
NEET Cut-Off 2020: આ વખતે જનરલ કેટેગરીના કટ ઑફમાં થયો વધારો
નવી દિલ્લીઃ એનટીએ નીટ પરીક્ષાનુ પરિણામ જાહેર કરી દીધુ છે. આ વખતે ગયા વર્ષની સરખામણીમાં જનરલ (સામાન્ય કેટેગરી) અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે કટ ઑફ વધુ રહ્યુ છે. ગયા વર્ષ કટ ઑફ 701-134 હતુ જે આ વર્ષે વધીને 720-147 થઈ ગયુ છે. આ ઉપરાંત એસસી, એસટી અને ઓબીસી કેટેગરીની કટ ઑફ પણ વધી છે. જે ગયા વર્ષે 133-107 હતી અને આ વર્ષે 146-113 થઈ ગઈ છે. પીડબ્લ્યુડી કેટેગરીની કટ ઑફ પણ વધી છે. સામાન્ય/ઈડબ્લ્યુએસ દિવ્યાંગની કટ ઑફ 146-129 ગઈ છે જે પહેલા 133-120 હતી. ઓબીસી દિવ્યાંગ, એસસી દિવ્યાંગ અને એસટી દિવ્યાંગની કટ ઑફ પહેલા 119-107 હતી જે હવે 128-113 ગઈ છે.

ટૂંક સમયમાં કાઉન્સેલિંગ પ્રક્રિયા પણ શરૂ થશે
આ પરીક્ષામાં જ્યાં જનરલ કેટેગરીના ઉમેદવારોને પાસ થવા માટે ઓછામાં ઓછા 50 પર્સેન્ટાઈલ લાવવા જરૂરી હોય છે. વળી, અનામત કેટેગરીના ઉમેદવારોએ કમસે કમ 40 પર્સેન્ટાઈલ લાવવા જરૂરી હોય છે. હવે ટૂંક સમયમાં કાઉન્સેલિંગ પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. નીટ કાઉન્સેલિંગ 2020 ઑનલાઈન મોડમાં 15 ટકા ઑલ ઈન્ડિયા કોટાની સીટો માટે આયોજિત કરવામાં આવશે. આની માહિતી વહેલી તકે અધિકૃત વેબસાઈટ પર મળી જશે.

કાઉન્સેલિંગ પ્રક્રિયા
ઉમેદવાર રજિસ્ટ્રેશન બાદ કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. ઉમેદવારોએ નીટ કાઉન્સેલિંગ 2020 દરમિયાન મેરિટ મુજબ ચૉઈસ ફિલિંગ અને લૉકિંગ પૂરી કરવી પડે. નીટ 2020ની કાઉન્સેલિંગમાં દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવશે. કાઉન્સેલિંગના ઘણા રાઉન્ડ એમઓપી રાઉન્ડ સાથે આયોજિત કરવામાં આવશે. સીટોની વહેંચણી નીટ 2020 રેન્ક, કૉલેજ અને કોર્સની પ્રાથમિકતા અને મેડિકલ કૉલેજોમાં સીટોની ઉપલબ્ધતા અનુસાર કરવામાં આવશે.

નીટ કાઉન્સેલિંગ 2020
- સૌથી પહેલા છાત્રોએ રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે.
- ત્યારબાદ પોતાના દસ્તાવેજ અપલોડ કરીને ફોર્મ ફી ભરવાની રહેશે.
- હવે દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવશે. ત્યારબાદ ચૉઈસ ફિલિંગ અને લૉકિંગ પ્રક્રિયાને પૂરી કરવાની રહેશે.
- ત્યારબાદ સીટ ફાળવણી કરવામાં આવશે. સીટની પુષ્ટિ થશે. ફાળવેલ કૉલેજને રિપોર્ટ કરવાનુ રહેશે.
NEET 2020: ગુજરાતના 36,398 ઉમેદવારોએ નીટ પાસ કરી