IRCTCના એજન્ટ, અને કેવી રીતે કરી શકાય સારી કમાણી

IRCTCની વેબસાઈટ પર જઈને કરો અરજી
જો તમે IRCTCના એજન્ટ બનવા ઈચ્છો છો તો તમારે આ માટે અરજી કરવી પડશે. આ છે વેબસાઈટ www.irctc.co.in.

આ છે એજન્ટ બનવાની રીત
- સૌથી પહેલા તમારે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. તમે ઈચ્છો તો ઓફલાઈન પણ ફોર્મ ભરી શકો છો.
- આ ફોર્મ સાથે તમારે કેટલાક દસ્તાવેજ પણ આપવા જરૂરી છે.
- આ દસ્તાવેજ તમારા આઈડેન્ટિટી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ આપવા પડશે.
- તમારી અરજી મળ્યા બાદ IRCTC તમે આપેલી માહિતી વેરિફાય કરે છે.
- વેરિફિકેશન પ્રક્રિયા પૂરી થયા બાદ, IRCTC તમને કામ શરૂ કરવા પરવાનગી આપે છે.
- બાદમાં IRCTC એક ટ્રેનિંગ કિટ આપે છે. જેનાથી તમે કામ શીખી શકો છો.
- હવે તમે IRCTCના એજન્ટ તરીકે કામ શરૂ કરી શકો છો.

IRCTC માગે છે દસ્તાવેજ
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- ઈ મેઈલ એડ્રેસ
- મોબાઈલ નંબર
નોંધઃ તમારે અહીં એ જ ઈમેઈલ એડ્રેસ અને મોબાઈલ નંબર આપવો પડશે, જે હજી સુધી કોઈ IRCTC અકાઉન્ટ સાથે લિંક ન હોય.

IRCTCને આપવો પડશે 30 હજાર રૂપિયાનો ડ્રાફ્ટ
IRCTC એજન્ટ બનવા માટે તમારે જામીન તરીકે 30 હજાર રૂપિયા આપવા પડે છે. આ પૈસા તમારે IRCTCના નામના ડ્રાફ્ટથી આપવાની હોય છે. જો બાદમાં તમે કામ કરવા ન ઈચ્છો તો IRCTC 20 હજાર રૂપિયા પાછા આપે છએ. જે લોકો સતત IRCTC સાથે કામ કરે છે, તેમણે દર વર્ષે રિન્યુઅલ ચાર્જ તરીકે 5 હજાર રૂપિયા ચૂકવવા પડે છે.

જે પ્રમાણે ટિકિટ બુક થાય તે પ્રમાણે થાય છે કમાણી
IRCTC એજન્ટ જે પ્રમાણે ટિકિટ બુક કરાવે તે પ્રમાણે કમાણી થાય છે. આ માટે IRCTCએ ટિકિટ બુકિંગ પર કમિશન નક્કી કર્યું છે. IRCTC પ્રમાણે સ્લીપર ક્લાસ માટે પ્રતિ ટિકિટ વધુમાં વધુ 30 રૂપિયા, એસી ક્લાસ માટે પ્રતિ ટિકિટ વધુમાં વધુ 50 રૂપિયા કમિશન ગ્રાહક પાસેથી લઈ શકે છે. જો એજન્ટ તેના કરતા વધુ પૈસા લે, તો લાઈસન્સ રદ થઈ શકે છે. આ રીતે જેટલી ટિકિટ બુક થાય તે પ્રમાણે IRCTC એજન્ટને વધુ ફાયદો થાય છે.