NEET-SS 2021: આખરી સમયે પરીક્ષા પેટર્નમાં ફેરફારનો આરોપ, SC એ કેન્દ્રને નોટિસ જારી કરી!
સુપ્રીમ કોર્ટે સોમવારે પોસ્ટ ગ્રેજ્યુએટ ડોકટરો દ્વારા NEET-SS 2021 ની પરીક્ષાની પેટર્નમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવાનો આરોપ લગાવતી અરજી પર નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને નેશનલ મેડિકલ કાઉન્સિલને નોટિસ જારી કરી છે. આ મામલે આવતા સોમવારે સુનાવણી થશે.
તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ (NBE) દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ સુપર સ્પેશિયાલિટી (NEET-SS 2021) ની પરીક્ષા પેટર્નમાં જાહેર કરવામાં આવેલા અચાનક છેલ્લી ઘડીના ફેરફારોને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. પરીક્ષા ક્રેક કરીને સુપર સ્પેશિયાલિસ્ટ બનવા ઇચ્છતા 41 લાયકાત ધરાવતા પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોના જૂથે કોર્ટમાં અરજી કરી છે.
આ ઉપરાંત અરજદારોએ દાવો કર્યો છે કે, 2018 અને 2019 માં પરીક્ષાની પેટર્નમાં ફેરફાર થયો હતો ત્યારે વિદ્યાર્થીઓને NEET-SS પરીક્ષાના લગભગ 6 મહિના પહેલા સૂચના આપવામાં આવી હતી, પરંતુ 23 જુલાઈ, 2021 ની નોટિસમાં પરીક્ષા પેટર્ન/યોજના અથવા કોઈપણ પરિવર્તનનો કોઈ સંદર્ભ નહોતો.
ડોકટરોની દલીલ છે કે, નેશનલ મેડિકલ કમિશન એક્ટ-2019 હેઠળની કોઈપણ જોગવાઈઓ નેશનલ મેડિકલ કમિશનને NEET-SS પરીક્ષા યોજવાની પેટર્ન/યોજના લખવા/મંજૂર કરવાની સત્તા આપતી નથી. ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ બી.વી. નાગરરત્નની ખંડપીઠે સોમવાર 20 સપ્ટેમ્બર એટલે કે આજે સુનાવણી કરી હતી.
NEET-SS 2021 માટે પાત્રતાના માપદંડ સંબંધિત નોટિફિકેશનમાં જોગવાઈને પડકારતી ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (OCI) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કર્યાના લગભગ એક સપ્તાહ બાદ આ ફાઇલિંગ કરવામાં આવી છે.