માહિતી વિભાગની ક્લાસ 1 અને 2 ની ભરતી પ્રકિયા પર હાઈકોર્ટે રોક લગાવી!
ગાંધીનગર : ગુજરાત સરકાર અને ભરતી વિવાદને ઘર જેવો સબંધ છે. ભાગ્યે જ કોઈ એવી ભરતી હશે જે વિવાદ વગર પુરી થઈ હશે, કોઈ એવુ પેપર નહીં હોય જે પરિક્ષા પહેલા લીક ન થયુ હોય. એક તરફ રાજ્યમા્ં હેડ ક્લાર્કનું પેેપર ફુટતા બબાલ ચાલી રહી છે તો હવે બીજી તરફ માહિતી વિભાગની ભરતીમાં પણ વિવાદનું ભુત ધુણ્યુ છે. મળતી માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટે માહિતી ખાતાની ક્લાસ 1 અને 2 ની ભરતી પ્રકિયા હાલ પુરતી સ્થગિત રાખવાનો આદેશ કર્યો છે.
મળતી વિગતો મુજબ ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા થઈ રહેલી ક્લાસ 1, 2 અને ક્લાસ 3 ની ભરતીમાંથી ક્લાસ 1 અને 2 ના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ પરિણામોને ઉમેદવારોએ હાઈકોર્ટમાં પડકારતા હાઈકોર્ટે હાલ પુરતી ભરતી પ્રકિયા પર રોક લગાવવાનો આદેશ કર્યો છે. વર્ગ 1 અને 2 ના કુલ 23 પદો માટે આ ભરતી પ્રકિયાના આખરી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પ્રકિયા અતર્ગત લેખિત પરીક્ષામાં અને ડોક્યૂમેન્ટ વેરિફિકેશન પછી 101 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા, જેમાંથી 23 ઉમેદવારોની પસંદગી થઈ હતી.
પરિણામ બાદ આ આ પરિણામો પર સવાલ ઉઠાવતી અરજી અરજદાર ઉમેદવારો દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં અરજદાર તરફથી રજૂઆત કરાઈ હતી કે વર્ગ 1 અને 2 ની જગ્યાઓ GPSC દ્વારા ભરવામાં આવવી જોઈએ. GPSC વગર વર્ગ 1 અને 2 ના પદો માટે જાતે જ માહિતી વિભાગે પ્રક્રિયા હાથ ધરી હતી. વધુમાં અરજદારે દલીલ કરી હતી કે 23 પદોની ભરતી પ્રક્રિયા માટે ઇન્ટરવ્યૂ લેવા 5 વ્યક્તિઓની પેનલ બનાવાઈ હતી, આ પેનલના તમામ સભ્યો 101 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ માટે હાજર રહ્યા ન હતા.
આ ઉપરાંત વધુમાં એ પણ દલીલ આપવામાં આવી કે, ઇન્ટરવ્યૂ માટેની પેનલમાં લેવાયેલા 5 માંથી 3 વ્યક્તિઓ કોન્ટ્રાક્ટ બેઝ્ડ ભરતી પર ફરજ બજાવતા કર્મચારીઓ હતા. આ તમામ દલીલો પર હાઇકોર્ટે સરકાર પાસેથી જવાબ માગ્યો હતો, જેમાં સરકારે ખુદ સ્વીકાર્યું કે તમામ પેનલના વ્યક્તિઓ દરેક ઉમેદવારના ઇન્ટરવ્યૂ સમયે હાજર ન હતા. પેનલના કેટલાક સભ્યો પાસે ઇન્ટરવ્યુના દિવસે સમય ન હોવાથી હાજર રહી શક્યા ન હતા. અરજદારની દલીલ હતી કે, કોઈપણ ભરતી માટે ઇન્ટરવ્યુ પેનલ સ્વતંત્ર હોવી જોઈએ, પરંતુ કોન્ટ્રાક્ટ પરના કર્મીઓ પેનલમાં હોવાથી એ નિયમનો ભંગ થયો છે. હાઇકોર્ટે વર્ગ 1 અને 2 ની ભરતી પ્રક્રિયા પર રોક લગાવવાના લીધેલા નિર્ણય બાદ હવે વધુ સુનાવણી વિન્ટર વેકેશન બાદ હાથ ધરાશે.