
JEE Advanced 2021 માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ 11 સપ્ટેમ્બરથી શરૂ થશે, એક્સામ ડેટ જાહેર
નવી દિલ્હી : જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન એડવાન્સ (JEE એડવાન્સ 2021) પરીક્ષામાં માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા 11 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ પરીક્ષા માટે અરજી કરવા માંગતા તમામ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
IIT ખડગપુર દ્વારા નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓને 16 સપ્ટેમ્બર સુધી સાંજે 5 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરવાની તક છે. નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ 17 સપ્ટેમ્બરથી અરજી ફી જમા કરાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, JEE Advanced 2021ની પરીક્ષા 3 ઓક્ટોબર, રવિવારના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ પેપર I માટે હશે, જે સવારે 9થી બપોરે 12 અને પેપર II બપોરે 2.30થી 5.30 કલાક દરમિયાન હાથ ધરવામાં આવશે.
25 સપ્ટેમ્બરના રોજ એડમિટ કાર્ડ આપવામાં આવશે
JEE Advanced 2021ની પરીક્ષા માટે એડમિટ કાર્ડ 25 સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. વિદ્યાર્થીઓ 3 ઓક્ટોબર (સવારે 9 કલાક) સુધીમાં સત્તાવાર વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન સમયે બનાવેલા તેમના લોગ-ઇન પાસવર્ડનો ઉપયોગ કરવો પડશે.
પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની ઉત્તરવહીઓ 5 ઓક્ટોબરના રોજ JEE Advancedની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. જે બાદ આન્સર કી 10 ઓક્ટોબરના રોજ સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.